Shri Ramakrishna Ashrama, Rajkot

Free Books : Life Of Shri Ma Saradadevi

લૂંટારાબાપા

શ્રીશારદાદેવીના જીવનનો આ સમય ખરેખર ખૂબ કષ્ટમય ગયો હતો એમ લાગે છે; કારણ કે આટલાં દુ:ખ અને શોક હજી જાણે કે ઓછાં હોય તેમ દક્ષિણેશ્વરથી સમાચાર આવ્યા કે સાસુ ચંદ્રામણિદેવી સ્વર્ગવાસી થયાં છે.

આ બાજુ તેઓ મરડામાંથી હજી માંડ માંડ મુક્ત થયાં હતાં ત્યાં વળી મલેરિયાએ સંકજામાં લીધાં અને પેટની અંદર બરોળ વધી. એટલે ગામડિયા ઉપાયરૂપે પેટ પર ધગધગતા ડામ દેવરાવ્યા અને એથી હેરાન થયાં. પરંતુ ગમે તે કારણે હોય, બરોળ મટી ગઈ ખરી.

આમ, મુસીબતો વચ્ચે શ્રીશારદાદેવીનું જીવન ચાલ્યું જતું હતું.

આ જ અરસામાં એક વખત શ્રીશારદાદેવીને કામારપુકુરથી કોલકાતા જવાનું થયું. સાથે ગામની બાઈઓ, ભત્રીજી લક્ષ્મી તથા ભત્રીજો શિવુ હતો. બાઈઓ કોલકાતામાં ગંગાસ્નાન કરીને પાછી આવી જવાની હતી અને શારદાદેવી ત્યાં દક્ષિણેશ્વર રોકાઈ જવાનાં હતાં.

કામારપુકુરથી નીકળતી વખતે એવું નક્કી કરેલું કે પાંચેક ગાઉ દૂર આરામબાગ ગામે પહોંચીને ત્યાં ધર્મશાળામાં બાકીનો દિવસ ગાળવો; કારણ કે ત્યાર પછી લગભગ પાંચેક ગાઉનું એક મોટું ઉજ્જડ વેરાન મેદાન જેવું આવતું હતું, ત્યાં થઈને નીકળતાં ઘણાય લૂંટાતા. લૂંટારાઓનો એવો ભય હતો કે વચ્ચે આવતાં બે ગામડાં તથા લૂંટારાઓની કાલીનું મંદિર વગેરે સ્થળેથી લોકો વિસામો ખાઈને સમૂહમાં જ નીકળતા.

આ વખતે એવું બન્યું કે શ્રીશારદાદેવીના સંગાથીઓએ આરામબાગની પાસે પહોંચતાં જોયું કે હજી તો દિવસ ઘણો બાકી છે, એટલે ઉતાવળે પગલે ચાલીએ તો વેરાન પ્રદેશને પાર કરીને તારકેશ્વરની ધર્મશાળાએ પહોંચી જઈએ અને કોલકાતા એક દિવસ વહેલા પહોંચાય. એટલે સૌએ નક્કી કર્યું કે આરામબાગમાં વિસામો ન લેવો અને આગળ ચાલ્યે રાખવું.

શ્રીશારદાદેવી નબળાઈને લીધે થાકી ગયેલાં હોવા છતાં સૌનો મત એવો થતાં વિરોધ કરીને સૌને રોકવાં એ તેમને ઠીક ન લાગ્યું અને સૌની સાથે ચાલવા માંડ્યું.

બેએક ગાઉનો પંથક કાપતાં કાપતાં શ્રીશારદાદેવી પાછળ પડી જવા લાગ્યાં. એટલે તે આવે ત્યાં સુધી સૌ ઊભાં રહેતાં અને તે સાથે થઈ જાય એટલે તેમને ઝડપથી ચાલવાની સૂચના આપીને પાછાં બધાં ચાલવા માંડે. આમ ત્રણ ચાર વાર થયું, એટલે એ લોકોએ કહ્યું, ‘આમ ધીરે ધીરે ચાલશો તો તો રાત સુધીમાં તારકેશ્વર પહોંચાશે નહીં અને બધાં લૂંટારાઓના હાથમાં પડીશું.’

