૧. પ્રશ્ન : ઈશ્વરમાં કેવી રીતે મન જાય ?
શ્રીરામકૃષ્ણ - ઈશ્વરનાં નામ, ગુણગાન, કીર્તન હંમેશાં કરવાં જોઈએ, અને સત્સંગ. ઈશ્વરના ભક્ત કે સાધુ, એવાની પાસે અવારનવાર જવું જોઈએ. સંસારમાં અને વહેવારની અંદર રાતદિવસ રહેવાથી ઈશ્વરમાં મન જાય નહિ. વચ્ચે વચ્ચે એકાંતમાં જઈને ઈશ્વરનું ચિંતન કરવાની બહુ જરૂર છે. શરૂઆતમાં અવારનવાર એકાંતમાં ન જઈએ તો ઈશ્વરમાં મન લગાડવું બહુ જ કઠણ. ‘રોપ નાનો હોય ત્યારે તેની ચારે બાજુએ વાડ કરી લેવી જોઈએ. વાડ ન કરીએ તો ગાય બકરાં ખાઈ જાય.’
‘ઘ્યાન કરવું મનમાં, ખૂણામાં અને વનમાં, હંમેશાં સત્ અસત્ નો વિચાર કરવો. ઈશ્વર જ એક નિત્ય વસ્તુ, બીજું બધું અસત્ એટલે અનિત્ય; એવી રીતે વિચાર કરતાં કરતાં અનિત્ય વસ્તુનો મનમાંથી ત્યાગ કરવો.
૨. પ્રશ્ન : મહાશય, સ્ત્રીઓ પ્રત્યે શું તિરસ્કાર દર્શાવવો ?
શ્રીરામકૃષ્ણ : જેણે ઈશ્વર - પ્રાપ્તિ કરી હોય, તે સ્ત્રીઓને વિકારી નજરે જુએ નહિ કે જેથી બીક લાગે. તે ખરેખર દેખે કે સ્ત્રીઓ મા બ્રહ્મમયીના અંશ, અને એટલા માટે ‘મા’કહીને બધી સ્ત્રીઓનું સન્માન કરે.
૩. પ્રશ્ન : સંસાર ત્યાગ શું સારો ?
શ્રીરામકૃષ્ણ : સૌને માટે સંસારત્યાગ નથી. જેમના ભોગનો અંત આવ્યો નથી તેમને માટે સંસાર ત્યાગ નથી, બે આનાની પ્યાલીથી કાંઈ નશો ચડે ?
૪. પ્રશ્ન : ત્યારે સંસારમાં કઈ રીતે રહેવું ?
શ્રીરામકૃષ્ણ : હા. તેઓ નિષ્કામ ભાવે કર્મ કરવાનો પ્રયાસ કરે. હાથે તેલ ચોપડીને ફણસ કાપે, મોટા માણસના ઘરની કામવાળી કામ બધું કરે, પરંતુ તેનું મન ગામડામાં પોતાને ઘેર પડયું હોય. એનું જ નામ નિષ્કામ કર્મ, એનું જ નામ મનથી ત્યાગ. તમે લોકો મનથી ત્યાગ કરો. સંન્યાસી બહારથી ત્યાગ તેમજ મનથી ત્યાગ બંને કરે.
૫. પ્રશ્ન : કામ, ક્રોધ વગેરે મનુષ્યના દુશ્મનો પર કયારે વિજય મેળવી શકાશે?
શ્રીરામકૃષ્ણ : ‘સંસાર અને પદાર્થો પ્રતિ આ તૃષ્ણાઓ લાગેલી હોય ત્યાં સુધી એ દુશ્મનોની માફક વર્તે છે. પણ એમને ઈશ્વર ભણી વાળવામાં આવે છે ત્યારે, એ માનવીના ઉત્તમ મિત્રો બને છે. સંસારી વિષયો માટેની કામનાને ઈશ્વર માટેની વ્યાકુળતામાં ફેરવવી જોઈએ, બીજા લોકો પ્રત્યેના ક્રોધને પોતાનું દર્શન ન દેવા બદલ ઈશ્વર પ્રત્યે ક્રોધ વાળવો જોઈએ. બધી વાસનાઓ પ્રત્યે એ જ વલણ રાખવું જોઈએ. વાસનાઓ નષ્ટ કરી શકાતી નથી, ઈશ્વરાભિમુખ કરી શકાય છે.
