શ્રીમા શારદાદેવીનું જન્મગામ જયરામવાટી બંગાળના બાંકુડા જિલ્લામાં, કોલકાતાથી સાઠેક માઈલ દૂર આવેલું છે. ગામના પાદરે નાનકડી નદી આમોદર વહે છે. એ શારદાદેવીની બાળપણની ‘ગંગા.’ ત્યાં તેઓ રોજ સ્નાન કરવા જતાં.
પિતાનું નામ રામચંદ્ર મુખોપાઘ્યાય. વંશપરંપરાથી શ્રી ‘ધર્મદેવતા’ના પૂજારીપદના મહેનતાણા રૂપે જે જમીન મળેલી તેની આવક, દેવપૂજામાંથી કાંઈ મળતું તે તથા ગામમાં યજન-પૂજન વગેરે કર્મકાંડ કરાવતા તેની દક્ષિણા અને યજમાનવૃત્તિની આવકમાંથી ગુજરાન ચલાવતા. ઉપરાંત જનોઈઓ પણ વણીને તૈયાર કરતા. આમ તેમનો ઘરસંસાર જેમ તેમ કરીને ચાલતો. તેમના ત્રણ નાના ભાઈઓ પણ સાથે રહેતા.
આર્થિક સ્થિતિ સારી ન હોવા છતાં તેમનામાં ગુણો ઘણા હતા. દિલના ઉદાર, સદાચારી, નિષ્ઠાવાન, સુખી, સંતોષી અને રામભક્ત હતા. જેનું તેનું દાન ન લેતા. પવિત્રતા સર્વ પ્રકારે જાળવવાના આગ્રહી હતા. જૂના રિવાજ મુજબ હુક્કો પીવાના શોખીન અને ઘર આગળ થઈને જતા જાણ્યા-અજાણ્યા કોઈપણને હેતથી બોલાવી હુક્કાની ચાર ફૂંક લેવરાવ્યા પછી જ જવા દેતા. એ જમાનામાં ચાનું વ્યસન ન હતું પણ સામાન્ય શિષ્ટાચાર તરીકે સૌ હુક્કો પીતા. ગામમાં દુષ્કાળ પડ્યો ત્યારે પોતાને ત્યાં ખીચડીના દેગડા ને દેગડા રાંધીને દિવસો સુધી ભૂખ્યા લોકોને ખવરાવેલું.
માતા શ્યામસુંદરીદેવી પતિપરાયણ, પતિથી ય વધારે ઉદાર, પરિશ્રમી, પવિત્ર તથા દેવભક્તિપરાયણ હતાં. તેમનું મનોબળ અત્યંત દૃઢ હતું.
આવાં ઉદાર, પવિત્ર હૈયાઉકલતવાળાં અને ઈશ્વરપરાયણ માબાપને ત્યાં શ્રીશારદાદેવીનો જન્મ થયો. પોતાના જન્મ વિશે તેઓ કહેતાં: ‘મારો જન્મ પણ એમની (શ્રીરામકૃષ્ણની) જેમ જ થયેલો. એક વખતે મારા બાપુ કંઈક કામે કોલકાતા ગયા હતા. મારાં બા નજીકના શિહોડ ગામે બીજી સ્ત્રીઓની સાથે કંઈ તહેવાર નિમિત્તે યાત્રાસિદ્ધિદેવીનાં દર્શને ગયાં હતાં. દર્શન કરી પાછાં વળતાં મા વિસામો ખાવા એક ઝાડ નીચે બેઠાં. એવામાં લાલ ચૂંદડી ઓઢેલી રૂપરૂપના અંબાર સમી ચાર-પાંચ વરસની ઉંમરની નાની છોકરી ઝાડ ઉપરથી નીચે ઊતરી આવી અને મારી બાને પાછળથી ગળે વળગી પડી અને બોલી : ‘હું તમારે ઘેર આવું છું હોં, બા !’ મા આશ્ચર્યચકિત થઈને બેહોશ થઈ ગયાં. પછી બધાં માણસો ઉપાડીને પિતાને ઘરે લઈ આવ્યાં. એ છોકરીએ જ મારી બાના ઉદરમાં પ્રવેશ કર્યો અને ત્યાંથી જ મારો જન્મ ! ઘેર આવીને મારી બાએ આ વાત કરેલી.’
ઈ.સ. ૧૮૫૩ના ડિસેમ્બરની ૨૨મી તારીખ, ગુરુવાર ને માગશર વદ સાતમના રોજ શ્રી શારદાદેવી અવતર્યાં.
રાશિ અનુસાર તો નામ પડેલું ઠાકુરમણિદેવી; પણ માતાજીને પૂછતાં તેમણે કહેલું કે : ‘‘મારી બાએ મારું નામ રાખ્યું હતું ક્ષેમંકરી. પણ મારી માસીની એક શારદા નામની દીકરી ગુજરી ગયા પછી તરત મારો જન્મ થયો, એટલે માસીએ આવીને મારી બાને કહ્યું : ‘બેન, તારી દીકરીનું નામ બદલીને શારદા રાખ; એટલે મને લાગશે કે મારી શારદા જ તારી પાસે આવી છે અને એને જોઈને હું મારી દીકરીને ભૂલી જઈશ.’ એટલે મારી બાએ મારું નામ રાખ્યું ‘શારદા’.’’
You cannot believe in God until you believe in yourself.- Swami Vivekananda
A few heart-whole, sincere, and energetic men and women can do more in a year than a mob in a century.- Swami Vivekananda
Arise ! Awake ! And Stop Not Till the Goal is Reached.- Swami Vivekananda
All power is within you, you can do anything & everything !- Swami Vivekananda
To be good & to do good, that is the whole of religion.- Swami Vivekananda
Purity, Patience & Perseverance are the three essentials to success, and above all Love !- Swami Vivekananda
Take the whole responsibility on your own shoulders, and know that you are the creator of your own destiny !- Swami Vivekananda
We are what our thoughts have made us, so take care about what you think.- Swami Vivekananda