શ્રીશારદાદેવીએ જોયું કે પોતે બીજાં બધાંની અગવડ અને બીકનું કારણ થઈ પડ્યાં છે, એટલે તેમણે કહ્યું : ‘તમે બધાં મારી વાટ ન જુઓ અને તારકેશ્વર પહોંચો. ત્યાં હું પણ તમારી પાછળ પાછળ આવી પહોંચું છું.’ સમય વધુ નથી જાણીને પેલા લોકોએ તેમના શબ્દો પર ભરોસો રાખીને ચાલવાની શરૂઆત કરી અને ઉતાવળે પગલે ચાલતાં ચાલતાં તેઓ નજર બહાર નીકળી ગયાં.

શ્રીશારદાદેવી બને તેટલી ઉતાવળે ચાલવા લાગ્યા છતાંયે પેલા વેરાન પ્રદેશની વચ્ચે પહોંચ્યા પછી થોડીવારમાં જ સાંજ પડી ગઈ અને દિવસ આથમી ગયો. થોડુંક ચાલ્યા પછી ચિંતા થવા લાગી. છતાં આગળ ચાલ્યે જાય છે, ત્યાં સંઘ્યા પણ પૂરી થઈ અને જ્યાં દૂર નજર નાખી ત્યાં તો જોયું કે કાળા સીસમના રંગનો પ્રચંડ કાયાવાળો એક પુરુષ, માથે કાળાં કાજળ જેવાં ઘૂંઘરાળાં જુલફાંવાળો, હાથમાં ચાંદીનાં જાડાં કડાં અને ખાંધે કડિયાળી ડાંગ નાખીને પોતાની તરફ આવી રહ્યો છે. શ્રીશારદાદેવી સમજી ગયાં કે જરૂર લૂંટારો જ ! એ સાથે જ ભયની એક કંપારી તેમના શરીરમાંથી નીકળી ગઈ, અને હવે નાસવું કે બૂમ પાડવી નકામી સમજીને સ્થિર થઈને ઊભાં રહ્યાં.

ત્યાં તો, પેલાએ કર્કશ અવાજે બૂમ મારી : ‘અરે, કોણ છે તું ? અત્યારે અહીં કેમ ઊભી છો ? ક્યાં જાય છે ?’ શ્રીશારદાદેવી બોલ્યાં : ‘ઉગમણી બાજુ તારકેશ્વર.’ લૂંટારો બોલ્યો : ‘એ રસ્તો આ ક્યાં છે ? ત્યાંનો રસ્તો તો પેલો  છે.’ શ્રીશારદાદેવી પૂતળાની પેઠે સ્થિર ઊભાં છે, ત્યાં તો પેલો લૂંટારો તદૃન નજીક આવી ગયો અને શ્રીશારદાદેવીના મુખ સામે તાકીને જોઈ રહ્યો. બેએક ક્ષણ પછી સહેજ પાછો હઠ્યો અને નરમ અવાજે બોલ્યો : ‘ડરો મા, મારી સાથે બાઈમાણસ છે, તે પાછળ ચાલી આવે છે.’

શ્રીશારદાદેવીએ ઊંચે નજર કરીને જોયું તો એક સ્ત્રીને આવતી જોઈ; એટલે હિંમત આવી અને બોલ્યાં: ‘બાપુ, મારાં સંગાથીઓ મને મૂકી આગળ ચાલ્યાં ગયાં છે. મને લાગે છે કે હુંય ભૂલી પડી ગઈ છું., તમે સાથે આવીને મને તેમની સાથે પહોંચાડી દો ને ? તમારા જમાઈ દક્ષિણેશ્વરમાં રાણી રાસમણિની કાલીવાડીમાં રહે છે. હું તેમની પાસે જાઉં છું. તમે જો ત્યાં સુધી મને પહોંચાડી દો તો તમારી ખૂબ આગતાસ્વાગતા કરશે.’

