Shri Ramakrishna Ashrama, Rajkot

Free Books : Teachings Of Shri Ramakrishna

ગૃહસ્થ માટેનાં અભયવચન

૧. ‘સંસારમાં કામ, ક્રોધ વગેરે બધાંની સાથે યુદ્ધ કરવાનું છે, અનેક જાતની વાસનાઓ સાથે યુદ્ધ કરવાનું છે, આસક્તિની સાથે યુદ્ધ કરવાનું છે. યુદ્ધ કિલ્લામાં રહીને કરવું એ જ સગવડભર્યું છે. ઘરમાં રહીને જ યુદ્ધ કરવું સારું. ત્યાં ખાવા મળે. ધર્મપત્ની દરેક જાતની સહાય આપે. કલિયુગમાં પ્રાણનો આધાર અન્ન ઉપર. ખાવાના અન્ન સારુ સાત ઘરે ભટકવું પડે તે કરતાં એક જ ઘર સારું. ઘર જાણે કે કિલ્લાની અંદર રહીને યુદ્ધ કરવા જેવું અને સંસારમાં રહો તો વંટોળિયાઓમાં ઊડતાં એઠાં પતરાવળાં જેવા થઈને રહો. વંટોળિયો એઠાં પતરાવળાંને કયારેક ઘરની અંદર લઈ જાય, તો કયારે નરકની કુંડીમાં. પવન જે બાજુ જાય, પતરાવળું ય તે બાજુ જાય, કયારેક સારી જગામાં તો કયારેક નરસી જગામાં.

૨. ‘ભગવાને સંસારમાં રાખ્યા છે તે શું કરો? બધું તેમને સમર્પણ કરો. તેમને આત્મ-સમર્પણ કરો. તો બીજી કોઈ જાતની મુશ્કેલી રહેશે નહિ. ત્યારે દેખાશે કે પ્રભુ જ બધું કરી રહ્યા છે. બધું ‘રામની મરજી.’

૩. ‘વિદ્યારૂપી સ્ત્રી સાચી સહધર્મિણી. સ્વામીને ઈશ્વરના માર્ગે જવામાં વધુ સહાયતા આપે. એક બે છોકરાં થઈ ગયા પછી બેય જણાં ભાઈબહેનની પેઠે રહે. બેય જણાં ઈશ્વરનાં ભક્ત, તેનાં દાસ અને દાસી જેવાં. તેમનો સંસાર વિદ્યાનો સંસાર. ઈશ્વરને અને ભક્તોને લઈને હંમેશાં આનંદ કરે. તેઓ જાણે કે ઈશ્વર જ એક માત્ર પોતાનો, અનંતકાળ સુધી પોતાનો. સુખે દુ:ખે એને ભૂલે નહિ, જેમ કે પાંડવો.’

૪. કાંઠલો નીકળ્યા પછી પોપટને ગાતાં શીખવી શકાતું નથી કારણ, એનું નાદયંત્ર કઠોર થઈ ગયું હોય છે. કાંઠલો ઊગ્યા પહેલાં જ એને ગાતાં શીખવવું જોઈએ. એટલે, ઘડપણમાં ઈશ્વર ઉપર ઘ્યાન કેન્દ્રિત કરવું કઠણ છે, પણ નાની વયમાં એ સરળતાથી કરી શકાય છે.

૫. કેવળ સારા સંસ્કાર અને ઈશ્વર ભક્તિથી જ સ્ત્રીઓના શીલની રક્ષા થઈ શકે છે, તેમને પરદામાં પૂરી રાખવાથી નહીં.

૬. પણ આતુર થઈને અરજી (પ્રાર્થના) કરવી જોઈએ. એવું છે કે ત્રણ પ્રકારનું ખેંચાણ એકઠું થાય ત્યારે ઈશ્વર - દર્શન થાય. બાળક માટે માનું, સતી સ્ત્રીઓનું સ્વામી પ્રત્યેનું, અને વિષયીનું વિષય પ્રત્યેનું ખેંચાણ.

