Shri Ramakrishna Ashrama, Rajkot

Free Books : Life Of Swami Vivekananda

ભારતમાં પુનઃઆગમનઃ મહાપ્રયાણ તરફ

કેપ્ટન સેવિયરના ૨૮ ઓકટોબરે થયેલા અવસાનના સમાચાર બેલુરમઠમાં સાંભળતાં જ સ્વામી વિવેકાનંદ શ્રીમતી સેવિયરને આશ્વાસન આપવા માટે માયાવતી ગયા. ૩ જાન્યુઆરી, ૧૯૦૧ના રોજ ત્યાં પહોંચીને તેઓ એક પખવાડિયું ત્યાં રહ્યા. અદ્વૈતને વરેલા હિમાલયમાં આવેલા આ આશ્રમનાં ભવ્ય સૌંદર્યદર્શનોએ સ્વામીજીને આનંદમાં લાવી દીધા. પોતાની નાદુરસ્ત તબિયત હોવા છતાં પણ તેઓ જંગલોમાં અને કૃત્રિમ તળાવની આજુબાજુ આનંદ અને નિશ્ચિંતતાથી ફરતા રહેતા. બેલુરમઠમાં પાછા ફરીને તેઓ ત્યાં સાત અઠવાડિયાં રહ્યા અને પછી પૂર્વ અને આસામ તરફ રવાના થયા. ત્યાંનાં પવિત્ર સ્થળોની યાત્રા કરવાની પ્રબળ ઇચ્છા વ્યક્ત કરનાર તેમનાં માતુશ્રી તેમની સાથે ગયાં. તેમણે શ્રીમતી બુલને લખ્યું હતું : ‘હિંદુ વિધવાની આ એક મહાન ઇચ્છા છે. મેં તો મારાં સગાં પર દુ:ખકષ્ટ લાવી મૂક્યાં છે. હવે હું તેની આ એક ઇચ્છા પૂર્ણ કરવાનો પ્રયત્ન કરું છું.’ પોતાના પ્રવાસ દરમિયાન નાગલબંધ, કામાખ્યા અને શિલોંગની મુલાકાત લઈને તેમજ ઢાકા અને શિલોંગમાં થોડાં વ્યાખ્યાનો આપીને ૧૯૦૧ના મે મહિનાના બીજા અઠવાડિયામાં તેઓ મઠમાં પાછા ફર્યા.

મધુપ્રમેહ અને અસ્થમાના રોગથી પીડાતા સ્વામીજી ૧૨ મે, ૧૯૦૧ના રોજ મઠમાં પાછા ફર્યા. પોતાના સંન્યાસી ગુરુબંધુઓની હાર્દિક વિનંતીથી તેઓ આરામ માટે થોડો સમય મઠમાં રહ્યા. પરંતુ જીવનની છેલ્લી પળ સુધી એમને માટે આરામ સર્જાયો નહોતો. નવેમ્બર ૧૯૦૧માં શ્રીશ્રીમાની વિશેષ ઉપસ્થિતિમાં બધાં અનુષ્ઠાનો સાથે ભવ્ય રીતે દુર્ગાપૂજાનો ઉત્સવ એમણે ઉજવવાનો હતો. આ ઉત્સવે રૂઢિચુસ્ત લોકોના વર્તુળમાં એક પ્રતિષ્ઠા ઊભી કરી. એ જ વર્ષના ડિસેમ્બરમાં ઈંડિયન નેશનલ કોંગ્રેસનું સંમેલન કલકત્તામાં યોજાયું હતું. બાલગંગાધર તિલક અને મોહનદાસ કે. ગાંધી જેવા રાષ્ટ્રીય કક્ષાના કેટલાય વિશેષ નેતાઓ મઠમાં સ્વામીજીને મળવા આવ્યા હતા.

૧૯૦૧ના અંતે જપાનમાંથી બે વિદ્વાન બૌદ્ધો સ્વામીજીને ત્યાં મળનારી કોંગ્રેસ ઓફ રિલિજિયન્સમાં ભાગ લેવા આમંત્રણ આપવા આવ્યા. સ્વામીજી એમનું આમંત્રણ સ્વીકારી ન શક્યા પરંતુ તેમની સાથે બોધગયા અને ત્યાંથી વારાણસી ગયા. એમના સંદેશથી પ્રેરાઈને વારાણસીમાં કેટલાક યુવાનોએ ગરીબ અને જરૂરતમંદ લોકોની સેવાશુશ્રૂષા કરવાનો શરૂ કર્યું એ જોઈને એમને ઘણો આનંદ થયો. એમના આ કાર્યે ભવિષ્યના રામકૃષ્ણ મિશન હોમ ઑફ સર્વિસનું કેન્દ્ર રચી દીધું.

