Shri Ramakrishna Ashrama, Rajkot

Free Books : Life Of Shri Ma Saradadevi

શિક્ષણ

શારદાદેવીનાં લગ્ન પતી ગયાં અને ત્યાં પહેલે દિવસે જ સાસરિયાં અને કાકા વચ્ચે ઝઘડો થવાથી સાસરે માત્ર પગ મૂકીને જ પાછા જયરામવાટી આવવું પડ્યું. વળી ઝઘડાની ગરમી હજી કંઈ ઓછી થઈ ન હતી. એટલે પિયરમાં રહીને પોતાની બાના સંસારમાં મદદગાર થવા લાગી; કારણ કે પાંચ વર્ષની હોવા છતાં શારદા સ્વભાવે ગંભીર અને કામઠી છોકરી હતી. નાનાં ભાંડુઓને રમાડવાં, સાચવવાં, પડોશની બીજી છોકરીઓ સાથે ગામની આમોદર ગંગાએ નાહવા જવું, અને ભાંડુઓને નવડાવવા લઈ જવાં; નાહી આવીને કાંઠાની પીપળને છાંયે બેસીને ચણા-મમરાનું ચવાણું સૌને વહેંચી આપવું, ઘેર બાને રસોઈમાં અને વાસણ માંજવામાં મદદ કરવી, ઘરની ગાય માટે ચારો વાઢી લાવવો, ખેતરે કામ કરતાં માણસોને ભાત પહોંચાડવા જવું, લણણીના દિવસોમાં માણસોએ કાપી રાખેલ ડાંગરની નાની નાની ભારીઓ ઊંચકવામાં મદદ કરવી, વગેરે ગામડાના જીવનનાં બધાં ઘરગથ્થુ કામ કરતી.

એક વાર ગામમાં તીડ આવ્યાં. તીડ ડાંગરનાં ખેતર સફાચટ કરી ગયાં. દુ:ખના આ દિવસોમાં શારદા ખેતરોમાં ફરતી, બચેલી ડાંગર ભેગી કરતી. આ કામ કરતાં એને જરાય થાક લાગતો ન હતો. ખેડૂતો ખેતરમાં કામ કરતા હોય ત્યારે શારદા બધાને નાસ્તામાં મમરા વગેરે આપતી.

શારદા સતત કામ કર્યા કરતી. ગરીબો પ્રત્યે તેનું હૃદય સહાનુભૂતિથી ઊભરાતું ને ગરીબોને મદદ કરવા એ સદાય તત્પર રહેતી.

શારદા રમત-ગમતમાં બહુ સમય ન વેડફતી. ભગવાનની નાની-મોટી મૂર્તિઓને ફૂલો કે બીલી અથવા તુલસી જેવાં પવિત્ર વૃક્ષોનાં પર્ણો ચડાવવાનું એને બહુ ગમતું. આમાંય કાલીમાતા અને લક્ષ્મીમાતાની મૂર્તિઓ શારદાને સૌથી વધારે ગમતી. કાલીમાતા એટલે ભયંકર અને દુષ્ટ અસુરોનો નાશ કરવાવાળી જ્યારે લક્ષ્મીમાતા તો વૈભવ અને સૌંદર્યની દેવી.

પૂજા કરવામાં શારદા એવી તો તન્મય બની જતી કે બીજું બધું સાવ ભૂલી જતી. એકવાર શારદા, સકલ વિશ્વનું રક્ષણ કરનાર માતા જગદ્ધાત્રીની પૂજા કરતી હતી. માતાજીએ સિંહ ઉપર સવારી કરી હોય એવી મૂર્તિ હતી. આ મૂર્તિના ઘ્યાનમાં તલ્લીન શારદા સ્વયં કોઈ મૂર્તિ જ હોય એવી બની જતી. એકવાર આવેલા કોઈ મહેમાને જોયું કે શારદા જાણે કે જગદ્ધાત્રીની મૂર્તિ !

શારદા આખો દિવસ કામ કરતી છતાંય એને અદ્ભુત અનુભૂતિઓ થતી. ક્યારેક એ જોતી કે એની જ વયની કોઈ છોકરી એને ઘરકામમાં મદદ કરે છે. પણ જો બીજું કોઈ આવી ચડે તો પેલી છોકરી તરત જ અદૃશ્ય થઈ જતી. મોટું મોટું ઘાસ કાપવા માટે શારદા જો તળાવમાં ઊતરતી તો પેલી છોકરી પણ તળાવમાં ઊતરતી. શારદા ઘાસનો પૂળો બાંધીને કાંઠે આવતી તો પેલી છોકરી પણ પૂળો બાંધીને કાંઠે ઊભેલી દેખાતી.

