Shri Ramakrishna Ashrama, Rajkot

Free Books : Life Of Shri Ma Saradadevi

સાસરિયાં અને વિવાહ

માતાની ગોદમાં બેસીને રમવાના, મોટી છોકરીઓની કેડમાં બેસીને ફરવાના તથા કાકાઓને કાંધે ચડીને ખેતરે જવાના દિવસો હજી તો માંડ પૂરા થયા ત્યાં તો નાની શારદાના સગપણ માટે માગું આવ્યું.

કામારપુકુરના ખુદીરામ ચેટરજી તથા તેમનાં સુશીલ પત્ની ચંદ્રામણિદેવીનાં પાંચ સંતાન. રામકુમાર, રામેશ્વર તથા રામકૃષ્ણ ઉર્ફે ગદાધર નામના ત્રણ પુત્રો અને બે પુત્રીઓ. આ ગદાધર સાતેક વરસનો થતાં પિતા ખુદીરામે દેહત્યાગ કર્યો. એટલે મોટો પુત્ર રામકુમાર કોલકાતામાં કમાવા સારુ ગયો. ત્યાં પાઠશાળા ખોલી છોકરાઓને ભણાવવામાંથી તથા કર્મકાંડની દક્ષિણામાંથી બે પૈસા કમાતા. અહીં કામારપુકુરમાં નાનો ભાઈ ગદાધર કાંઈ ભણતો નહીં, પણ ધર્મશાળામાં આવેલા સાધુબાવાઓની સોબતમાં તથા એકાંત સ્મશાનભૂમિમાં તેમ જ ધાર્મિક આખ્યાનો, કીર્તનો વગેરે ભજવવામાં દિવસો વિતાવતો. એટલે રામકુમાર તેને કોલકાતા લઈ ગયા. હેતુ એવો કે પોતાની પાસે ગદાધર ભણે અને પોતાને દેવ-સેવા વગેરેમાં મદદગાર થાય, પરંતુ અહીં પણ ગદાધરનું ભણતર કાંઈ આગળ વઘ્યું નહીં.

દરમિયાનમાં દક્ષિણેશ્વર કાલીમંદિરમાં રામકુમાર પૂજારી નિમાયા, એટલે ગદાધર પણ ત્યાં ગયો, અને પોતાની દેવભક્તિ, સેવાપૂજા, પવિત્રતા તથા બાળક જેવી સરળતાને લીધે મંદિરના માલિક જેવા મથુરબાબુની નજરમાં વસી ગયો. અને કેટલાક સમય પછી મોટાભાઈ રામકુમારનું વૃદ્ધાવસ્થામાં મૃત્યુ થતાં તેમની જગાએ ગદાધર પૂજારીપદે નિમાયો.

પૂજા કરતાં કરતાં તેને માતાજીનાં પ્રત્યક્ષ દર્શન કરવાની તાલાવેલી લાગી. ખૂબ વ્યાકુળતાપૂર્વક અનેક પ્રાર્થનાઓ કરવા છતાં માતાજી કાંઈ રીઝ્યાં નહીં; એટલે એક દિવસે તેણે મંદિરમાં પડેલી તલવાર ઉઠાવી અને દર્શન વિનાની જિંદગી વ્યર્થ સમજીને પોતાના ગળા ઉપર ઝીંકવા જતા હતા ત્યાં જ જગદંબાએ પ્રગટ થઈને હાથ પકડી લીધો !

ત્યારથી તેની પૂજાપદ્ધતિ સાવ બદલાઈ ગઈ. શાસ્ત્રોના મંત્રોચ્ચાર અને વિધિવિધાનોપૂર્વક પૂજા કરવાને બદલે જીવંત જગદંબા અને તેના બાળકસમા રામકૃષ્ણ વચ્ચે મા-દીકરા જેવું વર્તન થવા લાગ્યું. પૂજારી રામકૃષ્ણ માતાજીની સાથે વાતો કરે અને જોનાર લોકોને લાગે કે એ હવામાં વાતો કરે છે. આવું બધું જોઈને મંદિરના ખજાનચી તથા બીજા કર્મચારીઓએ ગદાધરને ચસકેલ મગજનો ઠરાવ્યો અને આવી વાતને ફેલાતાં વાર નથી લાગતી. તે ઊડતી ઊડતી કામારપુકુર પહોંચી ગઈ.

એ સાંભળતાં વૃદ્ધ મા ચંદ્રામણિદેવી બહુ જ ચિંતા કરવા લાગ્યાં અને ગદાધરને ઘેર તેડાવી લીધો.

ઘેર આવ્યા પછી ગદાધરના મનને સંસારમાં વાળવા માટે તેનાથી અજાણ રીતે તેના સારુ કન્યા શોધવા લાગ્યાં. ઘણે ઠેકાણે પ્રયાસ કરવા છતાં ક્યાંય મેળ ખાય નહીં. કાં તો ઘર બરાબર ન હોય, કાં તો કન્યામાં વાંધો હોય, કાં તો કન્યાનો બાપ એટલા બધા પૈસા માગે કે તે પોતાના ગજા ઉપરની વાત હોય.