હવે સ્વામીજીએ મઠમાં નિશ્ચિંત જીવન જીવવાનો પ્રયત્ન કરવા લાગ્યા. તેઓ મઠનાં મેદાનોમાં ભમતા, ક્યારેક કોપિન વસ્ત્ર જ ધારણ કરતા; ક્યારેક રસોઈનું ઘ્યાન રાખતા; વળી ક્યારેક સંન્યાસીઓ સાથે બેસીને ભક્તિગીતો ગાતા. ક્યારેક જિજ્ઞાસુ મુલાકાતીઓને આઘ્યાત્મિક ઉપદેશ આપતા જોવા મળતા; તો વળી ક્યારેક મઠના અંતરંગ લોકોને પોતાના ખંડમાં ગંભીર વાચન કે શાસ્ત્રોના ગૂંચવણભર્યા ગદ્યખંડો સમજાવતા અને વળી ક્યારેક પોતાની ભાવિકાર્યયોજના તેમની સમક્ષ મૂકતા.ડીડ ઓફ ટ્રસ્ટ બનાવીને અને તેનો અમલ કરાવીને પોતાના નામે રહેલ બેલુરમઠ અને બીજી બધી સંપત્તિઓ પોતાના સંન્યાસી ગુરુબંધુઓની સત્તામાં રાખીને તેઓ બધી ઔપચારિકતાથી મુક્ત થયા.

બધા મુખ્ય ધર્મોનાં શિલ્પસ્થાપત્યના સંવાદના નજરે ચડતા પ્રતીક એવા શ્રીરામકૃષ્ણ મંદિરના ભાવિ આકારની રૂપરેખા પણ સ્વામીજીએ કરી હતી. ‘પૂર્વ અને પશ્ચિમની કલામાં જે કંઈ શ્રેષ્ઠ તત્ત્વ હોય એને આ ભાવિ મંદિર અને મઠના બાંધકામમાં લાવવાની મારી ઇચ્છા છે. વિશ્વભરના મારા બધા પ્રવાસો દરમિયાન મેં એકઠી કરેલ શિલ્પસ્થાપત્યની બધી સંકલ્પનાઓને આ મંદિર અને મઠના બાંધકામમાં મૂકવાનો હું પ્રયાસ કરીશ.’ એમ તેમણે કહ્યું હતું. એમના ગુરુબંધુ અને ભક્તજનોએ એમના આ મંદિરના બાંધકામના સ્વપ્નને પછીથી ખરેખર પૂર્ણ રીતે સાકાર કર્યું. સેરાસેનિક ઘુમ્મટ, ગોથિક હોલ, અજંતાની ગુફાઓ, ઇસ્લામી મિનારા, જયપુરના ટાવરની શૈલીના શિલ્પસ્થાપત્ય સાથે ગંગાના કિનારે આવેલું, વિશ્વની મુખ્ય સ્થાપત્ય શૈલીના સંવાદી પ્રતીક સમું, બેલુરમઠનું રામકૃષ્ણ મંદિર ભારતનું પ્રથમ મહાન ભારતીય મંદિર છે.

