Shri Ramakrishna Ashrama, Rajkot

Free Books : Life Of Shri Ma Saradadevi

દક્ષિણેશ્વરવાસ

શ્રીરામકૃષ્ણ દક્ષિણેશ્વર પહોંચીને જગદંબાની સેવામાં રોકાયા અને શારદાદેવી પણ કામારપુકુરની મીઠી યાદ સાથે પિયર પહોંચીને પોતાનાં માતાનો સંસાર સંભાળવામાં મશગૂલ થઈ ગયાં. કાળ કાળનું કામ કરતો ગયો અને શારદાદેવી અઢાર વરસનાં થયાં.

આ બાજુ દક્ષિણેશ્વર પહોંચીને શ્રીરામકૃષ્ણ જગદંબામાં એવા તો તલ્લીન થઈ ગયા કે કામારપુકુરને ભૂલી ગયા, પોતાના ઘરને ભૂલી ગયા, પત્નીને ભૂલી ગયા, પોતાના દેહને સુદ્ધાં વીસરી ગયા, આખા જગતને ભૂલી ગયા. સ્મરણ રહ્યું એકમાત્ર જગન્માતાનું તથા તેમને વિવિધ સ્વરૂપે જોવાનું. એ વખતે દરેક ધર્મના, દરેક સંપ્રદાયના ઉચ્ચ કોટિના સિદ્ધ પુરુષો ત્યાં આવતા અને પોતાની સાધનાપદ્ધતિમાં શ્રીરામકૃષ્ણને પ્રવેશ કરાવી, તે સિદ્ધ થાય એટલે પોતે તેમની પાસેથી પોતાનો અનુભવ પૂર્ણ કરીને ચાલ્યા જતા.

આ રીતે શ્રીરામકૃષ્ણે સર્વ પ્રકારની સાધનાઓનાં લક્ષ્યોનાં દર્શન કર્યાં. તેમણે શ્રીરામનાં, સીતાજીનાં, શ્રીકૃષ્ણનાં, રાધાજીનાં, હર-પાર્વતીનાં, શ્રીગૌરાંગ મહાપ્રભુનાં, ઈસુ ખ્રિસ્તનાં, મહમદ પેગંબરનાં વગેરે ઈશ્વરનાં બધાં સગુણ સ્વરૂપોનાં દર્શન કર્યાં. અને સઘળી સાધનાઓના મુકુટમણિરૂપ અદ્વૈત સાધના કરીને નિર્ગુણ બ્રહ્મમાં પ્રતિષ્ઠિત થયા.

તેમની આ બધી અતિ ઉચ્ચ કોટિની અને અસાધારણ સાધનાઓ મંદિરનાં ખટસવાદિયા માણસો સમજી શકતા નહીં, એટલે તેઓ શ્રીરામકૃષ્ણને ગાંડા ગણવા લાગ્યા. આ બધા સમાચાર લોકવાયકાની પાંખો ઉપર બેસીને ઊડતા ઊડતા જયરામવાટી પહોંચવા લાગ્યા.

ગામના ચોવટિયા અને પારકી પંચાતમાં પ્રવીણ પુરુષોને તો વાતોનો ખોરાક મળી ગયો. બીજી બાજુ ગામની નદીએ, મંદિરે જ્યાં ભેગાં થાય ત્યાં બૈરાંમાં વાતોનો વિષય શ્યામાની શારદાનો ગાંડો વર જ હોય.