એટલામાં તો પેલી સ્ત્રી - લૂંટારાની પત્ની - પણ ત્યાં આવી પહોંચી એટલે શ્રીશારદાદેવી તો સ્નેહથી તેમનો હાથ પકડી બોલવા લાગ્યાં: ‘બા, હું તમારી દીકરી શારદા; સંગાથવાળાં મને મૂકીને આગળ ચાલ્યાં ગયાં છે એટલે હું તો મોટી આફતમાં આવી પડી હતી; નસીબજોગે બાપુ અને તમે આવી પહોંચ્યાં તે સારું થયું, નહીંતર શું થાત ?’

શ્રીશારદાદેવીના એ પ્રકારના નિ:સંકોચ સરળ વર્તન, વિશ્વાસ અને મીઠા શબ્દોથી લૂંટારા અને તેની પત્નીનું હૃદય સાવ પીગળી ગયું અને તેને લૂંટી લેવાની કે હેરાન કરવાની વાત તો દૂર રહી, પણ ઊલટાનું તેને પોતાની દીકરી ગણીને દિલાસો આપવા લાગ્યાં અને તેને સાવ થાકી ગયેલી જોઈને આગળ ચાલવા ન દેતાં પાસેના તેલોભેલો ગામમાં એક નાની દુકાને લઈ ગયાં અને ત્યાં રાત્રિ ગાળવાની સગવડ કરી. લૂંટારાની સ્ત્રીએ પોતાનો સાડલો પાથરીને શારદાદેવીને સૂવાનું બિછાનું કરી આપ્યું અને પુરુષ જઈને ચણામમરા ખરીદી  લાવ્યો અને તેમને ખાવા આપ્યા. આમ સગાં માબાપની પેઠે ખૂબ સ્નેહપૂર્વક તેમને સુવડાવીને લૂંટારો હાથમાં ડાંગ લઈને ચોકી કરતો આખી રાત બેઠો.

સવારમાં વહેલાં ઊઠીને શ્રીશારદાદેવીને સાથે લઈને તેમણે ચાલવા માંડ્યું અને સૂરજ ચડ્યો ત્યાં તો તારકેશ્વર પહોંચી ગયાં. તરત પેલા લૂંટારાની સ્ત્રી બોલી : ‘અમે અહીં ધર્મશાળામાં બેઠાં છીએ. આ મારી દીકરીએ કાલ રાતે કાંઈ ખાધું નથી. માટે ઝટ ઝટ બાબા તારકનાથની પૂજા પતાવીને સીધું સામાન, શાકભાજી વગેરે લઈ આવો, આજે એને સારી રીતે જમાડવાની છે.’

લૂંટારો એ બધું લેવા ગયો એટલામાં શ્રીશારદાદેવીનાં સંગાથીઓ તેમને શોધતાં શોધતાં ત્યાં આવી પહોંચ્યાં અને તેમને ક્ષેમકુશળ આવી પહોંચેલાં જોઈને હરખ કરવા લાગ્યાં. ત્યાર પછી શ્રીશારદાદેવીએ પોતાનાં રાતના આશ્રયદાતા  ‘બા’નો તથા ‘બાપુ’નો પરિચય કરાવતાં કહ્યું: ‘એમણે આવીને જો મારી સંભાળ ન લીધી હોત તો કાલે રાત્રે મારું શું થાત એ કોણ કહી શકે ?’

પછી પૂજા, રસોઈ, ભોજન વગેરેથી પરવારીને સૌ વૈદ્યવાટીને માર્ગે રવાના થયાં. શારદાદેવી કહે છે ‘એ એક રાતમાં ડાકુ માબાપે અને મેં પરસ્પરને એટલાં બધાં પોતાનાં કરી લીધાં હતાં કે વિદાય લેતી વખતે અમે ત્રણે ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યાં. કેટલેય દૂર સુધી તેઓ બન્ને વળાવવા માટે સાથે ચાલતાં આવ્યાં; અને લૂંટારાની સ્ત્રી બાજુના ખેતરમાંથી લીલા અડદની શીંગો તોડી લાવીને શ્રીશારદાદેવીની સાડીના પાલવને છેડે બાંધીને આંસુ સારતાં સારતાં બોલી : ‘દીકરી શારદા, રાત્રે મમરાની સાથે આ પણ ખાજે.’

