Shri Ramakrishna Ashrama, Rajkot

Free Books : Teachings Of Shri Ramakrishna

શ્રદ્ધા - પુરુષાર્થ

૧. શ્રદ્ધાવાન પાસે સઘળું છે, શ્રદ્ધાહીન પાસે કશું નહીં.

૨. બાળકના જેવી શ્રદ્ધા ન થાય તો, ઈશ્વરને પામવો કઠિન છે. મા બાળકને કહે કે, ‘એ તારો ભાઈ છે’તો, એ બાળક દ્રઢપણે માને છે કે પેલી વ્યક્તિ એનો ભાઈ છે. મા બાળકને એમ કહે કે, ‘ત્યાં ન જતો, ત્યાં ‘મ્યાઉં’છે.’ તો બાળક દ્રઢપણે માને છે કે ત્યાં ‘મ્યાઉં’છે. મનુષ્યમાં એવી બાળક જેવી શ્રદ્ધા જોઈને ઈશ્વરને કરુણા ઊપજે છે. ગણતરીબાજ મનવાળો કોઈ સંસારી ઈશ્વરને પામે નહીં.

૩. ભાવના રાજ્યમાં ચોરી નહીં કરનાર જ પ્રભુના દરબારમાં પ્રવેશી શકે છે. અર્થાત્ નિષ્કપટતા અને સરળ શ્રદ્ધા એ પ્રભુના દરબારના માર્ગો છે.

૪. પાણીમાં પથરો અનેક વર્ષો સુધી ડૂબેલો રહેતો પણ, પાણી એની અંદર પ્રવેશી શકતું નથી. પણ પાણી અડતાં માટી તરત ગારો થઈ જાય છે. એ રીતે, શ્રદ્ધાળુનું દ્રઢ હૃદય યાતનાઓથી ઢીલું પડતું નથી, પણ નબળી શ્રદ્ધાવાળા મામૂલી બાબતથી પણ ખળભળી ઊઠે છે. 

૫. ‘શ્રદ્ધા અને ભક્તિ. ભક્તિથી ઈશ્વરને સહેલાઈથી પામી શકાય. ઈશ્વર ભાવનો વિષય.’ 

૬. ‘માણસમાં જો શ્રદ્ધા આવી ગઈ તો તો થઈ ચૂકયું. શ્રદ્ધાથી મોટી બીજી કોઈ ચીજ નથી.

૭. ભગવાનનું નામ લેવાથી માણસનાં દેહ, મન, બધું શુદ્ધ થઈ જાય. કેવળ ‘પાપ’અને ‘નરક’, એ બધી વાતો શું કામ? એકવાર કહો કે જે ખોટાં કામ કર્યાં છે તે હવે નહિ કરું અને પ્રભુના નામમાં શ્રદ્ધા રાખો.’

૮. જાણતાં કે અજાણતાં, ભાનપૂર્વક કે ભાન વિના, મનની ગમે તે સ્થિતિમાં માણસ ઈશ્વરનું ‘નામ’લે તો તેને એનું સુફલ મળે જ છે. સ્વેચ્છાએ નદીએ જઈને નહાનારને નહાવાનો લાભ મળે છે; એ જ રીતે, જે માણસને નદીમાં ધક્કો માર્યો હોય તેને કે, ઊંઘમાં જેના પર પાણી ઢોળવામાં આવ્યું હોય તેને પણ તે લાભ મળે છે.

૯. ‘મુખ્ય વાત છે શ્રદ્ધા. જેવો અંતરનો ભાવ, તેવો લાભ, મૂળ છે એ વિશ્વાસ.’ શ્રદ્ધા આવી ગઈ તો પછી બીક નહિ.’

૧૦. ‘આ જ મારા ઈષ્ટ’એવી સોળે સોળ આના શ્રદ્ધા આવ્યે ઈશ્વરની પ્રાપ્તિ થાય, દર્શન થાય.

૧૧. ગુરુ - વાકયમાં શ્રદ્ધા રાખીને કંઈક સાધના કરો. ગુરુ ન હોય તો વ્યાકુળ થઈને પ્રભુને પ્રાર્થના કરો. એ કેવા છે તે એ પોતે જ જણાવી દેશે.