ક્યારેક ક્યારેક નાના ભાઈઓને પાઠશાળામાં પહોંચાડવા જતી ત્યારે પાઠશાળામાં બેસીને એકડા ઘૂંટતાં ને બંગાળી ભાષાનો કક્કો શીખી ગઈ. પણ એથી વધારે અભ્યાસ કાંઈ જયરામવાટીમાં થયો હોય એવું લાગતું નથી, કારણ કે એ દિવસોમાં શ્રીમંત તેમજ ઉચ્ચ વર્ણનાં ઘરોમાં પણ સ્ત્રીશિક્ષણ પ્રત્યે વિશેષ રુચિ ન હતી એવું આગળ આવતા એક પ્રસંગ પરથી જણાશે.

બન્ને કુટુંબો વચ્ચેની કડવાશ તો સમયના વહેવા સાથે ઓછી થતી ગઈ અને ફરી પાછો મનમેળાપ થતાં વ્યવહાર ચાલુ થઈ ગયો. એટલે સાસુજી અવારનવાર શારદાવહુને કામારપુકુર તેડાવતાં, અને તે પણ સાસુ, મોટાં ભાભી, નાનાં ભાભી વગેરેના સંતોષ ખાતર કેટલાક દિવસો રહેતાં અને પાછાં જયરામવાટી ચાલ્યાં જતાં. આ બધો વખત શ્રીરામકૃષ્ણ તો દક્ષિણેશ્વરમાં પૂજારીપદે રહીને માતાજીની પૂજા અને વિવિધ પ્રકારની સાધનાઓ કર્યા કરતા. આ સમયનો ગાળો લગભગ આઠ વરસનો રહ્યો હતો.

આવી રીતે શારદાદેવી એક વખતે કામારપુકુરમાં સાસરે હતાં ત્યારે તેમને વાંચતાં શીખવાની ઇચ્છા થઈ. પણ સાસરામાં એ બાબત શી રીતે બોલાય ? તેમની ભત્રીજી લક્ષ્મી (રામેશ્વર, જેઠની દીકરી)ની સાથે એ બાબતમાં કંઈક અંશે સફળતા મળી. લક્ષ્મીએ પોતાની કાકી શારદાદેવીને શીખવવાનું માથે લીધું. પણ તેમાંય વિઘ્ન તો આવેલું જ. એ વિવરણ શ્રીમા શારદાદેવીના પોતાના જ શબ્દોમાં સાંભળીએ: ‘‘કામારપુકુરમાં હું અને લક્ષ્મી ‘વર્ણપરિચય’ (બાળપોથી) થોડું થોડું શીખતાં હતાં, પણ ત્યાં એક દિવસ ભાણેજ હૃદયે આવીને ચોપડી હાથમાંથી ખૂંચવી લીધી અને બોલ્યો કે, ‘સ્ત્રીની જાતને વાંચવા લખવાનું ન હોય; છેવટે શું નાટક, નોવેલ વાંચવાં છે કે ?’ પણ લક્ષ્મીએ પોતાની ચોપડી હાથમાંથી છોડી નહીં; એ તો ઘરની દીકરી ખરીને, એટલે તેણે તેની સામે થઈને પરાણે પોતાની પાસે રાખી. મેં વળી પાછી છાનીમાની એક ચોપડી એક આનો દઈને મગાવી લીધી. લક્ષ્મી જઈને નિશાળમાં ભણી આવતી તે ઘેર આવીને મને શીખવતી.’’