૭. ‘તે તમે સંસારમાં છો તેમાં શું વાંધો?’ એમાં તો સાધનાની વધુ સગવડ, જેમ કે કિલ્લામાંથી લડાઈ કરવી. જ્યારે શબ - સાધના કરે ત્યારે વચ્ચે વચ્ચે શબ મોઢું ફાડીને બીક દેખાડે. એટલે મમરા, શેકેલા ચણા વગેરે રાખવા જોઈએ. એ વચ્ચે વચ્ચે શબના મોઢામાં દેવા જોઈએ. એથી શબ શાંત રહે. એટલે પછી નચિંત થઈને જપ કરી શકાય. તેમ સ્ત્રી - પુત્રાદિ પરિવારને શાંત રાખવો જોઈએ. તેમનો ખાવા - પીવાનો બંદોબસ્ત બરાબર કરી દેવો જોઈએ. ત્યારે સાધનભજનની સગવડ થાય.

૮. ખૂબ વાતોડિયાથી, નિખાલસ ન હોય તેનાથી, કાનમાં તુલસી ભરાવી પોતાની ભક્તિનું પ્રદર્શન કરવાથી, મોટો ઘૂમટો કાઢતી નારીથી અને જેની ઉપર શેવાળ બાઝી ગઈ હોય એવા જળથી સાવધાન રહો.

૯. સંસાર કર્મક્ષેત્ર છે. કર્મો કરતાં કરતાં જ્ઞાન થાય. ગુરુએ કહ્યું છે કે આ કર્મ કરો અને આ કર્મ ન કરો. તેમ વળી એ નિષ્કામ કર્મોનો ઉપદેશ આપે. કર્મો કરતાં કરતાં મનની મલિનતા કપાઈ જાય. જેમ સારા ડોકટરના હાથમાં પડીએ તો દવા લેતાં લેતાં રોગ મટી જાય તેમ.’

૧૦. ‘શા માટે ભગવાન સંસારમાંથી છોડતા નથી? રોગ મટે ત્યારે છોડે ને? કામિની - કાંચનનો ભોગ કરવાની ઇચ્છા જ્યારે ચાલી જાય ત્યારે છોડે. ઈસ્પિતાલમાં એક વાર નામ દાખલ કરાવ્યું પછી ભાગીને ન અવાય. રોગની અસર હોય ત્યાં સુધી ડોકટર સાહેબ છોડે નહિ.’

૧૧. ‘હાથે તેલ લગાડીને પછી ફણસ ચીરવું જોઈએ, નહિતર તેનું દૂધ ચોંટી જાય. ઈશ્વરભક્તિરૂપી તેલ ચોપડીને પછી સંસારનાં કામમાં હાથ લગાડવો જોઈએ.’

૧૨. જુઓ, દયા અને માયા એ બે જુદી વસ્તુઓ. માયા એટલે પોતાનાં માણસો પરની મમતા, જેમ કે માબાપ, ભાઈબહેન, સ્ત્રી પુરુષ, એ બધાંની ઉપર પ્રેમ; દયા, સર્વ ભૂતો પર પ્રેમ, સમદ્રષ્ટિ. કોઈની અંદર જો દયા જુઓ, જેમ કે વિદ્યાસાગરની અંદર, તો જાણજો કે એ ઈશ્વરની દયા. દયાથી સર્વ ભૂતોની સેવા થાય. માયા પણ એમ તો ઈશ્વરની જ; માયા દ્વારા ઈશ્વર સગાંઓની સેવા કરાવી લે. પરંતુ એક વાત છે : માયાથી માણસ અજ્ઞાની થઈ જાય, અને બદ્ઘ થાય, પરંતુ દયાથી ચિત્ત-શુદ્ધિ થાય, ક્રમે ક્રમે બંધન મુક્તિ થાય.

૧૩. સંસારીઓની સામે માત્ર દુ:ખની જ વાતો સારી નહિ. આનંદ જોઈએ. જેમને ખાવાના વાંધા હોય, તેઓ કદાચ બે દિવસના ઉપવાસ ખેંચી કાઢી શકે, પણ જેઓને ખાવાનું જરા મોડું થતાં તબિયત બગડે, એવાઓની પાસે કેવળ રોદણાંની વાત, દુ:ખની વાત, એ સારું નહિ.

૧૪. મેં જોયું છે કે સંસારી ભક્ત જ્યારે પૂજા કરે અબોટિયું પહેરીને, ત્યારે અંતરનો ભાવ સરસ હોય; એટલે સુધી કે નાસ્તો કરે ત્યાં સુધીયે એવો એક સરખો ભાવ રહે. પણ ત્યાર પછી પોતાનું ખરું સ્વરૂપ. વળી પાછો રજોગુણી, તમોગુણી થઈ જાય.