૧૨. હિન્દુઓમાં ભિન્ન ભિન્ન પંથો અને સંપ્રદાયો છે. આપણે કોને અનુસરવું? એકવાર પાર્વતીએ મહાદેવને પૂછયું ‘સચ્ચિદાનંદ પ્રાપ્ત કરવાનો ઉપાય શો પ્રભુ?’ મહાદેવે ઉત્તર આપ્યો, ‘ઉપાય શ્રદ્ધા છે!’ આમ પંથો અને સંપ્રદાયોની વિશેષતાઓની કિંમત ખાસ છે જ નહીં. દરેકે ભક્તિ કરવી અને પોતાના પંથને અનુસરવું.

૧૩. ઈશ્વર છે એમ કહીને બેસી રહ્યો કાંઈ ન વળે. ગમે તેમ કરીને તેની પાસે પહોંચવું જોઈએ. એકાંતમાં તેને પોકારો, ‘દર્શન આપો’એમ કહીને પ્રાર્થના કરો, વ્યાકુળ થઈને રુદન કરો. કામકાંચન સારુ ગાંડાતુર થઈને રખડી શકો, તો પછી પ્રભુને માટે જરાક તો ગાંડા થાઓ. માણસો ભલે કહે કે અમુક તો ઈશ્વર સારુ પાગલ થઈ ગયો છે. યા તો કેટલાક દિવસ બધું છોડીને એકલા પ્રભુને જ પોકારો... આ તો એક મજાની મુસીબત! ઈશ્વરને દેખાડી દો! અને ભાઈસાહેબ પોતે કંઈ કર્યા વગર બેઠા રહે. માખણ કાઢીને મોઢાની સામે મૂકો!.. એક જણને રાજાને જોવાની ઇચ્છા થઈ. રાજા છે સાતમી દેવડી પર. હજુ તો પહેલી દેવડી વટાવી ન વટાવી ત્યાં તો કહે ‘રાજા કયાં?’ જેમ છે તેમ, એક પછી એક જે દેવડીઓ છે તેમને વટાવીને તો જવું પડે ને?

૧૪. પહેલાં પ્રભુને પામો. આઘ્યાત્મિકતા પ્રાપ્ત કર્યા પછી તમે સંસારી જીવન જીવો તો, તમે મનની શાંતિ કદી નહીં ગુમાવો.

૧૫. ખેડૂત બળદ કેવી રીતે ખરીદે છે એ ખબર છે ! અરે, એ તો આ બાબતના નિષ્ણાત હોય છે અને સારી ઓલાદને તરત ઓળખી કાઢે છે. બળદનું પાણી કેવી રીતે માપવું તે એ બરાબર જાણે છે. એ બળદના પૂછડાને અડે છે અને એની અસર ચમત્કારી છે. જેમનામાં પાણી ન હોય એ બળદ સામનો જ કરતા નથી, અને જાણે ઊંઘતા હોય તેમ જમીન પર બેઠા જ રહે છે. પણ પાણીદાર બળદ તરત ઊભો થઈ જાય કેમ જાણે પૂછડું અમળાયું તેનો વિરોધ ન કરતો હોય!  ખેડૂત એવાને પસંદ કરે. જીવનમાં ફતેહ મેળવવી હોય તો આવા પાણીદાર થવું ઘટે. પણ ઘણા પાણી વિનાના છે. દૂધમાં પલાળેલા પૌંઆ જેવા, પોચા અને વળી ગયેલા! બિલકુલ તાકાત વિનાના ! સતત પરિશ્રમ માટે શક્તિ વિનાના ! સંકલ્પ-શક્તિ વિનાના ! જીવનમાં નિષ્ફળ.

૧૬. તરવાનું શીખવા ઇચ્છનારે થોડા દિવસ તરવાનો પ્રયત્ન કરવો જોઈએ. એક દિવસ તરતાં શીખીને કોઈ દરિયામાં તરવા જવાની હિંમત ન કરે. એટલે, તમારે બ્રહ્મસિંધુમાં તરવું હોય તો, તમે એમાં તરી શકો તે પહેલાં કેટલાય નિષ્ફળ પ્રયત્નો કરવા પડે.

