Shri Ramakrishna Ashrama, Rajkot

Free Books : Life Of Shri Ma Saradadevi

સિંહવાહિનીને જગાવ્યાં

આ સંસારમાં સદા સુખી કોઈ જ નથી. દેહ ધારણ કરનારની પાછળ સુખદુ:ખ, રોગ-શોક લાગેલાં જ છે. અવતારી પુરુષો પણ આમાંથી મુક્ત નથી. શ્રીરામકૃષ્ણ કહેતા કે ‘પંચભૂતમાં પડે તો બ્રહ્મ સુઘ્ધાં રડે !’

શ્રીશારદાદેવી જયરામવાટી આવ્યાં તો શારીરિક સ્વાસ્થ્ય ન સુધર્યું, સુધરવાને ઠેકાણે, અને ઊલટું માનસિક દુ:ખ વગેરેથી સ્વાસ્થ્ય વધુ પડતું બગડ્યું, એ આપણે નીચેની ઘટનાઓના ટૂંકા બયાનથી જાણી શકીએ છીએ.

દક્ષિણેશ્વરથી આવ્યાંને થોડોક સમય થયો ત્યાં કામારપુકુરમાં સસરાને ઘેર તેમના વચેટ જેઠ રામેશ્વરે સ્વર્ગવાસ કર્યો !

એની હજી વરસીયે નહોતી વાળી ત્યાં ચાર મહિના પછી ચૈત્ર મહિનામાં શારદાદેવીના પિયર જયરામવાટીમાં તેમના નાના ભાઈને પાંચમની જનોઈ દેવાઈ ગઈ અને પછી ચોથે જ દિવસે, રામનવમીના પવિત્ર દિવસે તેમના પિતા રામચંદ્ર મુખરજીએ દેહત્યાગ કર્યો !

પિતાના દેહત્યાગ પછી તેમની માતાના ઘરમાં કમાનારું કોઈ જ ન રહ્યું. ખેતીની જે સાવ સામાન્ય આવક હતી તે ખેતીને સંભાળનારું કોઈ ન રહ્યું, કારણ કે છોકરાઓ બધા નાના; એટલે કર્મકાંડની કમાણી, દક્ષિણા વગેરે અટકી ગઈ, તેમ ખેડૂતોની લુચ્ચાઈથી ખેતરની આવક પણ નહિવત્ થઈ ગઈ. કાકાઓ માંડ માંડ પરાણે પોતાનું પૂરું કરતા હતા તે ભાઈના ઘરમાં ક્યાંથી આપે ? પરિણામે પિતાના જવાની સાથે જ ગરીબાઈ પિતાના ઘરમાં ઘર કરી ગઈ. નાના ભાઈઓને જુદાં જુદાં ગામડાંમાં જુદાં જુદાં સગાંઓને ત્યાં મોકલી આપવા પડ્યા, અને જે સાવ નાના હતા તેમનો ગુજારો કરવા માટે શ્રીશારદાદેવીનાં માતુશ્રીને ગામના એક શ્રીમંત બ્રાહ્મણ કુટુંબમાં જઈને તેમને ઘેર ડાંગર છડવાનું કામ સ્વીકારવું પડ્યું હતું.

આ બધી ઘટનાઓથી શ્રીશારદાદેવીના મનમાં શોકનો પાર ન રહ્યો, અને દક્ષિણેશ્વરમાં સાસુજીને પુત્રશોકમાં સાંત્વન આપનારું તથા શ્રીરામકૃષ્ણના ભોજન વગેરે બાબતો સંભાળનારું બીજું કોઈ જ નહોતું, એટલે ઉપર્યુક્ત માનસિક કષ્ટમય ઘટનાઓથી પીડાઈને શ્રીશારદાદેવી થોડાક મહિનામાં જ પાછાં દક્ષિણેશ્વર ચાલ્યાં ગયાં.

પરંતુ ત્યાં પણ શાન્તિ ક્યાં હતી ? ત્યાં આવ્યાં ને થોડાક વખતમાં મરડો લાગુ પડ્યો. દવાદારૂ કરતાં ક્યારેક ઠીક થતું; પણ પાછો ઊથલો મારતો. એમ સાજીમાંદી સ્થિતિમાં વરસ દિવસ સુધી ખેંચી કાઢ્યું, પરંતુ આખરે જયરામવાટી જવાથી સાવ સારું થઈ જશે એમ ધારીને ત્યાં ગયાં.