૧૫. ‘ખરું કહું છું, તમે સંસારમાં રહો છો તેમાં દોષ નથી, પણ ઈશ્વરમાં મન રાખવું જોઈએ. તે વિના ન ચાલે. એક હાથે કામ કરો, બીજે હાથે ઈશ્વરને પકડી રાખો. કામકાજ પૂરાં થાય એટલે બેય હાથે ઈશ્વરને પકડો.’

૧૬. આત્મહત્યા કરવી એ મહાપાપ; ફરી ફરીને સંસારમાં આવવું પડે અને આ સંસારનું દુ:ખ ભોગવવું પડે.

૧૭. સાધુઓને શુદ્ધ વસ્તુ આપવી. ખોટા ધંધા કરીને મેળવેલી વસ્તુ આપવી નહિ.

૧૮. ‘હર ક્ષણે ઈશ્વરનું નામ લીધા કરવું જોઈએ. કામકાજને વખતે પણ મન ઈશ્વરમાં દઈ રાખવું જોઈએ. જેમ કે કોઈને પીઠે ગૂમડું થયું હોય તો એ કામ બધાં કરે, પણ મન એ ગૂમડામાં જ હોય.

૧૯. ‘ગૃહસ્થ માણસને પોતાનું કર્તવ્ય છે, ઋણ છે; દેવ - ઋણ, પિતૃ ઋણ, ઋષિ - ઋણ. તેમજ પોતાના પરિવાર સંબંધે પણ ઋણ છે. સતી સ્ત્રી હોય તો તેનું પ્રતિપાલન, સંતાનોનું ભરણપોષણ, જ્યાં સુધી એ મોટાં થાય ત્યાં સુધી, વગેરે ઋણ છે.’

૨૦. ‘તમે તો ધંધો કરો છો, એટલે ધીમે ધીમે આગળ વધારવાનું જાણો. કોઈ પહેલાં તેલ પીલવાની ચક્કી કરે; પછી વળી વધુ પૈસા થાય એટલે કાપડની દુકાન નાખે. તેમ ઈશ્વરને રસ્તે આગળ વધવું જોઈએ. અવારનવાર કેટલાક દિવસ નિર્જન સ્થળમાં રહીને વધુ પ્રમાણમાં ભગવાનને પોકારો તો ચાલે.’

૨૧. ‘પરંતુ વાત શી છે, ખબર છે? સમય આવ્યા વિના કાંઈ થાય નહિ. કોઈ કોઈને ભોગ, કર્મો ઘણાંય બાકી હોય. એને લીધે મોડેથી થાય. ગૂમડું કાચું હોય ને નસ્તર મૂકાય તો ઉલટું વકરે. પાકીને મોટું કરે ત્યારે ડોકટર નસ્તર મૂકે. એક છોકરું એની માને કહે કે મા, હવે સૂઈ જાઉં છું, મને હગણી લાગે એટલું તું જગાડજે, મા કહે કે ‘દીકરા, હગણી જ તને જગાડશે, મારે જગાડવો નહિ પડે.’

૨૨. મનુષ્યે ખ્રિસ્તીઓની જેમ કરુણાવાન, મુસલમાનની માફક બાહ્યાચારના પાલનમાં શુદ્ધ અને હિન્દુઓની માફક સર્વ જીવો પ્રત્યે ઉદાર બનવું જોઈએ.

૨૩. ‘બેદરકાર માણસ મૂર્ખ હોય છે.’

૨૪. ‘ભક્ત બનો પણ મૂર્ખ બનો નહિ. જુઓ, જગતજનનીએ મને એવી અવસ્થામાં રાખ્યો છે કે મુશ્કેલીથી શરીર પર વસ્ત્ર ધારણ કરું છું. છતાં હું ભૂલકણો નથી.

૨૫. ‘જગદંબા કયારેય પોતાના બાળકને ભૂખ્યું નથી રાખતી, જેને સવારે ભૂખ લાગે તેને સવારમાં ભોજન મળે છે અને સાંજે ભૂખ લાગે તેને સાંજે ભોજન મળે છે.’

૨૬. ‘હું જેમ કહું છું તમે તેમ જ કરશો તો સીધા લક્ષ્ય સ્થાને પહોંચી જશો.’

૨૭. ‘વાતો અને કાર્યમાં તેમજ મન અને મુખમાં જેને મેળ નથી તેના પર કયારેય વિશ્વાસ ન કરવો.