૧૭. તાજો જન્મેલો વાછરડો ઊભો રહેતાં શીખે તે પૂર્વે, ઊભો થવાની કોશિશ કરતાં એ અનેક વાર, ગડથોલિયાં ખાય છે. એ જ રીતે સાધનાના માર્ગમાં સફળતા પ્રાપ્ત કરતાં પહેલાં ઘણીવાર પડવા-આખડવાનું આવે છે.

૧૮. વેગથી વહેતાં નદીનાં પાણી કોઈ કોઈ જગ્યાએ વમળ પેદા કરશે; પણ આગળ વધતાં પાછાં એ વેગથી સીધાં વહેવા લાગે છે. એ રીતે ભક્તનું હૃદય અવારનવાર નિરાશા, વેદના અને અશ્રદ્ધાનાં વમળમાં ફસાઈ જાય છે પણ, એ તો ક્ષણિક વિકૃતિ છે અને તરત દૂર થઈ જાય છે.

૧૯. એક દિવસ અર્જુન સાથે રથમાં જતાં, આકાશમાં નજર કરી, શ્રીકૃષ્ણે કહ્યું, ‘અરે જો ! કબૂતરો કેવાં ઊડી રહ્યાં છે!’ તરત જ અર્જુને એ દિશામાં જોયું અને બોલ્યો, ‘ખરે જ, મિત્ર ! કબૂતરો સુંદર છે !’ બીજી જ પળે ફરી દ્રષ્ટિપાત કરી, શ્રીકૃષ્ણ બોલ્યા, ‘ના, દોસ્ત, એ કબૂતર નથી.’ અર્જુને પણ ફરી નજર કરી કહ્યું, ‘હા, એ કબૂતર ન હતાં.’ હવે આનો અર્થ સમજવા યત્ન કરો. સત્યનો મોટો આગ્રહી એવો અર્જુન શ્રીકૃષ્ણની ખુશામત કરવા એમની હાએ હા નહોતો ભણતો. પરંતુ, શ્રીકૃષ્ણમાં તેને એવી અડગ શ્રદ્ધા હતી કે, શ્રીકૃષ્ણ જે કહે તે જ એને દેખાતું.

૨૦. બાર બાર વરસ વરસાદ ન વરસે તો પણ, જેનામાં ખેડૂતનું સાચું લોહી વહે છે એવો ખેડૂત ખેડ મૂકતો નથી; પણ નવો સવો ખેડૂત બનેલી વ્યકિત એક દુકાળે હારી જાય છે. આખા જીવનની ભક્તિ છતાં ઈશ્વર ન મળે તો, સાચો ભક્ત કદી નિરાશ થતો નથી.

૨૧. દરિયામાં ઊંડે મોતી પડયાં છે પણ એ મોતી મેળવવા માટે તમારે જાનનાં જોખમ ખેડવાં પડે. એક ડૂબકીએ એ હાથ ન લાગે તો, દરિયામાં મોતી નથી એમ નિર્ણય ન બાંધી લો. ડૂબકી મારો અને અંતે તમે એ પ્રાપ્ત કરશો જ. એ રીતે, ઈશ્વરની ખોજમાં, એને જોવાનો પહેલો પ્રયત્ન સફળ ન થાય તો, હતાશ ન થતા. ખંતપૂર્વક કોશિશ કર્યે જાઓ અને અંતે તમને એમનાં દર્શન થશે જ.

You cannot believe in God until you believe in yourself.- Swami Vivekananda

A few heart-whole, sincere, and energetic men and women can do more in a year than a mob in a century.- Swami Vivekananda

Arise ! Awake ! And Stop Not Till the Goal is Reached.- Swami Vivekananda

All power is within you, you can do anything & everything !- Swami Vivekananda

To be good & to do good, that is the whole of religion.- Swami Vivekananda

Purity, Patience & Perseverance are the three essentials to success, and above all Love !- Swami Vivekananda

Take the whole responsibility on your own shoulders, and know that you are the creator of your own destiny !- Swami Vivekananda

We are what our thoughts have made us, so take care about what you think.- Swami Vivekananda