ખૂબ પ્રયાસ કરીને ગદાધરનાં મા તથા ભાઈ રામેશ્વર હેરાન હેરાન થઈ ગયાં અને એક દિવસ નિરાશ થઈ જઈને બેઠાં હતાં ત્યાં ગદાધર આવ્યો અને બા તથા ભાઈને ઉદાસ વદને બેઠેલાં જોઈને તે વસ્તુસ્થિતિ કળી ગયો. એટલામાં અચાનક તેનામાં ઈશ્વરી આવેશ આવ્યો અને તે બોલી ઊઠ્યો: ‘કન્યા સારુ બીજે ફાંફાં મારવાં નકામાં છે. જયરામવાટીના રામ મુખરજીને ત્યાં લગ્નની કન્યા નક્કી કરેલી જ છે.’

આવાં વચન પર વિશ્વાસ કોણ મૂકે ! છતાંય જેમ ડૂબતો માણસ તરણાનેય વળગે એમ ભાઈ રામેશ્વરે તપાસ કરાવી તો ખબર પડી કે કન્યા તો છે; પણ સાવ નાની, પાંચ જ વરસની, જ્યારે મુરતિયો હતો ત્રેવીસ વરસનો ! આ મેળ કેમ ખાય ? મા બોલ્યાં : ‘નાની હશે તો મોટી થઈ રહેશે, માટે વાત તો ચલાવી જુઓ.’

એટલે વાત આગળ ચાલી અને માગું લઈ જનારે વર્ણન કર્યું કે મુરતિયો કોલકાતામાં દક્ષિણેશ્વર કાલીમંદિરમાં પૂજારી છે. ખાવુંપીવું, લૂગડાંલત્તાં, પ્રસાદનો થાળ, રહેવા માટે મજાનો ઓસરીબંધ પાકી છોવાળો ઓરડો અને મહિને સાત રૂપિયાનો પગાર ! (એ દિવસોમાં ઝાઝું ભણતર વગરના પૂજારી બ્રાહ્મણને માટે સાત રૂપિયાનો પગાર એટલે ઘણો કહેવાય.) વળી મંદિરના માલિકના એના પર ચારે હાથ અને છોકરો મજાનો કનૈયા કુંવર જેવો !

રામચંદ્ર મુખરજીએ પણ વાત પર વિચાર કરવાનું કહીને પોતાની તપાસ શરૂ કરી, ત્યાં ખબર પડી કે મુરતિયાનું મગજ ક્યારેક ઠેકાણે રહેતું નથી એવું દક્ષિણેશ્વરમાં કહેવાતું. એટલે તેમણે વાત જરા અટકાવી રાખી. વરપક્ષને ગરજ હતી. તેમણે યુક્તિથી જાણી લીધું કે કન્યાના બાપની આર્થિક સ્થિતિ સારી નથી. એટલે એ દિશામાંથી દબાણ હળવું થઈ જાય તો કામ પતી જાય. એટલે તેમણે હા, ના, હા, ના કરતાં રૂપિયા ત્રણસો રોકડા આપવાના ઠરાવ્યા, અને લગ્ન વખતે કન્યાના અંગ ઉપર વરપક્ષ તરફથી ઘરેણું પણ સારી રીતે ચડાવીશું એમ કહેવામાં આવ્યું. એટલે શ્રીરામચંદ્રબાબુ માની ગયા. વાગ્દાન થયું અને તરતમાં જ લગ્નની તિથિ નક્કી થઈ.

કામારપુકુરમાં મા ચંદ્રામણિદેવીનો હરખ માય નહીં. આનંદથી અધીરાં થઈને ગામના જમીનદાર લાહા બાબુને ત્યાં ગયાં. અને ‘આપણા ગદાઈનાં લગ્ન છે, માટે વહુને શણગારવા ઘરેણાં જોઈશે; વિવાહ પતી જશે એટલે પાછાં આપી જઈશું,’ એમ કહીને જમીનદારનાં કિંમતી ઘરેણાં માગી લાવ્યાં તથા લગ્નપ્રસંગે પોતાની લાડકી પુત્રવધૂને સારી રીતે શણગારી અને શ્રીમંતાઈનું પ્રદર્શન કરીને કન્યાપક્ષને આંજી નાખ્યો. સૌ બોલી ઊઠ્યાં : ‘વાહ, ગદાઈ કમાયો છે તો ખૂબ !’

આમ લગ્ન તો પતી ગયાં, જાન ઘેર આવી. ઘરેણાંથી શણગારેલી ઢીંગલી જેવી પાંચ વરસની નાનકડી વહુને ખાંધ પર તેડીને તેના કાકા ઈશ્વરચંદ્ર સાથે આવેલા.