૧૯૦૨માં પોતાના અવસાનની સંઘ્યાએ સ્વામી વિવેકાનંદે દરિદ્રનારાયણોની સેવા દ્વારા પ્રભુ પૂજા કરીને વેદાંતના નવા ક્રિયાકર્મનું અનુષ્ઠાન કર્યું. મઠમાં કામ કરતા સાંથાલના આદિવાસી મજૂરોની સાથે પ્રેમ અને ઉષ્માથી તેઓ વાતો કરતા અને તેમને મઠમાં ભોજન લેવા માટે વિનંતી પણ કરતા. એમને રોટલી, કઢી, મિષ્ટાન્ન, દહીં વગેરે ભોજન પીરસાતાં હતાં તેનું એમણે નિરીક્ષણ કર્યું હતું. એમને પેટ ભરીને ભોજન કરાવ્યા પછી સ્વામીજીએ કહ્યું : ‘તમે નારાયણ છો, ઈશ્વરરૂપ છો. આજે મેં નારાયણોને ભોજન અર્પણ કર્યું છે.’ ભોજન પૂરું થયા પછી પોતાના શિષ્યને સ્વામીજીએ કહ્યું : ‘એમનામાં મેં મૂર્તિમંત સાચા પ્રભુને જોયા ! આવી સાદગી, સરળતા; આવો નિષ્ઠાવાળો, નિર્મળ પ્રેમ, મેં બીજે ક્યાંય જોયો નથી.’ મઠના સંન્યાસીઓ તરફ ફરીને તેમણે કહ્યું : ‘જુઓ, કેવા સહજ, સરળ છે તેઓ ! એમનાં થોડાં ઘણાં કષ્ટને તમે નિવારી શકો ખરા ? નહિ તો આ ભગવાં ધારણ કર્યે શું વળવાનું ?’ ગહન વિચારમાં ડૂબી જઈને જ્યારે શિષ્યે જોયું ત્યારે તેમણે અંતે આ શબ્દો ઉચ્ચાર્યા : ‘આટલાં બધાં તપજપ પછી મને એ સાચું સત્ય સમજાણું છે કે દરેક જીવમાં ઈશ્વર રહેલો છે; એ સિવાય બીજો કોઈ ઈશ્વર નથી. જે જીવની સેવા કરે છે તે જ પ્રભુની સેવાપૂજા કરે છે.’

અવારનવાર ગંભીર માંદગીના હુમલા આવવા છતાં પણ સ્વામીજીએ છેલ્લા થોડા મહિના બેલુર મઠમાં આનંદમાં ગાળ્યા. એમની વિદાયનો સમય જેમ જેમ નજીક આવતો ગયો તેમ તેમ તેમના શિષ્યો ‘હે મા, હે મા, હે મા ! શિવ, શિવ, શિવ !’ એવું રટણ કરતા તેમને સાંભળતા. પોતાના સંન્યાસીબંધુઓ, શિષ્યો અને કૂતરો, બકરી, હરણું, ગાય અને બતક જેવાં પાળેલાં મૂકપશુઓ સાથે તેઓ પોતાના દિવસો ગાળતા. તેઓ સર્વત્ર ઈશ્વરને જોતા. તેમના શબ્દોમાં પયગંબરી શક્તિ હતી. તેઓ દિવ્યતાને સંક્રાંત કરતા, અને ક્યારેક તો પોતાના ગુરુદેવની માફક સ્પર્શ, શબ્દ કે દૃષ્ટિ દ્વારા બીજાનું પરિવર્તન કરી દેતા.

પોતાની મહાસમાધિના એક વર્ષ પહેલાં ૧૯૦૧ની એક સવારે સમાધિભાવમાં તેઓ ઊભા હતા ત્યારે એમના આ શબ્દોએ મઠના પ્રાંગણમાં કેટલાય સંન્યાસીબંધુઓને અનુભૂતિની ઉચ્ચકક્ષાએ લાવી દીધા. ‘આ રહી બ્રહ્મની અનાચ્છાદિત ઉપસ્થિતિ... અરે ! અહીં બ્રહ્મ હસ્તામલકવત્ પ્રત્યક્ષ રહેલા છે. શું તમે એને જોતા નથી ? આ રહ્યા એ !’ ઘણા લાંબા સમય પછી તેઓ બધા બાહ્યભાનમાં આવ્યા.

