Shri Ramakrishna Ashrama, Rajkot

Free Books : Life Of Shri Ma Saradadevi

ષોડશીપૂજા

પુરુષશ્રેષ્ઠ શ્રીરામકૃષ્ણ અને નારીશ્રેષ્ઠ શ્રીશારદાદેવીનાં જીવનનો આ સમય આત્મસંયમના ઇતિહાસમાં સુવર્ણાક્ષરે લખાયેલું એક અતિ ઉજ્જવળ પૃષ્ઠ ! પતિપત્ની એક જ શય્યામાં બેચાર દિવસ નહીં પણ આઠ આઠ માસ સુધી સાથે શયન કરવા છતાં આ અલૌકિક માનવોનાં મનમાં શરીરભોગની કામનાનો ઉદય સરખોય થયો નહીં, એ ઘટના કેવળ અસામાન્ય નહીં, પરંતુ અભૂતપૂર્વ છે.

શ્રીરામકૃષ્ણને ખાતરી થઈ કે પોતાની પત્નીનું અંતર સંપૂર્ણપણે કામરહિત અને નિર્મળ છે - ચંદ્રમા જેવું. ચંદ્રમાની અંદર પણ કલંક છે, પણ શારદાદેવીના અંતરમાં રજોગુણ- તમોગુણની કાળાશનો લેશ સરખોય નથી. એટલે આવી શુદ્ધ સાત્ત્વિક જીવંત મૂર્તિને અવલંબીને ષોડશીપૂજા, એટલે કે સોળ વરસની સુંદરીમાં શ્રીત્રિપુરસુંદરીરૂપે જગદંબાની પૂજા કરવાની ઇચ્છા તેમનામાં જાગી. તેની પાછળ એક બીજો પણ ગૂઢ હેતુ હતો કે પોતાની લીલાપૂર્તિને માટે જેને પોતે પાછળ રાખી જવાના હતા, તેને પોતાના હૃદયની પૂજા અર્પણ કરીને પોતાની અને લોકોની સમક્ષ સન્માનિત અને મહિમાવંતી બનાવીને એ જ દેવીને પોતાની શક્તિરૂપે સ્થાપિત કરવી. અને અલ્પ સમયમાં જ તેમણે એ ઇચ્છાને અમલમાં મૂકી.

શ્રીરામકૃષ્ણે પંચાંગ જોઈને ઈ.સ. ૧૮૭૨ના જૂનની ૫મી તારીખ, વિ. સં. ૧૯૨૮ના વૈશાખ વદ અમાસ તિથિના રોજ ફલહારિણી કાલીપૂજાને દિવસે રાતે ષોડશીપૂજા કરવાનું નક્કી કર્યું. આ બધાં કામોમાં શ્રીરામકૃષ્ણ પોતાના ભાણેજ હૃદયરામને મદદમાં લેતા, પરંતુ તે દિવસે હૃદયરામ ભવતારિણી કાલીના મંદિરમાં ફલાહારિણી પૂજામાં વ્રતી થયા હતા, એટલે પોતાનાથી બન્યાં તેટલાં પૂજાદ્રવ્યો તથા અન્ય વસ્તુઓ શ્રીરામકૃષ્ણની ઇચ્છા પ્રમાણે તેમના ઓરડામાં મૂકીને કાલીમંદિરમાં પૂજા કરવા ચાલ્યા ગયા. પછી શ્રીરાધાકાન્તજીના મંદિરનો દીનુ પૂજારી પોતાના મંદિરના ઠાકોરજીની સેવાપૂજા સમાપ્ત કરીને શ્રીરામકૃષ્ણના ઓરડામાં આવ્યો. તેણે પૂજાની ચીજવસ્તુઓ પૂજાપાત્રોમાં તેમની જગાએ ગોઠવી દીધી. પૂજનની દેવતા ત્રિપુરસુંદરીની કોઈ પ્રતિમા કે છબી કે એવું કંઈ જ નહોતું, છતાં દેવતાની સ્થાપનાને માટે લીપીગૂંપીને સુશોભિત બનાવેલ એક પાટલાનું આસન શ્રીરામકૃષ્ણની પાટની ઉત્તર બાજુએ મૂકવામાં આવ્યું. એ રીતે શ્રીત્રિપુરસુંદરીની પૂજાની સઘળી તૈયારી કરતાં રાતના નવ વાગી ગયા. પછી દીનુ પૂજારી ચાલ્યો ગયો.

શ્રીશારદાદેવીને રાત્રે પૂજા વખતે હાજર રહેવા માટે શ્રીરામકૃષ્ણે અગાઉથી જ કહેવડાવી રાખ્યું હતું. એટલે તેઓ પણ આવીને જઈને એકઘ્યાન થઈને શ્રીરામકૃષ્ણની પૂજા જોવા લાગ્યાં.

