Shri Ramakrishna Ashrama, Rajkot

Free Books : Life Of Shri Ma Saradadevi

પરીક્ષા

શ્રીશારદાદેવીનું દક્ષિણેશ્વર આગમન અને તેમનો શ્રીરામકૃષ્ણ સાથે નિવાસ એ આઘ્યાત્મિક સાધનાના ઇતિહાસમાં એક અપૂર્વ ઘટના ગણાય.

અદ્વૈત વેદાંતની સાધના વખતે શ્રીરામકૃષ્ણના સંન્યાસી ગુરુ સ્વામી તોતાપુરીજીએ કહેલું: ‘સ્ત્રી પાસે હોવા છતાં જે પોતાના મનને નિર્વિકાર રાખી શકે અને સ્ત્રીને બ્રહ્મના એક સ્વરૂપ સિવાય બીજી વિકારી દેહદૃષ્ટિથી ન જુએ તે જ સાચો બ્રહ્મનિષ્ઠ છે. બીજા બધા સાધક ભલે હોય, પણ અદ્વૈત વિજ્ઞાનથી બહુ દૂર છે.’ એ શબ્દોમાં વ્યક્ત કરેલ સ્ત્રીભોગની વાસનાના ત્યાગની પરીક્ષા શ્રીરામકૃષ્ણે આ વખતે આપી અને એમાં ઉત્તીર્ણ થયા. એ જાણીતી ટૂંકમાં આ પ્રમાણે હતી:

એક રાતે પોતાની બાજુમાં શ્રીશારદાદેવીને સૂતેલાં જોઈને, શ્રીરામકૃષ્ણે પોતાના મનને પૂછ્યું : ‘મન, આ નવયુવતી સ્ત્રી છે. લોકો સ્ત્રીદેહને બહુ જ ભોગ્ય વસ્તુ માને છે અને સદા તેની લાલસા રાખ્યા કરે છે, પણ એથી ઈશ્વરપ્રાપ્તિ થઈ શકતી નથી. તારે જોઈએ તો એ હાજર છે; લે! અંદર એક અને બહાર બીજું એમ રાખીશ મા.’

તરત જ તેમનું મન એક એવા ઉચ્ચ સમાધિરાજ્યમાં ચઢી ગયું કે ઠેઠ બીજે દિવસે મોડી સવારે નીચે ઊતર્યું.

પરંતુ શ્રીશારદાદેવીને માટે પણ દક્ષિણેશ્વરવાસ પરીક્ષાનો કાળ હતો એમ કહી શકાય. નારીસ્વભાવમાં સંતતિની આકાંક્ષા સાહજિક રીતે જ રહેલી છે. તેના નારીત્વનું તેમાં સાફલ્ય છે. શ્રીશારદાદેવીમાં એ બિલકુલ જ નહોતી એમ કહી શકાય તેમ નથી, પરંતુ તેમની મહત્તા ત્યાં છે કે પોતાના પતિના આદર્શને અનુકૂળ થવા માટે તેમણે એ દેહબદ્ધ શુદ્ધ સાંસારિક વાસનાનું સર્વોચ્ચ ભાવમાં એટલે કે વિશ્વમાતૃત્વમાં રૂપાંતર કર્યું એ દર્શાવનારી ઘટના આ પ્રમાણે છે:

શ્રીરામકૃષ્ણ હંમેશાં શ્રીશારદાદેવીને સંસારની અનિત્યતાની, તેનાં દુ:ખ- કષ્ટની વાતો કરી સમજાવતા અને કહેતા: ‘વૈરાગ્ય અને ભગવદ્ ભક્તિ જ સાચી વસ્તુ છે. શિયાળવાં-કૂતરાંની પેઠે કેટલાંક કચ્ચાંબચ્ચાં જણ્યે શું વળવાનું ?’ શ્રીશારદાદેવીની માને ઘણાંય છોકરાંછૈયાં થયેલાં, તેમાંથી કેટલાંક મરી પણ ગયેલાં. અને શ્રીશારદાદેવીએ એ નાનાં નાનાં ભાંડુઓને ખોળામાં રમાડીને અને કાંખમાં તેડીતેડીને મોટાં કરેલાં. તેમાંનાં કેટલાંકના મૃત્યુ વખતે પોતાનાં માબાપનો શોક તથા મનનું દુ:ખ પણ જોયેલ; પોતાને પણ શોક થયેલો. એ બધાંનો ઉલ્લેખ કરીને શ્રીરામકૃષ્ણ કહેતા : ‘તમારેય ઘણીયે પળોજણ વેંઢારવી પડી છે. જોયું છે ને કેટકેટલું દુ:ખ ? તો પછી પરિગ્રહ વધારવાની જરૂર શી ? એ બધાં નથી તોય છો ઠાકુરાણી અને રહેશોય ઠાકુરાણી.’