પોતાના મૃત્યુ પહેલાંના બે માસ પૂર્વે બેલુરમાં એમના એક પ્રિય મિત્ર-શિષ્ય જોસેફાઈન મેક્લાઉડને તેમણે કહ્યું : ‘જે આઘ્યાત્મિક પ્રભાવ બેલુરમઠમાં આવ્યો છે તે ૧૫૦૦ વર્ષ સુધી ટકી રહેશે. તમે એમ ન માનતાં કે હું પરિકલ્પના કરું છું, પણ હું એને નજરે નિહાળું છું. અને આ ભૂમિ એ એક મહાવિશ્વવિદ્યાલય બનશે.’ તેમણે તેણીને એમ પણ કહ્યું હતું : ‘મેં મારો સંદેશ આપી દીધો છે અને હવે મારે જવું જોઈએ.’ જ્યારે શિષ્યાએ પૂછ્યું : ‘શા માટે જવું જોઈએ ?’ ત્યારે તેમણે કહ્યું : ‘મહાવૃક્ષનું અસ્તિત્વ નાનાં વૃક્ષોને ઊગવા વિકસવા દેતું નથી. મારે બીજાને જગ્યા કરી આપવા વિદાય લેવી જ પડશે.’ જીવનના છેલ્લા દિવસે પણ એમણે ઘણા હાસ્યવિનોદ સાથે નવયુવાન બ્રહ્મચારીઓને પાણિનિનું વ્યાકરણ ત્રણ કલાક સુધી શિખડાવ્યું. એ જ દિવસે બપોર પછી પોતાના ગુરુબંધુ સ્વામી પ્રેમાનંદ સાથે મઠમાં વેદ વિદ્યાલયની સ્થાપનાની વિગતવાર ચર્ચા કરી અને એમને વૈદિક સાહિત્યના ગ્રંથો મેળવવા વિનંતી પણ કરી હતી. ‘અંધશ્રદ્ધા અને વહેમોને મારી હઠાવવા’ મઠ વૈદિક શિક્ષણના કેન્દ્ર તરીકે ઊભરે તેમ તેઓ ઇચ્છતા હતા.

અંતિમ દિવસે તેમણે કહ્યું હતું : ‘જો બીજો વિવેકાનંદ હોત તો આ વિવેકાનંદે શું કર્યું છે તે જાણી શક્યો હોત. અને ભાઈ, એક સમયે કેટલા વિવેકાનંદ અવતરી શકે !’ અને એ જ સાંજે અંતે તેઓ ગહન ઘ્યાન દ્વારા પોતાની પ્રથમ મુલાકાત વખતે પોતાના ગુરુદેવને કહ્યા પ્રમાણે મહાસમાધિમાં લીન થઈ ગયા.

૪ જુલાઈ, ૧૯૦૨ના રોજ વિજયનાદ સાથે બધાએ એમને અગ્નિચિતા પર રાખ્યા. એ અગ્નિ-જ્વાળાની ઊર્જા આજેય ઝગમગે છે. જેમ એમના બાળપણના ગોઠિયાએ અનુભવ્યું તેમ આજે પણ જ્યારે કોઈ એમના મંદિર તરફ નજર નાખે છે ત્યારે આવી અનુભૂતિ કરે છે : ‘જુઓ, ગંગાના દક્ષિણ કિનારે આવેલા બેલુર તરફ જુઓ. તમારી જડમૂઢતાને ભેદનાર રણિંશગાના તુમુલઘ્વનિ આજેય ત્યાં છુપાયેલો છે. ભ્રમણાના અંધકારને વિખેરી નાખનાર દિવ્યતાના પ્રકાશનો પ્રસાર આજેય ત્યાં છે. જેમના સંગાથથી જેઓ વારંવાર કૃપાપાત્ર બન્યા તેઓ હજીયે ત્યાં જીવે છે અને ક્રિયાશીલ છે.. એમને છેલ્લી વખત નિહાળી લો. હિમાલયની તળેટીમાં બેસીને કોઈ હિમાલયની ભવ્યતાને વિસ્તારથી ન સમજી જાણી શકે... આવા હિમાલય સમા સર્વોકૃષ્ટ માનવનાં અતિ ગહન સૂક્ષ્મ પરિમાણોને સમજવા અનુભવવા તું બેલુરમઠે જા. અને ત્યાં વિચારોની સર્વોચ્ચ કક્ષાએ ઊભેલા એ મહામાનવ તરફ એક નજર નાખી જો.’