શ્રીરામકૃષ્ણ પૂર્વાભિમુખ થઈને તેમના ઓરડાના પશ્ચિમ તરફના બારણા તરફ પીઠ કરીને બેઠા. મંત્રોચ્ચાર કરીને પૂજાદ્રવ્યોનું પ્રથમ શોધન કર્યું. પછી વિધિ અનુસાર પૂર્વકૃત્ય બધું પૂરું કરીને શારદાદેવીને દેવતા માટેના પેલા પાટલા પર- આસન પર બેસી જવા ઈશારો કર્યો. પૂજા જોતાં જોતાં જ શ્રીશારદાદેવીને અર્ધસમાધિ અવસ્થા તો આવી ગઈ હતી; એટલે પોતે શા માટે, શું કરે છે વગેરેનો વિચાર ન કરતાં એ તો મંત્રમુગ્ધની પેઠે પશ્ચિમાભિમુખ થઈને શ્રીરામકૃષ્ણની સામેના પાટલા પરના આસન પર બેસી ગયાં.

શ્રીશારદાદેવી આસન પર બેસી ગયાં એટલે કળશમાંનું મંત્રથી પવિત્ર કરેલું જળ લઈને શ્રીરામકૃષ્ણે વારંવાર તેનો છંટકાવ કરતાં કરતાં શારદાદેવીનો અભિષેક કર્યો. પછી તેમને મંત્રશ્રવણ કરાવીને પ્રાર્થનામંત્ર બોલ્યા: ‘હે બાલે ! હે સર્વશક્તિની અધીશ્વરી, માતા ત્રિપુરાસુંદરી, સિદ્ધિનાં દ્વાર ખોલી દો; ઉન્મુક્ત કર; આમનાં (શારદાદેવીના) દેહ-મનને પવિત્ર કરીને તેમાં પ્રગટ થઈને સર્વકલ્યાણ સિદ્ધ કરો.’

પછી શ્રીરામકૃષ્ણે શ્રીશારદાદેવીના પ્રત્યેક અંગમાં મંત્રોનો ન્યાસ કરીને સાક્ષાત્ દેવીસ્વરૂપે તેમના પૂજનનો આરંભ કર્યો. પ્રથમ દેવીના બેય પગે લાલ અળતો લગાવી દીધો, પછી દેવીના લલાટમાં સિંદૂરનો ચાંદલો કર્યો તથા સેંથામાં સિંદૂર પૂર્યું, પછી શરીરે નવાં વસ્ત્ર પરિધાન કરાવ્યાં, અલંકાર ધારણ કરાવ્યા, મોઢામાં મીઠાઈ મૂકી અને મુખવાસને માટે મુખમાં પાનનું બીડું આપ્યું તથા સુગંધ, પુષ્પ, માલા વગેરે સોળેસોળ તથા વિશેષ ઉપચારોથી પૂજન કરીને આરતી કરી. પછી ભોગ ધરાવ્યો. છેલ્લે શ્રીરામકૃષ્ણે નેવૈદ્ય ધરાવેલ મિષ્ઠાન્ન વગેરેનો કંઈક અંશ પોતાને હાથે લઈને દેવી શ્રીશારદાદેવીના શ્રીમુખમાં મૂક્યો.

જોતજોતામાં બાહ્યભાનરહિત થઈને શ્રીશારદાદેવી સમાધિસ્થ થયાં. શ્રીરામકૃષ્ણ પણ અર્ધસમાધિ અવસ્થામાં મંત્રોચ્ચાર કરતાં કરતાં સમાધિ રાજ્યમાં ચાલ્યા ગયા. એ ઉચ્ચ ભૂમિકાએ સમાધિસ્થ પૂજક અને પૂજિતા દેવી આત્મસ્વરૂપમાં સંપૂર્ણપણે સંયુક્ત થઈને એક થયાં.

આ અવસ્થામાં ઘણો વખત નીકળી ગયો. મધરાતનો મોટો ભાગ જ્યારે વીતી ગયો ત્યારે સમાધિસ્થ શ્રીરામકૃષ્ણને વ્યુત્થાનદશા (સમાધિમાંથી નીચેની ભૂમિકા) એ આવવાનાં કંઈક કંઈક ચિહ્નો જણાવા લાગ્યાં; અને પૂર્વની પેઠે અર્ધસમાધિની સ્થિતિ આવી ગઈ એટલે તેમણે શ્રીદેવીને આત્મસમર્પણ કર્યું. પછી પોતાને તથા પોતાની સર્વસાધનાઓના ફળને અને પોતાની જપમાળાને તથા સર્વસ્વને શ્રીદેવીને ચરણે સદાયને માટે વિસર્જન કરીને મંત્રોચ્ચારણ કરતાં કરતાં દેવીને પ્રણામ કર્યા, ‘હે સર્વ મંગલની માંગલ્યસ્વરૂપ, હે સર્વ કર્મ સિદ્ધ કરનારી, હે શરણદાયિની, હે ત્રિનયનિ, હે શિવગેહિની ગૌરિ, હે નારાયણી, તને પ્રણામ હો ! તને પ્રણામ હો !’

