Shri Ramakrishna Ashrama, Rajkot

Free Books : Life Of Shri Ma Saradadevi

કામારપુકુરના ઘરમાં નિવાસ

લગ્ન કરીને શ્રીરામકૃષ્ણ તો દક્ષિણેશ્વરમાં ગયા અને ત્યાં કાલી માતાની સેવામાં રોકાયા. આ બાજુ શારદાદેવીએ સાસુના સંતોષની ખાતર પિયરથી સાસરે અને સાસરામાં થોડા દિવસ રહીને પાછાં પિયર, એમ અવારનવાર જવા આવવામાં સમય વિતાવતાં વિતાવતાં યુવાવસ્થામાં પ્રવેશ કર્યો. શારદા મટીને હવે તો શારદાદેવી થયાં હતાં અને પિતાને ઘેર દિવસો ગાળતાં હતાં.

તેવામાં એક દિવસે કામારપુકુરથી સમાચાર આવ્યા કે ઠાકુર શ્રીરામકૃષ્ણ દક્ષિણેશ્વરથી આવી પહોંચ્યા છે અને ચંદ્રામણિદેવીએ શારદાદેવીને તેડાવ્યાં છે. એટલે શારદાદેવી કામારપુકુર ગયાં. ત્યાં જોયું તો શ્રીરામકૃષ્ણની સાથે ભગવાં વસ્ત્રધારી ભૈરવી બ્રાહ્મણી આવેલી. એ ભૈરવી શ્રીરામકૃષ્ણની તાંત્રિક સાધનાઓની ગુરુ હતી અને મગજની ગરમ હતી. એટલે શારદાદેવીને માથે એકને બદલે બે સાસુઓની તબિયત સાચવવાનું આવી પડ્યું.

શારદાદેવી કહેતાં કે મને ભૈરવીની બીક લાગતી. ભૈરવી પોતે કેટલીક વાર રસોઈ કરતી. શાક વગેરેમાં મરચું છૂટથી વાપરતી. ઘરનાં અને બીજાં બૈરાંઓને તેની રસોઈ પસંદ આવતી નહીં. અને તેઓ તેને મોઢેથી જ સંભળાવતાં. ભૈરવી મને પૂછતી, ‘વહુ મા, શાક કેવું થયું છે?’ હું બીકની મારી કહેતી: ‘મજાનું થયું છે,’ એથી ભૈરવી મારા ઉપર રાજી રહેતી. પણ પેલું તીખું શાક મારે ખાઈ જવું પડતું અને એ ખાતાં ખાતાં મારી આંખમાંથી અને નાકમાંથી નીકળતું પાણી મારી સાડીના છેડાથી હું લૂછતી જતી.

સમજણાં થયા પછી સ્વામી સાથે આ મિલન અને વસવાટ પહેલ-વહેલાં જ કહી શકાય. તે પહેલાં જયરામવાટીમાં ગામડાની મર્યાદામાં રહીને રસોઈ તથા ઘરકામ શીખ્યાં તથા ભજન ગાઈને ગુજારો કરનારા માગણ લોકો પાસેથી ભજનો ગાતાં શીખ્યાં હતાં.

હવે શ્રીરામકૃષ્ણ કામારપુકુર આવ્યા એટલે ઘરસંસાર ચલાવવાના શિક્ષણની શરૂઆત થઈ. શ્રીરામકૃષ્ણને ખબર હતી કે પોતાની પત્ની નાની અને અણસમજુ છે એટલે તેઓ તેને વહેવારની બધી બાબતમાં સમજાવીને કુશળ બનાવવા લાગ્યા.