એમનું કાર્ય પૂર્ણ થયું. શ્રીરામકૃષ્ણના નરેન્દ્ર સપ્તર્ષિમાંના નરઋષિ, પોતાના મૂળ નિવાસસ્થાન સર્વોત્કૃષ્ટતા અનંતના ઘરમાં પાછા ફર્યા. એમણે પોતાનો ક્ષરદેહ ત્યજ્યો, પરંતુ દરેકે દરેકને એમના અમરત્વની ખાતરી કરાવતા, ૧૮૯૬માં લંડનમાં શ્રી એરિક હેમન્ડ સમક્ષ ઉચ્ચારેલા શબ્દો આ રહ્યા : ‘એવું બનશે કે હું આ મારા દેહને એક જીર્ણ વસ્ત્રની જેમ ફેંકી દઈશ. પણ હું કામ કરતો અટકવાનો નથી. જ્યાં સુધી આ સમગ્રવિશ્વ ઈશ્વર સાથે તાદાત્મ્ય ન સાધી લે ત્યાં સુધી હું સર્વત્ર માનવોને પ્રેરતો રહીશ.’

સ્વામીજીની મહત્ત્વની સિદ્ધિઓમાંની એક સિદ્ધિ એટલે હિંદુ સંન્યાસીની કાયાકલ્પ અને તેનું આધુનિકીકરણ. અગાઉ વર્ણવ્યું છે તેમ શ્રીરામકૃષ્ણની મહાસમાધિ પછી શ્રીઠાકુરના યુવાન ૧૪ શિષ્યો (પાછળથી બે વધુ જોડાયા હતા.) સ્વામી વિવેકાનંદના નેતૃત્વ હેઠળ રામકૃષ્ણ મઠના નામે એક સંન્યાસીભ્રાતૃસંઘ રચ્યો. એ ૧૬ સંન્યાસીઓનાં નામ આ છે : સ્વામી વિવેકાનંદ, સ્વામી બ્રહ્માનંદ, સ્વામી યોગાનંદ, સ્વામી પ્રેમાનંદ, સ્વામી નિરંજનાનંદ, સ્વામી શિવાનંદ, સ્વામી સારદાનંદ, સ્વામી રામકૃષ્ણાનંદ, સ્વામી અભેદાનંદ, સ્વામી અદ્‍ભુતાનંદ, સ્વામી તુરીયાનંદ, સ્વામી અદ્વૈતાનંદ, સ્વામી ત્રિગુણાતીતાનંદ, સ્વામી સુબોધાનંદ, સ્વામી અખંડાનંદ, સ્વામી વિજ્ઞાનાનંદ.