૬. પ્રશ્ન : આપણામાં રહેલી જૂની વાસનાને કેમ જીતવી?
ઉત્તર : ફૂલ ફળમાં વિકસે એટલે પાંખડીઓ આપોઆપ ખરી પડે. એટલે તમારું દિવ્યત્વ વિકસવાની સાથે, મનુષ્ય સ્વભાવની નિર્બળતાઓ આપોઆપ ખરી પડવાની.
૭. પ્રશ્ન : વાસના પર વિજય શી રીતે મેળવાય?
ઉત્તર : દરેક સ્ત્રીને તમારી માતા માનો. કોઈ નારીના મુખ સામું કદી ન જોવું પણ, એના પગ તરફ જ જોવું, બધા દુષ્ટ વિચારો દૂર થઈ જશે.
૮. પ્રશ્ન : હૃદય શાંત ભાગ્યે જ થાય છે અને થાય છે ત્યારે શાંતિ લાંબો સમય ટકતી નથી. એનું શું કારણ?
ઉત્તર : વાંસ બાળવાથી પેટાવાતા અગ્નિને સતત ફૂંકીને પેટાવેલો રાખવો પડે છે. અઘ્યાત્મના અગ્નિને પણ ભક્તિના સાતત્યથી જ જાળવી શકાય છે.
૯. અચલ પ્રેમ અને દ્રઢ ભક્તિને માટે જગજ્જનનીને પ્રાર્થના કરો.
૧૦. પ્રશ્ન : મહાશય, વિવેક વિચારથી આપણી ઈંદ્રિયોને પ્રથમ સંયમમાં રાખવી જરૂરી છે?
ઠાકુર : હા, એ પણ એક માર્ગ છે - વિવેક વિચારનો માર્ગ. ભક્તિમાર્ગમાં આત્મસંયમ આપોઆપ આવે છે, ને પાછો સરળતાથી આવે છે. ઈશ્વરપ્રીતિ જેમ વધે તેમ તેમ, ઈંદ્રિયસુખ ફિક્કાં લાગે છે. મા બાપે બાળક ગુમાવ્યું હોય તે દિવસે, સંસાર સુખમાં તેમનું ચિત્ત ન લાગે તેના જેવું એ છે.
૧૧. એક ભક્ત : ગૃહસ્થ જીવન ગાળવા છતાં પોતાને જ્ઞાન થયું છે એ ખબર કેવી રીતે પડે?
ઠાકુર : હરિનામથી આવતાં આંસુથી અને રુંવાડાં ઊભાં થઈ જાય તે પરથી. ભગવાનનું મધુર ‘નામ’શ્રવણ કાને પડતાં જ માણસની આંખમાંથી આંસુ વહેવા લાગે અને એને રોમાંચ થાય ત્યારે જાણવું કે એને જ્ઞાન પ્રાપ્ત થયું છે.
૧૨. એક શિષ્ય : કામનો બોજો ઈશ્વરમાં ચિત્ત લાગવા દેતો નથી,બરાબર છે ને ?
ઠાકુર : હા, એમાં શંકા જ નથી. પણ જ્ઞાની અનાસક્ત રહીને કાર્ય કરે તો એને કર્મ દ્વારા કશું નુકસાન નહીં થાય. તમે નિષ્ઠાપૂર્વક ઇચ્છો તો, ભગવાન તમને સહાય કરશે જ અને કર્મનું બંધન ધીમે ધીમે ખરી પડશે.
૧૩. મનુષ્ય હૃદયમાં ઈશ્વર પ્રગટ થયાનાં લક્ષણો કયાં છે? ઉષાનો ઉજાશ સૂર્યોદયની છડી પોકારે છે તે રીતે, નિ:સ્વાર્થપણું, શુચિતા, પ્રામાણિકતા ઈશ્વરનું આગમન સૂચવે છે.
૧૪. પ્રશ્ન - સબ જજ : ‘અમે ગૃહસ્થીઓ છીએ; ઘરનાંઓ પ્રત્યે અમારું કર્તવ્ય કયાં લગી?’
