Shri Ramakrishna Ashrama, Rajkot

Free Books : Life Of Swami Vivekananda

બીજીવારની વિદેશ યાત્રા

સ્વામી તુરીયાનંદ અને ભગિની નિવેદિતાને સાથે લઈને સ્વામી વિવેકાનંદે ૨૦ જૂન, ૧૮૯૯ના રોજ ભારત છોડ્યું. એ બંને માટે સ્વામીજી સાથેની આ યાત્રા એક મહાન યાત્રા બની રહી. ભગિની નિવેદિતાએ લખ્યું છે : ‘આરંભથી અંત સુધી વિવિધ વાર્તાઓનો પ્રવાહ સતત વહેતો રહ્યો. કઈ પળે અંતપ્રેરણાનો ઝબકારો થશે અને ક્યારે તાજાં સત્યના ઉદ્‍ગારો રણકી ઊઠશે, એની કોઈને ક્યારેય ખબર ન પડતી. એ વિશ્વકોશ સમું મન -ઈસુ ખ્રિસ્ત, બુદ્ધ, શ્રીકૃષ્ણ, રામકૃષ્ણ, લોકગીત-ભજન, ભારત અને યુરોપનો ઇતિહાસ, હિંદુ સમાજનું પતન, અને તેની મહાનતાને પુન: મેળવવાની ખાતરી, વિવિધ દાર્શનિક અને ધાર્મિક પ્રણાલીઓ અને એવી ઘણીય બાબતો પરના બધા વિષયોને સ્પર્શી જતું. મદ્રાસ થઈને કોલંબોથી એડન અને ત્યાંથી માર્સેલ્સના માર્ગે વહાણ ૩૧મી જુલાઈના રોજ લંડન પહોંચ્યું. આ યાત્રા સ્વામીજીની તંદુરસ્તી માટે ખૂબ જ ઉપયોગી નીવડી.

અનેક કારણોને લીધે આ વખતે સ્વામીજીનું ઈંગ્લેન્ડમાંનું રોકાણ માત્ર બે સપ્તાહ જેટલું જ રહ્યું અને તેઓ ૧૭ ઓગસ્ટ, ૧૮૯૯ના રોજ દરિયાઈ માર્ગે અમેરિકા જવા ઉપડ્યા. ૨૮ ઓગસ્ટે તેઓ ન્યૂયોર્ક પહોંચ્યા. સ્વામી અભેદાનંદજીએ ત્યાં દૃઢ આધારશિલા પર વેદાંતની સ્થાપના કરી હતી એ જોઈને ઘણા રાજી થયા. ૭મી નવેમ્બરે ત્યાંના પ્રશંસકો અને મિત્રો દ્વારા એમનું જાહેર અભિવાદન થયું. એ વખતે છપાયેલાં સ્વામીજીનાં પુસ્તકો વાંચીને એમના પ્રસંશકોની સંખ્યા ઘણી વધી ગઈ હતી. પ્રતિકૂળ સમય અને એમની નાદુરસ્ત તબિયતને લીધે એમણે ન્યૂયોર્કમાં ઘણાં જાહેર વ્યાખ્યાનો ન આપ્યાં, પરંતુ એમણે પોતાનો મોટાભાગનો સમય રિઝલીમાં આરામમાં ગાળ્યો. તેઓ શ્રી અને શ્રીમતી લેગેટ સાથે એમના વતનમાં હડસન  નદીને કિનારે આવેલા રિઝલી મેનોરમાં ગયા હતા. રિઝલીમાં અને ન્યૂયોર્કમાં ત્રણેક માસ રહીને એમણે એકાએક પશ્ચિમ કિનારાના કેલિફોર્નિયામાં જવાનું નક્કી કર્યું. ૨૨મી નવેમ્બરે કેલિફોર્નિયા જવા નીકળ્યા, વચ્ચે રસ્તામાં એકાદ સપ્તાહ શિકાગોમાં રોકાયા હતા.  જો કે એમની તબિયત ઘણી ખરાબ રહેતી અને કાર્ય કરવાની ઉત્કટતા પણ ઘણી ઘટી ગઈ હતી, છતાં પણ લગભગ છ મહિના સુધી તેઓ સઘન ઉપદેશકાર્યમાં પ્રવૃત્ત રહ્યા. એક વખત તેઓ બોલવાનું શરૂ કરે કે થાકનો કોઈ સંકેત તેમનામાં જણાતો નહીં. અમેરિકન શિષ્ય બ્રહ્મચારી ગુરુદાસ લખે છે : ‘અન્ય લોકોથી ઘેરાયેલા એમને મેં થોડીક મિનિટ વ્યાસપીઠ પર ઊભેલા જોયા ત્યારે મારા મનમાંથી આ ઉદ્‍ગારો સરી પડ્યા : કેટલા ભવ્ય ! કેવી શક્તિ ! કેવું પુરુષાતન અને કેવું અદ્‍ભુત વ્યક્તિત્વ ! એમની નજીક ઊભેલ દરેક વ્યક્તિ એમની સરખામણીમાં સાવ સામાન્ય લાગતી. મારે માટે તો આ એક આઘાત જેવું હતું; મને ચમકાવી દે તેવું હતું. સ્વામીજી પાસે એવું શું હતું કે તેઓ આ વિલક્ષણતા બતાવી શક્યા ? શું એમનું ઊંચું કદ હતું ? ના, એમના કરતાંય વધુ ઊંચાઈવાળા કેટલાય સદ્‍ગૃહસ્થો ત્યાં હતા. શું એમનો બાંધો એવો હતો ? ના, એમની નજીક એવી વ્યક્તિઓ હતી કે તેઓ અમેરિકન પુરુષની સુંદર નમૂનેદાર દેહયષ્ટિ ધરાવતી હતી. શું તે એમની  પવિત્રતા હતી ? તે શું હતું ? હું એનું વિશ્લેષણ ન કરી શક્યો. ‘પુરુષોમાં સિંહ’ એવી ભગવાન બુદ્ધ વિશે કહેવાયેલી ઉક્તિ મને યાદ આવી ગઈ. મને લાગ્યું કે સ્વામીજીમાં એવી અસીમ શક્તિ  હતી કે જેથી તેઓ જો ઇચ્છા કરે તો સ્વર્ગ અને ધરતીને પણ હલાવી શકે. આવી હતી મારી એમના માટેની અત્યંત પ્રબળ અને અમીટ છાપ.’