સાંજ પડ્યે દીવાની વાટ કાતરવા જેવી સાવ સામાન્ય બાબતથી શરૂઆત કરીને સળગેલી દીવાસળી સાવ ખલાસ ન થઈ ગઈ હોય તો ખાલી બાકસમાં એકઠી કરવી કે જેથી ફરીવાર ઉપયોગમાં આવે, કચરો કાઢી રહ્યા પછી સાવરણી જ્યાં ત્યાં ન ફેંકતાં તેને સ્થાને મૂકવી, અને શાક સુધારી રહ્યા પછી છાલ-છોતરાં વગેરે ફેંકી ન દેતાં ગાયને મોઢે નાખવાં વગેરે ઘરગથ્થુ બાબતોની શ્રીરામકૃષ્ણ શિખામણ આપતા. વળી ઘરનાં બધાં માણસોના સ્વભાવ પારખી લઈને કોની સાથે કેવી રીતે વર્તવું, પાડોશનાં તથા બહારનાં બીજાંઓની સાથે માણસ જોઈને કયા પ્રકારે વાતચીત કરવી, પરિચય કેળવવો તથા વહેવાર રાખવો, કંજૂસ તેમજ ઉડાઉ બેમાંથી એકેય ન બનતાં કરકસરપૂર્વક જ્યાં જેટલી વસ્તુની કે પૈસાની જરૂર હોય ત્યાં તેટલાંનો જ ઉપયોગ કરવો, બહાર જતી વખતે ઘરને તાળું મારીને પાછું ખેંચી જોઈને બરાબર દેવાયું છે કે નહીં તેની ખાતરી કરવી, કોઈને ઘેર બેસવા જવું હોય તો પૈસા લીધા વિના ખાલી ખિસ્સે ન જવું, પાત્રાપાત્રનો વિચાર કરવાનો, ગજા પ્રમાણે અતિથિસત્કાર કરવો, દેવદર્શને સાવ ખાલી હાથે ન જવું, સાધુ-બાવાઓનાં સ્થાનોમાં એકલાં ન જવું કે વધારે વાર ન જવું વગેરે દુનિયાદારીની વ્યવહારુ સૂચનાઓથી માંડીને દેવપૂજનના વિધિ, જુદા જુદા જપના ક્રમ, સંખ્યા, બીજ વગેરે તેમજ ઘ્યાનના પ્રકારો તથા ઈશ્વરીય તત્ત્વના આઘ્યાત્મિક અનુભવ સુધીના સર્વ વિષયોની સમજણ સુદ્ધાં શ્રીરામકૃષ્ણ ખંત અને ધીરજપૂર્વક શારદાદેવીને આપવા લાગ્યા.

પરિણામે, એ વખતે તો માત્ર સાત માસના સહવાસનો લાભ મળેલો, પરંતુ એટલા થોડા સમયમાં પણ સ્વામીના પ્રેમ અને તેમની મહત્તાની ઘણી ઊંડી છાપ શારદાદેવીના અંતરમાં અંકિત થઈ ગઈ. એ સમયને યાદ કરીને એ પાછળથી કહેતાં ‘એ વખતથી અંતરમાં જાણે કે આનંદનો એક કુંભ ભરીને મૂક્યો ન હોય તેમ હું સદાય ઉલ્લાસમાં રહેતી. આજુબાજુના કજિયા, કુટુંબીઓનાં વાંકાં વેણ, ઘરકામનો પરિશ્રમ, લોકોની નિંદા વગેરે મને જરાય દુ:ખ દઈ શકતાં નહીં.’

એ રીતે સાતેક મહિના કામારપુકુરમાં ગૃહવાસ કરીને શ્રીરામકૃષ્ણ પાછા દક્ષિણેશ્વર ગયા અને શારદાદેવી પિતાને ઘેર જયરામવાટી આવ્યાં.

You cannot believe in God until you believe in yourself.- Swami Vivekananda

A few heart-whole, sincere, and energetic men and women can do more in a year than a mob in a century.- Swami Vivekananda

Arise ! Awake ! And Stop Not Till the Goal is Reached.- Swami Vivekananda

All power is within you, you can do anything & everything !- Swami Vivekananda

To be good & to do good, that is the whole of religion.- Swami Vivekananda

Purity, Patience & Perseverance are the three essentials to success, and above all Love !- Swami Vivekananda

Take the whole responsibility on your own shoulders, and know that you are the creator of your own destiny !- Swami Vivekananda

We are what our thoughts have made us, so take care about what you think.- Swami Vivekananda