શ્રીરામકૃષ્ણ : ‘તમારે તમારાં બાળકોને ઊછેરવાં, ધર્મપત્નીનું ભરણપોષણ કરવું અને તમારી હયાતી ન હોય ત્યારે પણ તેનો નિભાવ થાય તેની ગોઠવણ કરવી. જો તે વફાદાર હોય તો તમારે તમારા મૃત્યુ પછી પણ તેનો નિભાવ થાય એવી વ્યવસ્થા કરી રાખવી જોઈએ. જો તમે આટલું ન કરો તો તમે ક્રૂર કહેવાઓ.જે મનુષ્યમાં દયા ન હોય, તે મનુષ્ય, મનુષ્ય કહેવડાવવાને જ લાયક નથી.
૧૫. પ્રશ્ન - ત્રૈલોકય : ‘મહાશય ! ગૃહસ્થી જીવન ગાળતાં ગાળતાં શું મનુષ્યને પરમજ્ઞાન પ્રાપ્ત થાય
ખરું? તેને શું ઈશ્વરનો સાક્ષાત્કાર થઈ શકે?’
શ્રીરામકૃષ્ણ (હસતાં હસતાં) : ‘કેમ, તમે તો બેઉમાં છો ને શું? તમે સંસારમાંય છો, અને ઈશ્વરને પણ ભજો છો. ગૃહસ્થ પણ અવશ્ય ઈશ્વર - સાક્ષાત્કાર કરી શકે. ઈશ્વરનું નામ લેતાં જ્યારે આંખોમાં આંસુ ઊભરાય અને રોમાંચ થઈ જાય, ત્યારે જાણવું કે કામકાંચનની આસક્તિ નીકળી ગઈ છે, અને ઈશ્વરદર્શનમાં વાર નથી. દીવાસળી સૂકી હોય તો એક વાર ઘસવાથી સળગી ઊઠે, પણ ભીની હોય તો ભલેને પચાસ વાર ઘસો ને, કોઈ રીતે તે સળગે જ નહિ !’
૧૬. પ્રશ્ન : મહારાજ ! મનુષ્ય પોતાના શરીરની આટલી બધી માવજત કેમ કરતા હશે?
શ્રીરામકૃષ્ણદેવ : મહોરામાં ઢાળી કોઈ ચીજ બનાવવાવાળા લોકો મૂર્તિ બનતાં સુધી એ મોહરાને સંભાળપૂર્વક રાખે છે, મૂર્તિ બની ગયા પછી એ મહોરું રાખે કે નાશ કરી નાખે એનું કાંઈ મહત્ત્વ નથી. શરીર માટે પણ આ વાત લાગુ પડે છે. મનુષ્યનું ઘ્યેય પરમાત્માને પામવાનું છે. મનુષ્યે આત્માનું જ્ઞાન મેળવવાનું છે. પછી શરીર રહે કે નાશ પામી જાય. પરંતુ જ્યાં સુધી જ્ઞાન ન થાય ત્યાં સુધી શરીર સંભાળવાનું છે.
૧૭. પ્રશ્ન : આ સંસારમાં મુકાયા પછી અમારે શું કરવું?
ઉત્તર : બધું એને સોંપી દો, તમારી જાત એને સમર્પિત કરી દો, પછી તમારે કશી તકલીફ ઉઠાવવી નહીં પડે. પછી તમે સમજી શકશો કે બધું એની ઇચ્છા પર જ આધારિત છે.
You cannot believe in God until you believe in yourself.- Swami Vivekananda
A few heart-whole, sincere, and energetic men and women can do more in a year than a mob in a century.- Swami Vivekananda
Arise ! Awake ! And Stop Not Till the Goal is Reached.- Swami Vivekananda
All power is within you, you can do anything & everything !- Swami Vivekananda
To be good & to do good, that is the whole of religion.- Swami Vivekananda
Purity, Patience & Perseverance are the three essentials to success, and above all Love !- Swami Vivekananda
Take the whole responsibility on your own shoulders, and know that you are the creator of your own destiny !- Swami Vivekananda
We are what our thoughts have made us, so take care about what you think.- Swami Vivekananda