પછીના જૂન મહિના સુધી સ્વામીજી પશ્ચિમ કિનારે ફરતા રહ્યા અને વિસ્તૃત સ્તરે વ્યાખ્યાનો આપ્યાં. આ પહેલાંની મુલાકાત દરમિયાન જે પશ્ચિમ કિનારાના પ્રદેશને છોડ્યો હતો તેને જાણે કે આ વખતે તેમણે વળતર આપી દીધું. આ સમયગાળા દરમિયાન એમનું કાર્ય અત્યંત પ્રભાવક અને મહત્ત્વનું બની રહ્યું. આ સમયગાળામાં એમનાં કેટલાંક સુખ્યાત વ્યાખ્યાનો જેવાં કે ‘કર્મ અને તેનું રહસ્ય’, ‘પયગંબર ઇસુ ખ્રિસ્ત’, ‘મનની શક્તિઓ’, એમણે આપ્યાં હતાં. લોસ એન્જેલસ, સાન્ફ્રાન્સિસ્કો, પાસાડેના, આલામેડા,ઓકલેન્ડ જેવાં શહેરોમાં ઘણો ઘણો ઉત્સાહ ઉદ્‍ભવ્યો હતો. દરિયાઈ યાત્રાથી સ્વામીજીની તંદુરસ્તી સુધરી હતી અને તેમણે અમેરિકાના લોકોને પોતાનો મહાન સંદેશ આપવા માટે પોતાનો પ્રાણ રેડી દીધો. હવે પૂર્વ અને પશ્ચિમે અરસપરસ સહાયક બનવું જોઈએ અને વધુ પ્રબળ બનવા માટે એકબીજાને સાથસહકાર આપવો જોઈએ, એવી સંકલ્પના એમનાં મન-હૃદયમાં વધુ પ્રબળ બની. ભૌતિકવાદી પશ્ચિમની પ્રતિભા એમને આંજી ન શકી અને ભારતની આઘ્યાત્મિકતાના મહત્ત્વને લીધે ભારતની સામાજિક અને આર્થિક ઊણપો એમનાથી છૂપી ન રહી શકી. તેમણે ભગિની નિવેદિતાને કહ્યું હતું : ‘પશ્ચિમમાં સામાજિક જીવન હાસ્યના પ્રચંડ નાદની નીચે રહેલ મહાઆક્રંદ સમું છે અને તે ડૂસકાંમાં શમે છે... જ્યારે અહીં ભારતમાં બાહ્ય સપાટી પર તે દુ:ખદ અને વિષાદભર્યું પણ ભીતર તો આનંદપૂર્ણ અને બેપરવાઈભર્યું છે. પશ્ચિમમાં પ્રકૃતિના બાહ્યરૂપને જીતવાનો પ્રયત્ન કર્યો છે, જ્યારે ભારતે ભીતરની પ્રકૃતિ પર વિજય મેળવવાનો પ્રયત્ન થયો છે. હવે પૂર્વ અને પશ્ચિમે પોતપોતાની વિલક્ષણતાઓનો નાશ કર્યા વિના એકબીજાના કલ્યાણ માટે અરસપરસ હાથમાં હાથ મિલાવીને કામ કરવું જોઈએ. પશ્ચિમે પૂર્વ પાસેથી ઘણું બધું શીખવાનું છે અને પૂર્વે પણ પશ્ચિમ પાસેથી ઘણું શીખવાનું છે. વાસ્તવિક રીતે આ બંને આદર્શોના સુયોગ્ય સંમિશ્રણથી ભાવિનું ઘડતર થવું જોઈએ; પછી પૂર્વ કે પશ્ચિમ નહીં રહે, રહેશે માત્ર માનવતા.’