આખું કામારપુકુર હરખાઈને ઘેલું થઈ ગયું - ખાસ કરીને મહિલામંડળી; કારણ કે ગદાઈ નાનપણથી જ તેમનો સહુનો બહુ જ વહાલસોયો દીકરો અને ભાઈ હતો. જમીનદારના ઘરનાંથી માંડીને સાધારણ પરિચિતનાં બૈરાંઓ સુઘ્ધાં નાનકડી વહુને જોઈને બહુ રાજી થયાં અને હરખ કરીને પોતપોતાને ઘેર ગયાં.

સંઘ્યા થઈ ગઈ. માના મનમાં થવા લાયું કે વહુ છે સાવ નાનું બાળક. તેના અંગ ઉપર છે જમીનદારના ઘરનાં કિંમતી ઘરેણાં. એકાદું ખોવાય કે ચોરાય તો જિંદગીભરની કાળી ટીલી બેસી જાય. પછી સાચી વાત કોઈ માને નહીં અને જિંદગીભરના ‘ચોર’ ઠરીએ. એટલે ઘરેણાં પાછાં આપી દેવાનો વિચાર આવ્યો. પણ પરણીને તરત જ આવેલી પુત્રવધૂના અંગ ઉપરથી અલંકાર ઉતારવાનું કંઈ સાસુનું હૈયું કબૂલે ? જીવ ન ચાલ્યો. તે સાથે જ જોખમ પણ વધુ વાર કન્યાના અંગ ઉપર રહેવા દેવાની હિંમત નહીં. અને ઘરની ગરીબાઈનો પણ મનમાં વિચાર આવ્યો હશે એટલે મા ચંદ્રામણિદેવી જરા ગમગીન થઈ ગયાં અને આંખમાં સહેજ પાણી આવ્યાં.

મા ચંદ્રામણિદેવીને મૂંઝાયેલાં જોઈને ચતુર રામકૃષ્ણને એ સમજતાં વાર ન લાગી. એટલે આખા દિવસની ધમાલ પછી શારદા સૂઈ ગઈ એટલે તેની ભરઊંઘમાં રામકૃષ્ણે બધાં ઘરેણાં ઉતારી લીધાં અને માને સોંપી દીધાં. ઉછીનાં આણેલાં ઘરેણાં મા વગર વિલંબે માલિકને આપી આવ્યાં અને નચિંત થયાં.

પણ સવાર પડતાં જ નવા અઘ્યાયની શરૂઆત થઈ. શારદા તો સાવ બાળક હતી. ઊઠતાંવેંત બોલી ઊઠી કે ‘મારા અંગ ઉપર આવાં આવાં બધાં ઘરેણાં હતાં તે ક્યાં ગયાં ?’ અને એ સાથે ખુદીરામ ચેટરજીના ગરીબ ઘરની આબરૂનો પડદો ચિરાઈ ગયો, તેની પાછળથી ગરીબાઈ ડોકિયું કરી રહી. ઝટઝટ સાસુજીએ આવીને શારદાને ખોળામાં બેસાડીને સમજાવવા માંડી કે ‘ગદાઈ તને એથીયે વધુ સારાં ઘરેણાં ઘડાવી આપશે,’ વગેરે.

ઘરમાં વાત તરત જ ફેલાઈ ગઈ. શારદાના કાકા બધું સમજી ગયા અને તેમણે દુર્વાસાનું રૂપ ધારણ કર્યું. ક્રોધમાં આવીને છોકરીનો હાથ પકડીને ચાલી નીકળ્યા, તે સીધા પહોંચ્યા જયરામવાટી ! બિચારી માને માથે તો આભ જ તૂટી પડ્યું. વિવાહને બીજે જ દિવસે આવી ફજેતી, તથા વેવાઈપક્ષની પાસે ઘરની બાંધી મૂઠી ઊઘડી ગઈ અને ઘરમાં આવેલી કન્યા પણ ગઈ. એ બધાંથી મનમાં બહુ દુ:ખ થયું અને ચહેરા પર ઉદાસીનતા છવાઈ ગઈ.

ત્યાં રામકૃષ્ણ આવીને કહે છે : ‘મા, હવે એમાં અફસોસ શો કરવો ? ભલેને લઈ ગયા. લગન તો હવે કંઈ થયું ન થયું થાય તેમ નથી ને ? તો પછી ચિંતા શા માટે કરો છો ?’

You cannot believe in God until you believe in yourself.- Swami Vivekananda

A few heart-whole, sincere, and energetic men and women can do more in a year than a mob in a century.- Swami Vivekananda

Arise ! Awake ! And Stop Not Till the Goal is Reached.- Swami Vivekananda

All power is within you, you can do anything & everything !- Swami Vivekananda

To be good & to do good, that is the whole of religion.- Swami Vivekananda

Purity, Patience & Perseverance are the three essentials to success, and above all Love !- Swami Vivekananda

Take the whole responsibility on your own shoulders, and know that you are the creator of your own destiny !- Swami Vivekananda

We are what our thoughts have made us, so take care about what you think.- Swami Vivekananda