પૂજા સમાપ્ત થઈ. શ્રીરામકૃષ્ણે શ્રીશારદાદેવીને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યા, ત્યારે શ્રીશારદાદેવી તો કોઈ મૂર્તિની જેમ સાવ સ્થિર બેઠાં હતાં. માનવીના દેહના આલંબને મૂર્તિમતી વિદ્યાસ્વરૂપિણી ઈશ્વરીની ઉપાસના દ્વારા શ્રીરામકૃષ્ણની સાધનાની પણ સમાપ્તિ થઈ. પૂજા પૂરી થતાં બાહ્ય ભૂમિકાએ મન પાછું ઊતરી આવ્યું એટલે શ્રીશારદાદેવી પણ મનમાં શ્રીરામકૃષ્ણને પ્રણામ કરીને નોબતખાનાની પોતાની ઓરડીમાં ચાલ્યાં ગયાં. શ્રીશારદાદેવીને લાગ્યું કે આ દિવસથી કોઈ દૈવી ચેતનાનો આવિર્ભાવ એમનામાં થયો છે. ગામડા ગામની એક સામાન્ય છોકરીનું તે દિવસે શ્રીમા શારદાદેવીમાં રૂપાંતર થયું.

ષોડશીપૂજા પછી શ્રીશારદાદેવી પૂર્વની પેઠે જ દિવસનો મોટો ભાગ પોતાની ઓરડીમાં ઘરકામમાં તથા શ્રીરામકૃષ્ણની તેમજ સાસુની સેવામાં ગાળીને રાત્રે અગાઉની માફક શ્રીરામકૃષ્ણની સાથે એક જ બિછાનામાં સૂતાં.

શ્રીરામકૃષ્ણને દિનરાત સમાધિનો વિરામ નહીં, અને કયારેક તો તેમની સમાધિની માત્રા એટલી ગાઢ રહેતી કે તેમનામાં જીવંતપણાનું એકે લક્ષણ ન દેખાતું. એથી શ્રીશારદાદેવીને ચિંતા રહ્યા કરતી. એટલે શ્રીરામકૃષ્ણની સમાધિ ઉતારવા માટે સમાધિના પ્રકાર પ્રમાણે જુદા જુદા બીજમંત્રોનો તેમના કાનમાં ઉચ્ચાર કરવા સારુ તેમને રાતે જાગતા રહેવું પડતું. એક દિવસે તો તેમની સમાધિ એટલી ગાઢ થઈ ગયેલી કે શ્રીશારદાદેવીથી કોઈ રીતે ઊતરે જ નહીં. એટલે પોતે ગભરાઈ ગયાં અને મધરાતે ભાણેજ હૃદયને જગાડી લાવ્યાં. હૃદયરામે આવીને શ્રીરામકૃષ્ણના કાનમાં કેટલીયે વાર સુધી ઈશ્વરના નામનો ઉચ્ચાર કર્યા કર્યો ત્યારે તેમની સમાધિ ઊતરી. બાહ્ય જગતના ભાનમાં આવ્યા પછી શ્રીરામકૃષ્ણને ખબર પડી કે શ્રીશારદાદેવીને રોજ રાતનો ઉજાગરો થાય છે એટલે પછી નોબતખાનાની ઓરડીમાં મા ચંદ્રાદેવી પાસે તેમને સૂવાની ગોઠવણ કરી.

આમ આશરે સવા વરસથીયે વધારે સમય સુધી શ્રીશારદાદેવી દક્ષિણેશ્વરમાં શ્રીરામકૃષ્ણ સાથે એકઠાં રહ્યાં. ષોડશીપૂજા પછી તેમને સખત બીમારી લાગુ થઈ. ડૉક્ટરની દવા વગેરે સર્વ પ્રકારની સારવાર કરી જોઈ, પણ કોઈ રીતે રોગ કાબૂમાં ન આવ્યો. એટલે પછી ન છૂટકે સૌના કહેવાથી અને શ્રીરામકૃષ્ણને ઉપાધિરૂપ થવામાંથી મુક્ત રાખવા માટે તે કામારપુકુર ગયાં. અને થોડાક દિવસ રહીને ત્યાંથી જયરામવાટી ચાલ્યાં ગયાં.

You cannot believe in God until you believe in yourself.- Swami Vivekananda

A few heart-whole, sincere, and energetic men and women can do more in a year than a mob in a century.- Swami Vivekananda

Arise ! Awake ! And Stop Not Till the Goal is Reached.- Swami Vivekananda

All power is within you, you can do anything & everything !- Swami Vivekananda

To be good & to do good, that is the whole of religion.- Swami Vivekananda

Purity, Patience & Perseverance are the three essentials to success, and above all Love !- Swami Vivekananda

Take the whole responsibility on your own shoulders, and know that you are the creator of your own destiny !- Swami Vivekananda

We are what our thoughts have made us, so take care about what you think.- Swami Vivekananda