એપ્રિલ ૧૯૦૦માં સ્વામીજીએ સાન્ફ્રાન્સિસ્કોમાં વેદાંત સેન્ટરની સ્થાપના કરી, આ ઉપરાંત લોસ એન્જલેસ, પાસાડેના, ઓકલેન્ડ, આલામેડા વગેરે સ્થળે અભ્યાસવર્તુળો સ્થાપ્યાં. એમના સંનિષ્ઠ સેવક જેવા શીઘ્રરલિપિક ગુડવિન ન હોવાને લીધે એમના ઘણાં વકતવ્યોની નોંધ જળવાઈ નથી. પેરિસ એકઝબિશન ઓફ સપ્ટેમ્બર, ૧૯૦૦ની ‘કોંગ્રેસ ઓફ ધ હિસ્ટ્રી ઓફ રિલિજિયન્સ’માં ભાગ લેવા માટે આમંત્રણ મળતાં સ્વામીજી ૩૦મી મેએ કેલિફોર્નિયાથી ન્યૂયોર્ક જવા નીકળ્યા. અહીંના પશ્ચિમ કિનારાનું કામ સ્વામી તુરીયાનંદજીને સોંપી દીધું; તેઓને સાન્એન્ટોન વેલી, કેલિફોર્નિયાના ૧૬૦ એકરના પર્વતીય પ્રદેશમાં શાંતિ આશ્રમની સ્થાપના કરવા માટે ખાસ બોલાવવામાં આવ્યા હતા. પોતાના પુસ્તક ‘કર્મયોગ’ની નવી આવૃત્તિ અને ‘જ્ઞાનયોગ’ પરનાં એમણે લંડનમાં આપેલાં વ્યાખ્યાનો પરના પુસ્તકપ્રકાશન માટે સ્વામીજીએ દોઢ મહિનો ન્યૂયોર્કમાં ગાળ્યો. ૨૬ જુલાઈ, ૧૯૦૦ના રોજ તેઓ પેરિસ જવા નીકળ્યા.

૧લી ઓગસ્ટ, ૧૯૦૦ના રોજ સ્વામીજી પેરિસ પહોંચ્યા. વૈશ્વિક પ્રદર્શન નિમિત્તે મળેલી કોંગ્રેસ ઑફ હિસ્ટ્રી ઓફ રિલિજિયન્સમાં ભાગ લીધો. જુલેસ બોય્સ, શ્રી અને શ્રીમતી લોયસન, સુખ્યાત ઓપેરા ગાયક માદામ કાલ્વે અને કુમારી જોસેફાઈન મેક્લાઉડ  જેવાં કેટલાંક સન્મિત્રો અને શિષ્યો સાથે સ્વામીજી ઓકટોબરમાં પેરિસથી નીકળ્યા અને કોન્સ્ટન્ટીનોપલ પહોંચતાં પહેલાં તેમણે હંગેરી, રોમાનિયા, સર્બિયા અને બલ્ગેરિયાની મુલાકાત લીધી હતી. ત્યારપછી તેઓ એથેન્સ અને કેરો ગયા. ત્યાંથી વહેલાંમાં વહેલું પ્રાપ્ય વહાણ પકડીને તેઓ ભારત પાછા ફર્યા, અને કોઈપણ જાતની પૂર્વ સૂચના વિના ૯ ડિસેમ્બર, ૧૯૦૦ના રોજ બેલુર મઠ પહોંચ્યા. એમના ગુરુબંધુઓ અને શિષ્યો માટે આ સુખદ આશ્ચર્ય હતું અને તેમના પાછા ફરવાથી તેમણે સૌએ ઘણો આનંદ અનુભવ્યો.

You cannot believe in God until you believe in yourself.- Swami Vivekananda

A few heart-whole, sincere, and energetic men and women can do more in a year than a mob in a century.- Swami Vivekananda

Arise ! Awake ! And Stop Not Till the Goal is Reached.- Swami Vivekananda

All power is within you, you can do anything & everything !- Swami Vivekananda

To be good & to do good, that is the whole of religion.- Swami Vivekananda

Purity, Patience & Perseverance are the three essentials to success, and above all Love !- Swami Vivekananda

Take the whole responsibility on your own shoulders, and know that you are the creator of your own destiny !- Swami Vivekananda

We are what our thoughts have made us, so take care about what you think.- Swami Vivekananda