૨૮. ‘થોડોક સંઘર્ષ કરો. પછી ગુરુ તમારી મદદ કરશે.’

૨૯. ‘ઈશ્વરને પોકારો. તમારી મદદમાં જરૂર કોઈ ને કોઈ આવશે.’

૩૦. ‘સહન કરો, સહન કરો, સહન કરો.’.. ‘હું ભગવાનનું નામ - સ્મરણ કરું છું. મારે શા માટે ચિંતા રાખવી જોઈએ. જગદંબાનો બાળક કોનાથી ડરે?’

૩૧. ‘જ્યારે એક દિશામાં આગળ વધો છો ત્યારે બીજી દિશાથી તેટલા દૂર જાઓ છો. જો પૂર્વમાં તમે દશ કદમ આગળ વધશો તો પશ્ર્ચિમથી એટલા કદમ દૂર જશો.’

૩૨. ‘પોતાની મરજીથી કાંઈ થતું નથી. ઈશ્વર જ જાણે છે કે કઈ વ્યક્તિવિશેષ પાસે કયું કામ કરાવવાનું છે.’

૩૩. ‘હું ચાપલૂસી કરવાવાળાની પરવા નથી કરતો. હું તો એ જ વ્યક્તિને ચાહું છું જે અંત:કરણ અને નિષ્ઠાપૂર્વક ઈશ્વરને પોકારે છે.’

૩૪. ‘જે અહીંયાં ઈશ્વરદર્શન, જ્ઞાન અને ભક્તિ માટે આવે છે તેમની ઇચ્છા પૂર્ણ થશે.’

૩૫. ‘જુઓ, સુખ કરતાં દુ:ખ સારું છે, પ્રવૃત્તિ કરતાં નિવૃત્તિ સારી છે. દુ:ખ પડે એટલે મન ઈશ્વરમાં જાય છે.’

૩૬. સવારના સમયે ભગવાનનું ચિંતન કરવું જોઈએ. સાધુ લોકો આ સમયે જ ઘ્યાન કરે છે. તે બ્રાહ્મમુહૂર્ત કહેવાય છે. ત્યારે ચારે બાજુ આઘ્યાત્મિક ભાવ ફેલાયેલો હોય છે.

૩૭. ‘સાધકે જાતે રાંધી, તે ભગવાનને ધરાવીને પછી પ્રસાદરૂપે ભોજન ગ્રહણ કરવું જોઈએ. આ રીતે તે બીજા પર આધારિત નથી રહેતો અને તેની આઘ્યાત્મિકતામાં ઓટ આવતી નથી.’

૩૮. ‘સદા - સર્વદા એક મહાપૂજા ચાલી રહી છે. કોઈ પણ વસ્તુની ઉપેક્ષા કરવી જોઈએ નહીં. જીવનમાં બધાં કામ કરવાના સમયે ભગવાનનું ચિંતન કરવું જોઈએ. એટલે કે ખાતાં, પીતાં, હરતાં-ફરતાં, સૂતાં-જાગતાં દરેક સમયે ભગવાનનું ચિંતન કરવું જોઈએ. એ જ સાચો ધર્મ છે.

૩૯. તમે કુટુંબકબીલાવાળા હો તેમાં કંઈ હરકત નથી. અલિપ્ત રહીને તમારી ફરજ અદા કરો અને તમારું ચિત્ત પ્રભુમાં રાખો. જેમ કે, વાંસામાં ઘારું થયું હોય તેવો માણસ પોતાના મિત્રોની અને બીજાઓની સાથે વાત કરશે, બીજાં કામ પણ કરશે પરંતુ, એનું મન એના ઘારામાં જ હશે.

You cannot believe in God until you believe in yourself.- Swami Vivekananda

A few heart-whole, sincere, and energetic men and women can do more in a year than a mob in a century.- Swami Vivekananda

Arise ! Awake ! And Stop Not Till the Goal is Reached.- Swami Vivekananda

All power is within you, you can do anything & everything !- Swami Vivekananda

To be good & to do good, that is the whole of religion.- Swami Vivekananda

Purity, Patience & Perseverance are the three essentials to success, and above all Love !- Swami Vivekananda

Take the whole responsibility on your own shoulders, and know that you are the creator of your own destiny !- Swami Vivekananda

We are what our thoughts have made us, so take care about what you think.- Swami Vivekananda