એ અરસામાં એક દિવસ સવારના પહોરમાં શ્રીશારદાદેવી કામારપુકુરના ઘરમાં છાણમાટીની ગાર લીપી રહ્યાં હતાં, ત્યારે શ્રીરામકૃષ્ણ બહાર ઓટલા પર બેસીને દાતણ કરી રહ્યા હતા અને વચ્ચે વચ્ચે હાસ્યજનક તુક્કાઓ કહીને સૌને હસાવી રહ્યા હતા. એમાં વાતમાં ને વાતમાં શારદાદેવીને ઉદ્દેશીને શ્રીરામકૃષ્ણ કહેવા લાગ્યા: ‘છોકરાંના અબોટણ વખતે સારાં સારાં ઘરેણાં પહેરીને સ્ત્રીઓ ગાણાં ગાય ને નાચે, પણ એ જ છોકરું જ્યારે મરી જાય ત્યારે ભોંય પછડાટ ખાઈને રોવું પડે.’ શરમના માર્યાં કાંઈ પણ બોલ્યા વિના શારદાદેવીએ એ બધું સાંભળ્યા કર્યું, પરંતુ શ્રીરામકૃષ્ણ વારેવારે છોકરાંના મરવાની વાત બોલ્યા કરે છે એ જોઈને પછી છેવટે ધીમેથી બોલ્યાં: ‘બધાંય શું મરી જાય ?’ શ્રીશારદાદેવીના એ શબ્દો બહાર નીકળ્યા ન નીકળ્યા કે તરત જ શ્રીરામકૃષ્ણ બૂમ પાડી ઊઠ્યા: ‘એલા, આ તો ફણિધર નાગની પૂંછડી પર પગ પડી ગયો રે, ફણિધર નાગની પૂંછડી પર પગ પડી ગયો ! વોય મા, હું તો જાણતો હતો આ તો ભોળું ભોળું, સાદું સીધું સારું માણસ છે, કાંઈ સમજતું નહી હોય; પણ પેટની અંદર તો બધુંય પડ્યું છે ! લે, કહે છે કે, ‘‘બધાંય શું મરી જાય ?’’ શરમાઈ જઈને શ્રીશારદાદેવી તો ઊઠીને ચાલ્યાં ગયાં.

અનુમાન કરી શકાય કે કામારપુકુરમાં બનેલી આ ઘટના શ્રીરામકૃષ્ણના મનમાંથી સાવ નીકળી નહીં ગઈ હોય. એટલે, હવે જ્યારે શ્રીશારદાદેવી ભરજુવાનીની અવસ્થામાં દક્ષિણેશ્વર આવ્યાં અને રોજ રોજ શ્રીરામકૃષ્ણના ઓરડામાં તેમની જ પથારીમાં એકસાથે સૂવાની વ્યવસ્થા તેમણે કરી હતી, ત્યારે એક વખતે શ્રીશારદાદેવીને એકાન્તમાં શ્રીરામકૃષ્ણે પરીક્ષા કરવાના હેતુથી પૂછ્યું: ‘બોલો, તમે શું કહો છો, તમારી ઇચ્છા સંસાર કરવાની અને મને તેમાં ખેંચી જવાની છે ? એ તો તમારો અધિકાર છે.’ જરાય ખચકાયા વગર મક્કમતાથી શ્રીશારદાદેવીએ ઉત્તર આપ્યો, ‘ના, હું તમને સંસારમાં ખેંચવા નથી આવી. હું તમારા ઇષ્ટપ્રાપ્તિના માર્ગમાં સહાય કરવા આવી છું. માત્ર, મને તમારી સેવાનો અધિકાર આપો એટલી જ મારી માગણી છે.’

એકવાર શ્રીશારદાદેવી શ્રીરામકૃષ્ણના પગ દાબતાં હતાં. પગ દાબતાં દાબતાં તેમણે શ્રીરામકૃષ્ણને પૂછ્યું: ‘તમને મારા તરફ કેવો ભાવ થાય છે ?’ શ્રીરામકૃષ્ણે તત્કાલ જવાબ આપ્યો : ‘મંદિરમાં જે માતાની પૂજા થાય છે, જે  માતાએ આ શરીરને જન્મ આપ્યો, અત્યારે જે નોબતખાનાની ઓરડીમાં રહે છે; અને એ જ માતા અત્યારે મારા પગ દબાવી રહી છે. હું તો ખરેખર, તમને મંગલમયી જગજ્જનનીના રૂપે જ જોઉં છું.’

શ્રીરામકૃષ્ણ કહેતા, ‘એ (શારદાદેવી) જો એટલી ઉચ્ચ, પવિત્ર અને સંયમી ન હોત, અને ભાન ભૂલી થઈને મારા પર આક્રમણ કરત, તો સંયમનો બંધ તૂટી જઈને મારામાં દેહબુદ્ધિ ન આવત એ કોણ કહી શકે ?’

આ આખો પ્રસંગ હૃદયમાં ઉતારવા માટે, આ કામગંધ-રહિત, દેહસંબંધ-રહિત અપાર્થિવ પ્રેમસંબંધ સમજવા માટે, ઓછામાં ઓછું ઘડીભરને માટે તો આપણે આત્મામાં સ્થિર થવું પડશે.

You cannot believe in God until you believe in yourself.- Swami Vivekananda

A few heart-whole, sincere, and energetic men and women can do more in a year than a mob in a century.- Swami Vivekananda

Arise ! Awake ! And Stop Not Till the Goal is Reached.- Swami Vivekananda

All power is within you, you can do anything & everything !- Swami Vivekananda

To be good & to do good, that is the whole of religion.- Swami Vivekananda

Purity, Patience & Perseverance are the three essentials to success, and above all Love !- Swami Vivekananda

Take the whole responsibility on your own shoulders, and know that you are the creator of your own destiny !- Swami Vivekananda

We are what our thoughts have made us, so take care about what you think.- Swami Vivekananda