આમાંના દરેક શિષ્ય પોતાના માટે અને સમગ્રવિશ્વ માટે એક દિવ્ય પ્રકાશ રૂપ હતા. એમની પાસે આવનાર દરેકને શાંતિ અને સાંત્વના આપતો શ્રીરામકૃષ્ણનો સંદેશ પોતપોતાની રીતે આમાંના દરેકે ફેલાવવાનો હતો. પોતાના ગુરુબંધુઓ વિશે સ્વામી વિવેકાનંદે એક વખત તેના શિષ્ય શરત્ચંદ્ર ચક્રવર્તીને કહ્યું હતું : ‘શ્રીરામકૃષ્ણ એક અદ્‍ભુત માળી હતા. તેથી એમણે વિવિધ પુષ્પોની એક ટોપલી બનાવી અને તેનો સંઘ રચ્યો. જેમાં વિવિધ પ્રકારો અને વિચારો આવ્યા અને હજુ વધુને વધુ આવતા રહેશે. શ્રીરામકૃષ્ણ કહેતા : ‘જેમણે એક દિવસ માટે પણ ઈશ્વરને પૂર્ણનિષ્ઠાથી પ્રાર્થ્યા હશે તેમણે અહીં આવવું પડશે.’ અહીં જેટલા છે તે બધાને મહાન આઘ્યાત્મિક શક્તિ ગણજો... એમને કોઈ સામાન્ય આત્મા ન ગણતા. જ્યારે તેઓ બહાર જશે ત્યારે તેઓ લોકોમાં આઘ્યાત્મિક જાગૃતિનું કારણ બની રહેશે. એ બધાને અનંત ધર્મના આદર્શોને મૂર્તિમંત કરનાર શ્રીરામકૃષ્ણદેવના આઘ્યાત્મિક દેહનો અંશ ગણજો... તમે આખી દુનિયા ભલે ખૂંદી વળો પણ આવી આઘ્યાત્મિકતા અને ઈશ્વર પરની અટલ શ્રદ્ધાવાળા આવા માનવો તમને મળવા શક્ય નથી. તેમાંના દરેક આઘ્યાત્મિક શક્તિનું કેન્દ્ર છે અને સમય જતાં તે શક્તિ આવિર્ભૂત થશે.’ શ્રીરામકૃષ્ણના ગૃહસ્થ શિષ્યોએ પણ એમના સંદેશના પ્રસાર માટે અનન્ય પ્રદાન કર્યું છે. મહાન ભક્ત નાગમહાશય, શ્રીઠાકુરના ‘ચમત્કાર’ સમા નાટ્યકાર ગિરીશ; શ્રી ઠાકુર અને એના શિષ્યોને ભોજન અને દૈનિક જરૂરિયાતની વસ્તુઓ પૂરી પાડનાર બલરામ બોઝ અને સુરેન મિત્રા; શ્રીરામકૃષ્ણને ઈશ્વરના અવતાર ગણનાર અને એવો નિડર મને ઉપદેશ આપનાર રામચંદ્ર દત્ત; ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ના લેખક અને એમના ઉપદેશોના પ્રચારક શ્રી મહેન્દ્રનાથ ગુપ્ત - માસ્ટર મહાશય ‘શ્રી મ.’; સંપાદક દેવેન્દ્રનાથ મઝુમદાર; ‘શ્રીરામકૃષ્ણ પૂંથી’ના લેખક અક્ષયકુમાર સેન; શંભુ ચરણ મલ્લિક, અધરલાલ સેન, સુરેશચંદ્ર દત્ત, નવગોપાલ ઘોષ, હરમોહન મિત્ર, મણીન્દ્રકૃષ્ણ ગુપ્ત, ઉપેન્દ્રનાથ મુખોપાઘ્યાય, ચુનીલાલ બસુ, કાલીપદ ઘોષ, અને બીજા ઘણા ગૃહસ્થભક્તોએ પોતપોતાની રીતે પોતપોતાના વર્તુળમાં રહીને શ્રીરામકૃષ્ણદેવના જીવનસંદેશના મહાન ભાવઆંદોલનના મશાલચી બની રહ્યા અને શ્રીરામકૃષ્ણદેવ, શ્રીમા શારદાદેવી અને સ્વામી વિવેકાનંદના જીવનામૃતનું સૌ જિજ્ઞાસુ ભાવિકજનોને રસપાન કરાવતા રહ્યા.

ગોપાલની મા, ગોલાપમા, યોગિનમા, લક્ષ્મીદીદી અને ગૌરીમા જેવાં શ્રીરામકૃષ્ણના સ્ત્રીભક્તોએ પણ શ્રીરામકૃષ્ણ ભાવધારામાં શ્રીઠાકુર પ્રત્યેની અવિરત નિષ્ઠા સાથે ઘણું મહત્ત્વનું પ્રદાન કર્યું છે અને તેમણે શ્રીમા શારદાદેવીની સેવામાં રહીને તેમના વિશ્વમાંના જીવનકાર્યને પણ ઉપાડી લીધું હતું. એમના જીવનની પવિત્રતા એમણે શ્રી પ્રભુનાં શ્રીચરણકમળનો સ્પર્શ કર્યો હતો, એ વાતની શાખ પૂરે છે. આ ઉપરાંત જેમણે આમાંના કોઈપણ એક આઘ્યાત્મિક રીતે પરિવર્તિત થયેલા મહામાનવ દ્વારા શ્રીરામકૃષ્ણના પવિત્ર ભક્તિભાવનાથી ભીંજાયા હોય અને આ ભાવ આંદોલનના અંતરંગ બન્યા હોય એવા કેટલાંય અસંખ્ય નરનારીઓ છે.

You cannot believe in God until you believe in yourself.- Swami Vivekananda

A few heart-whole, sincere, and energetic men and women can do more in a year than a mob in a century.- Swami Vivekananda

Arise ! Awake ! And Stop Not Till the Goal is Reached.- Swami Vivekananda

All power is within you, you can do anything & everything !- Swami Vivekananda

To be good & to do good, that is the whole of religion.- Swami Vivekananda

Purity, Patience & Perseverance are the three essentials to success, and above all Love !- Swami Vivekananda

Take the whole responsibility on your own shoulders, and know that you are the creator of your own destiny !- Swami Vivekananda

We are what our thoughts have made us, so take care about what you think.- Swami Vivekananda