શારદાદેવીને કાને એ બધું આવતું, એ માનવાને મન માનતું નહીં. એટલે ઘરની બહાર નીકળવાનું બંધ કર્યું. મનને ઘણું સમજાવવા છતાંય લોકો જ્યારે ‘ગાંડાની વહુ’ કહીને પોતા તરફ આંગળી ચીંધતાં ત્યારે હૈયું વલોવાઈ જતું અને અંતરમાં પારાવાર વેદના થતી. વળી પાછું થતું કે બધાં ખોટું બોલે છે, ‘રામકૃષ્ણ કંઈ ગાંડા નથી. છેલ્લીવાર આવ્યા હતા ત્યારે કેવા પ્રેમાળ અને લાગણીવાળા લાગતા હતા ! એમનો બધો વ્યવહાર સાવ ડાહ્યા માણસ જેવો જ હતો. આવા માણસ ગાંડા કેમ હોઈ શકે ?’ આવા વિચારે ચડી જતાં. વળી વિચાર આવવા લાગ્યો કે દુર્ભાગ્યે જો એમનું ખરેખર એવું થઈ ગયું હોય તો મારે તેમની પાસે સેવામાં પહોંચી જવું જોઈએ. પણ થાય શું ? જવાય કેવી રીતે ? કહેવું કોને ?

૧૮૭૨ના માર્ચ મહિનામાં ગામની કેટલીક સ્ત્રીઓએ મળીને દોલપૂર્ણિમાને દિવસે કોલકાતામાં ગંગાસ્નાન કરવા જવાનું નક્કી કર્યું. શારદાદેવીએ પણ કોલકાતા જવાની પોતાની ઇચ્છા એક બાઈ પાસે વ્યક્ત કરી. તેણે પિતા રામચંદ્રને પાસે વાત કરી.

પિતા સમજી ગયા અને પોતે જ મૂકવા જવાનું નક્કી કર્યું.

જયરામવાટી સુધી તો હજીયે રેલગાડી નથી. શ્રીમંતો પૈસાને જોરે પાલખી કે બળદગાડીમાં સવાર થઈને અને સાધારણ લોકો પોતાના જ પગ પર સવાર થઈને ત્રણચાર દિવસનો પંથ કાપીને કોલકાતા પહોંચતાં.

શારદાદેવી, પિતા તથા અન્ય મહિલાઓના સંગાથમાં ઉલ્લાસભર્યાં ચાલવા લાગ્યાં. રસ્તામાં વનશ્રી જોતાં જોતાં ત્રણેક દિવસ તો મજાના નીકળી ગયા. પણ ચોથે દિવસે ટાઢિયો તાવ ભરાયો અને શારદાદેવી અશક્ત થઈ ગયાં બીજાઓને રવાના કરીને પિતા-પુત્રીએ એક ધર્મશાળામાં આશરો લીધો. આ અણધાર્યા વિલંબથી શારદાદેવીને મનમાં બહુ જ દુ:ખ થયું, પણ લાચાર થઈને પથારીમાં પડી રહેવું પડ્યું.

તાવ આખો દિવસ રહ્યો. શારદાદેવી લગભગ બેહોશ હતાં. મધરાત પછી તેમણે જોયું કે શ્યામ રંગની પણ અતિશય સુંદર એક સ્ત્રી આવીને બાજુમાં બેઠી. બેસીને તે સ્ત્રી પોતાનો હાથ શારદાદેવીના શરીરે અને માથે ફેરવવા લાગી. તેનો સ્પર્શ એવો શીતળ અને સુંવાળો લાગ્યો, કે એનાથી તાવની બળતરા બધી શાંત થઈ ગઈ.

શારદાદેવીએ પૂછયું : ‘હેં, તમે ક્યાંથી આવો છો ?’ તે સ્ત્રી બોલી: ‘હું દક્ષિણેશ્વરથી આવું છું.’ એ સાંભળતાં નવાઈ સાથે શારદાદેવી બોલી ઊઠ્યાં: ‘દક્ષિણેશ્વરથી ? મેં તો ધાર્યું હતું કે હું દક્ષિણેશ્વર જઈશ, એમને (શ્રીરામકૃષ્ણને) મળીશ ને એમની સેવા કરીશ, પણ રસ્તામાં આ મૂઓ તાવ આવ્યો એટલે પછી મારા નસીબમાં એ કરવાનું બન્યું નહિ.’