આખરે તેમની પાસેથી દક્ષિણેશ્વર જરૂર આવવાનું વચન લઈને શ્રીશારદાદેવી તેમનાથી વિખૂટાં પડ્યાં.

તે વચનનું પાલન તેમણે કરેલું. મીઠાઈ વગેરે વિવિધ પ્રકારની ચીજો લઈને તેઓ બે ત્રણ વાર દક્ષિણેશ્વર ગયેલાં અને શ્રીરામકૃષ્ણે પણ શ્રીશારદાદેવીની પાસેથી એ બધી ઘટના સાંભળીને તેમની સાથે જમાઈ જેવું જ વર્તન રાખ્યું હતું અને તેમનો અતિથિસત્કાર કરીને તેમને પ્રસન્ન કરેલાં.

લૂંટારાનું કઠોર હૃદય શ્રીશારદાદેવીને એક નજરે જોતાં જ એકદમ નરમ કેમ થઈ ગયું ? શું શ્રીશારદાદેવીની સરળતા અને વિશ્વાસ મૂકવા માત્રથી એ બન્યું કે એની પાછળ કોઈક દિવ્ય શક્તિ હતી ? એ બાબતમાં શ્રીશારદાદેવીએ શ્રીમુખે ભક્તોને કહેલું : ‘મેં એક વાર એ લૂંટારા દંપતીને પૂછેલું કે તમે મારા પર આટલો બધો સ્નેહ શા માટે રાખો છો, બાપુ ?’ તેમણે કહ્યું: ‘તમે કાંઈ સાધારણ માણસ નથી. અમે તમને કાલીરૂપે જોયાં છે.’ શ્રીશારદાદેવીએ એમના કથન સામે વાંધો લેતાં કહ્યું : ‘એ વળી શું, તમે એ શું જોયું ?’ એથી જરાય અચકાયા વિના તેમણે કહ્યું હતું: ‘ના મા, અમે સાચેસાચ જોયું છે. અમે પાપી છીએ એટલે તમારું રૂપ છુપાવો છો.’ શ્રીશારદાદેવી બેઘ્યાનપણે બોલ્યાં : ‘કોણ જાણે ભાઈ, હું તો કાંઈ જાણતી નથી.’

એ સાંભળીને એક ભક્ત બોલી ઊઠ્યો : ‘ત્યારે તો આપે તેને કાલીરૂપે દર્શન આપ્યાં હતાં ? મા, છુપાવશો નહીં. બોલો બોલો.’

શ્રીશારદાદેવી બોલ્યાં : ‘હું શું કામ દર્શન દેવા જાઉં ? તેણે કહ્યું હતું કે તેણે જોયું છે.’ પેલા ભક્તે કહ્યું : ‘એનો અર્થ જ એ થયો કે તમે  કાલીરૂપે દર્શન આપ્યાં હતાં.’

શ્રીશારદાદેવીએ હસીને મને કહ્યું : ‘એ હવે તમને ઠીક પડે તેમ કહો.’

You cannot believe in God until you believe in yourself.- Swami Vivekananda

A few heart-whole, sincere, and energetic men and women can do more in a year than a mob in a century.- Swami Vivekananda

Arise ! Awake ! And Stop Not Till the Goal is Reached.- Swami Vivekananda

All power is within you, you can do anything & everything !- Swami Vivekananda

To be good & to do good, that is the whole of religion.- Swami Vivekananda

Purity, Patience & Perseverance are the three essentials to success, and above all Love !- Swami Vivekananda

Take the whole responsibility on your own shoulders, and know that you are the creator of your own destiny !- Swami Vivekananda

We are what our thoughts have made us, so take care about what you think.- Swami Vivekananda