શિક્ષણમાં માતાજીનો ઉત્સાહ આગળ ઉપર પણ ટકી રહ્યો હતો એ વાત તેમના પોતાના શબ્દોમાં સાંભળીએ: ‘બરાબર તો શીખી દક્ષિણેશ્વરમાં. ઠાકુર એ વખતે ગળાની સારવાર કરાવવા સારુ શ્યામપુકુરમાં રહેવા ગયા હતા. હું ત્યાં દક્ષિણેશ્વરમાં નોબતખાનામાં સાવ એકલી. ભવનાથ મુખરજીની એક દીકરી ત્યાં થઈને ગંગાએ નહાવા આવતી. એ છોકરી ક્યારેક ક્યારેક ઘણીવાર સુધી મારી પાસે બેસતી. એ રોજ નહાવા આવતી વખતે મારો પાછલો પાઠ લેતી અને નવો દેતી. હું તેને શાકપાંદડું કે મંદિરની વાડીમાંથી જે કાંઈ અમારે ત્યાં આવતું તે સારી પેઠે આપતી.’

શ્રીરામકૃષ્ણે શારદાદેવીના ભણવામાં વાંધો લીધો ન હતો; એટલું જ નહીં પણ તેમણે તો કાલીમંદિરના પીતાંબર ભંડારીના અગિયાર વરસના છોકરા શરતને કહ્યું હતું: ‘તું લક્ષ્મીને અને તારી કાકીને વર્ણ પરિચયનો પહેલો અને બીજો ભાગ વાંચતાં શીખવી દે.’ આ બે ભાગ પૂરા થયા અને તેમને સાધારણ લખતાંય આવડ્યું એટલે ઠાકુરે કહ્યું: ‘હવે વધુ ભણવાની જરૂર નથી. હવે રામાયણ વગેરે ધર્મનાં પુસ્તકો મજાનાં વાંચી શકશો.’

આટલા વિદ્યાભ્યાસને પરિણામે શ્રીશારદાદેવી રામાયણ વગેરે વાંચી શકતાં, પરંતુ લખવાનો મહાવરો નહીં, એટલે ખાસ લખી શકતાં નહિ.

સને ૧૮૬૪માં બંગાળમાં ભયંકર દુકાળ પડ્યો. દુકાળના પંજાએ જયરામવાટીને પણ ભરડો લીધો. હજારો માણસો ભૂખમરાનો ભોગ બન્યાં. શારદાના પિતા પાસે લોકો ખાવા માટે હાથ લાંબો કરતા. રામચંદ્ર કંઈ શ્રીમંત ન હતા; ગરીબ હોવા છતાં પણ તેમણે તો ઘરઆંગણે સદાવ્રત જ ખોલી દીધું. જેમ જેમ લોકો આવતા, તેમ તેમ તેઓ દાળ-ચોખાની ખીચડી રાંધીને બધાંને ખવરાવવા માંડ્યા. તેમના નાના સરખા કોઠારમાં થોડા ચોખા સંઘરી રાખ્યા હતા એય ખલાસ થઈ ગયા.

લોકોને ભૂખના દુ:ખથી પિડાતા જોઈ શારદાનું હૃદય દ્રવી ઊઠ્યું. ભૂખ્યા લોકો ગરમ ગરમ ખીચડી ખાતાં દાઝી જાય નહિ એટલે શારદા પંખો લઈને હવા નાખતી.

એકવાર એક સાવ લઘરવઘરવાળી ને લાલચોળ આંખોવાળી આદિવાસી કન્યા દોડતી દોડતી આવી. ઢોરને ખાવા માટે એક તગારામાં ડાંગરની ભૂંસી પલાળી રાખી હતી, એ અકરાંતિયાની પેઠે ખાવા જ લાગી. શારદાએ આ છોકરીને ઘરમાં આવીને બધાંની જેમ ખીચડી ખાવાનું કહ્યું, પણ પેલી છોકરીએ કંઈ ઘ્યાન ન દીધું. શારદાદેવી પછીનાં વર્ષોમાં આ પ્રસંગ સંભારીને કહેતાં : ‘ભૂખનું દુ:ખ ભારે ભૂંડું છે, હોં!’

You cannot believe in God until you believe in yourself.- Swami Vivekananda

A few heart-whole, sincere, and energetic men and women can do more in a year than a mob in a century.- Swami Vivekananda

Arise ! Awake ! And Stop Not Till the Goal is Reached.- Swami Vivekananda

All power is within you, you can do anything & everything !- Swami Vivekananda

To be good & to do good, that is the whole of religion.- Swami Vivekananda

Purity, Patience & Perseverance are the three essentials to success, and above all Love !- Swami Vivekananda

Take the whole responsibility on your own shoulders, and know that you are the creator of your own destiny !- Swami Vivekananda

We are what our thoughts have made us, so take care about what you think.- Swami Vivekananda