સ્ત્રી બોલી: ‘તમે દક્ષિણેશ્વર જરૂર જજો, એમાં શું ! તાવની ચિંતા શું કામ કરો છો ? ઠીક થઈ જાય એટલે તમે ત્યાં જજો. એમને મળજો. તમારે માટે તો એમને એ ઠેકાણે રાખ્યા છે.’ શારદાદેવી બોલી ઊઠ્યાં: ‘એમ ? તમે મને શું થાઓ ?’ સ્ત્રી બોલી: ‘હું તમારી બહેન થાઉં.’ શારદાદેવી કહે: ‘એમ, એટલે તમે આવ્યાં છો, ખરુંને !’ એ પછી તરત જ શારદાદેવી ગાઢ નિદ્રામાં પડી ગયાં. પેલી સ્ત્રી અદૃશ્ય થઈ ગઈ.

બીજે દિવસે સવારમાં શારદાદેવી જાગ્યાં ત્યારે તાવ સાવ ઊતરી ગયો હતો. રાતનાં દર્શનના સ્મરણથી મનમાં પણ ઉત્સાહ આવી ગયો હતો. એટલે રસ્તામાં પડ્યા રહેવા કરતાં ધીરે ધીરે આગળ ચાલવું સારું ગણીને પિતા-પુત્રીએ વાટ પકડી. સારા નસીબે થોડેક દૂર જતાં એક ભાડૂતી પાલખી પણ મળી ગઈ. શારદાદેવી તેમાં બેસી ગયાં અને પિતા સાથે ચાલવા લાગ્યાં.

રસ્તામાં પાછો તાવ ભરાયો, પરંતુ એ એટલો આકરો નહોતો અને મનમાં જુસ્સો હતો. એટલે નકામી બાપુને ચિંતા કરાવવી એના કરતાં ચૂપ પડ્યા રહેવું વધુ સારું સમજીને કાંઈ જણાવ્યું જ નહીં. અંતે લાંબી વાટ પૂરી થઈ. રાતના નવેક વાગ્યાના સુમારે બંને દક્ષિણેશ્વર પહોંચી ગયાં.

શ્રીશારદાદેવીને આમ અણધાર્યાં અને તાવભર્યાં આવેલાં જોઈને શ્રીરામકૃષ્ણ દુ:ખી થઈને બોલ્યા: ‘વાહ ! તમે આવી ગયાં એ બહુ સારું થયું. હું ખૂબ રાજી થયો. પરંતુ, હવે શું મારો માથુર (કાલીમંદિરના વ્યવસ્થાપક, તે શ્રીરામકૃષ્ણની સર્વ આવશ્યકતાઓ પૂરી પાડતા.) છે કે તમારી ઉત્તમ સારવાર થઈ શકે ?’

એમ કહીને તરત પોતાના ઓરડામાં બીજું બિછાનું કરાવી આપીને સૂવાની વ્યવસ્થા કરી આપી. બે-ત્રણ દિવસમાં દવા વગેરેની વ્યવસ્થાથી તથા સારવારથી તાવ બિલકુલ ઊતરી ગયો અને શ્રીશારદાદેવીએ જોયું કે ત્યાં ઘેર કામારપુકુરમાં જોયા હતા તે દેવતા જ છે. હૃદય આનંદથી ભરપૂર થઈ ગયું. તેમના પિતા પણ પુત્રીનો આનંદ તથા શ્રીરામકૃષ્ણના પ્રેમભર્યા અને માનભર્યા વર્તનથી મનમાં આનંદિત થઈને થોડાક દિવસ પછી પ્રસન્ન ચિત્તે ગામ જયરામવાટી પાછા ફર્યા.

You cannot believe in God until you believe in yourself.- Swami Vivekananda

A few heart-whole, sincere, and energetic men and women can do more in a year than a mob in a century.- Swami Vivekananda

Arise ! Awake ! And Stop Not Till the Goal is Reached.- Swami Vivekananda

All power is within you, you can do anything & everything !- Swami Vivekananda

To be good & to do good, that is the whole of religion.- Swami Vivekananda

Purity, Patience & Perseverance are the three essentials to success, and above all Love !- Swami Vivekananda

Take the whole responsibility on your own shoulders, and know that you are the creator of your own destiny !- Swami Vivekananda

We are what our thoughts have made us, so take care about what you think.- Swami Vivekananda