ત્યાં ગયા પછી થોડા દિવસોમાં જ પાછો મંદવાડ આવ્યો અને મરડો શરૂ થયો. એવા ગામડા-ગામમાં વૈદ્ય-ડૉક્ટરનો ઘણે ભાગે અભાવ જ હોય છે. રોગ મટાડવાનું કામ બહુ અંશે કુદરત પર જ છોડી દેવાનું હોય છે અથવા ગામના વૃદ્ધોના અનુભવના નુસખા અજમાવાતા હોય છે. આ બધાય નુસખા જ્યારે નિષ્ફળ નીવડે ત્યારે છેવટે સરળ ગામડિયાઓ ગામના કોઈક દેવતાનું શરણ લે છે. તેમાં રોગી મંદિરના બારણા સામે દેવતાની દૃષ્ટિ પડે એવી રીતે ખાધાપીધા વિના પડ્યો રહે. એમ ઉપાય ન મળે ત્યાં સુધી પડ્યો રહે. પછી તેના નસીબ પ્રમાણે દેવતા સ્વપ્નમાં દર્શન દઈને રોગનો ઉપાય બતાવે અથવા આશીર્વાદ આપે અને રોગ મટી જાય. આ દેવતાઈ ઉપાયને ‘હત્યાદાન’ યાને ‘ત્રાગું’ કહેવામાં આવે છે. આ ઉપાય સર્વથા શ્રદ્ધાનો જ છે, ભૌતિક વિજ્ઞાન ક્ષેત્રનો નહીં.

આ બાજુ શ્રીશારદાદેવીએ ઘરગથ્થુ ઘણાય ઉપાય કર્યા પણ રોગે મચક આપી નહીં, અને શરીર સાવ નિચોવાઈ ગયું અને પથારીવશ થઈ ગયાં. જીવતાં ઊઠવાની આશામાંય શંકા જણાવા લાગી. એ સાથે કંઈક બીજા રોગની ગૂંચવણ પણ ઊભી થયેલી. એ વિશે શ્રીશારદાદેવી કહેતાં: ‘એ વખતે મારું શરીર ખૂબ સૂજી ગયું હતું અને નાકમાંથી ને કાનમાંથી રસ ઝરતો. આંખોનાં પોપચાં સૂજાઈને ભેગાં થઈ ગયાં હતાં. એટલે આંખે દેખી શકાતું ન હતું. પૂનમની રાત મારે મન અમાસ હતી. એટલે છેવટના ઉપાય તરીકે મારા નાના ભાઈ ઉમેશે કહ્યું: ‘મોટી બહેન, સિંહવાહિની (ગામની દેવી)ની સામે હત્યાદાન આપો.’ મેં એની હા પાડી. અને એ મને હાથ પકડીને સિંહવાહિનીને મંદિરે પહોંચાડી આવ્યો.’

શ્રીશારદાદેવી કહે છે કે, ‘હું તો માતાજીના મંદિરની સામેના ઓટલા પર પડી રહી. મંદિરની પાસે જ મારી એક ધરમની મા રહેતી હતી. તે અવારનવાર ગળાના ખોંખારા ખાતી હતી, કે જેથી મને એકલાં પડ્યાં પડ્યાં બીક ન લાગે. રાત જવા લાગી. કેટલાક કલાક પછી દેવી સિંહવાહિની બારતેર વરસની એક લુહારની છોકરીને વેશે મારી બાની પાસે જઈને બોલ્યાં: ‘જાઓ, જાઓ, એને (શારદાદેવીને) ઉપાડી આવો. આવો મંદવાડ, તેમાં એને ત્યાં પડી રહેવા દેવાય ? અબઘડી જ લઈ આવો. આ દવા કરજો; એથી સારું થઈ જશે.’ આ બાજુ દેવીએ મને કહ્યું: ‘દૂધીનાં ફૂલને મીઠામાં લસોટીને તે એક એક ટીપું રસ આંખોમાં ટીપું ટીપું કરીને નાખજો, એટલે મટી જશે.’ ત્યાર પછી મારી બાએ મને તેડી જઈને જે દવા આપી તે મેં લીધી અને દૂધીના ફૂલનાં રસનાં ટીપાં આંખમાં નાખ્યાં. એની સાથે સાથે જ જેમ તળાવમાંથી જાળ ખેંચાતી આવે તેમ આંખની અંદરનો બધો મેલ ખેંચાઈને બહાર નીકળી આવ્યો. તે જ દિવસે આંખો સારી થઈ ગઈ અને શરીરના સોજા ઊતરી ગયા, અને શરીર મજાનું હલકું ફૂલ જેવું થઈ ગયું. મંદવાડમાંથી બેઠી થઈ. જે કોઈ પૂછતું તેને કહેતી કે, ‘મા સિંહવાહિનીએ દવા આપી છે. ત્યારથી એ દેવી સિંહવાહિનીનું માહાત્મ્ય ફેલાયું. મનેય દવા મળી ને જગતનું ય ભલું થયું.’

ત્યારથી જયરામવાટીના સિંહવાહિનીની માટીથી રોગ મટાડવા તથા સર્પદંશના વિષમાંથી મુક્ત થવાના અનેક કિસ્સાઓ બનેલા છે.

You cannot believe in God until you believe in yourself.- Swami Vivekananda

A few heart-whole, sincere, and energetic men and women can do more in a year than a mob in a century.- Swami Vivekananda

Arise ! Awake ! And Stop Not Till the Goal is Reached.- Swami Vivekananda

All power is within you, you can do anything & everything !- Swami Vivekananda

To be good & to do good, that is the whole of religion.- Swami Vivekananda

Purity, Patience & Perseverance are the three essentials to success, and above all Love !- Swami Vivekananda

Take the whole responsibility on your own shoulders, and know that you are the creator of your own destiny !- Swami Vivekananda

We are what our thoughts have made us, so take care about what you think.- Swami Vivekananda