Shri Ramakrishna Ashrama, Rajkot

Free Books : Life Of Swami Vivekananda

બેલુર મઠની સ્થાપના

૧૮ ઑકટોબર, ૧૮૯૮ના રોજ સ્વામીજી અને એના સહસાથીઓ કલકત્તા પાછા ફર્યા. પશ્ચિમના નિકટના મિત્રો ને શિષ્યોની વિનંતીને લીધે સ્વામીજી વળી પાછા યુરોપની બીજી યાત્રાએ નીકળવાનું વિચારતા હતા. શ્રીરામકૃષ્ણદેવની મહાસમાધિ પછીના દિવસોથી જ્યાં શ્રીઠાકુરનો અસ્થિકુંભ રાખી શકાય અને જ્યાં એમના સંન્યાસીસંતાનો એક સમૂહમાં રહી શકે તેવા મઠની સ્થાપના કરવા માટે સ્વામીજીની પ્રબળ ઇચ્છા  હતી. પરંતુ એ સમયે પૂરતા નાણાં અને લોકોના સહકારનો અભાવ આ કાર્યની પૂર્તિ માટે અડચણરૂપ બની રહ્યાં. એટલે શ્રીઠાકુરના અસ્થિકુંભને પ્રથમ વરાહનગર પછી, આલામબાઝાર અને છેલ્લે બેલુરના નિલાંબરબાબુના મકાનમાં રાખવામાં આવ્યો હતો. સમય પૂરતાં એ સ્થળો મઠ જ બની  રહ્યા અને ત્યાં આ સંન્યાસીવૃંદ રહેતું. જ્યારે મોટાભાગના સંન્યાસીઓ સુદીર્ઘકાળ સુધી પરિવ્રાજક રૂપે બહાર જતા ત્યારે સ્વામી રામકૃષ્ણાનંદ શ્રીઠાકુરના અસ્થિકુંભની સાથે રહ્યા અને મઠના સાતત્યને જાળવી રાખ્યું.

હવે શ્રીઠાકુરના અસ્થિકુંભના કાયમી સ્થાનની સ્વામીજીની સુદીર્ઘકાળની તીવ્રઇચ્છા પૂર્ણ થવાની હતી. માર્ચ ૧૮૯૮માં તેઓ બેલુરમાં ગંગાના કિનારે એક છેડે આવેલ સાત એકર કરતાં વધુ જમીનનો એક ટુકડો રૂપિયા ૩૯ હજારની કિંમતે ખરીદી શકયા. આ રકમ સ્વામીજીના અંગ્રેજ સંનિષ્ઠ ભક્ત કુમારી એફ. હેનરીટા મૂલરે દાનમાં આપી હતી. શ્રીમતી ઑલીબુલે બેલુરમઠનાં મકાનોનાં બાંધકામ માટે જરૂરી આર્થિક સહાય આપી હતી અને મઠના સંચાલન માટે અન્ય નિભાવ ખર્ચ માટે પણ એમણે સારી એવી રકમ દાનમાં આપી હતી. પરંતુ એ પહેલાં સ્વામીજીના જીવનમાં એક ઘણી મહત્ત્વની ઘટના ઘટી. એ ઘટના હતી ૯ ડિસેમ્બર, ૧૮૯૮ના રોજ નવા અને કાયમી રામકૃષ્ણ મઠના પ્રતિષ્ઠા મહોત્સવની. એ દિવસે શ્રીરામકૃષ્ણના અસ્થિકુંભની પ્રતિષ્ઠાપૂજા સ્વામીજીએ પોતે કરી અને ત્યાર પછી એ અસ્થિકુંભને શોભાયાત્રા દ્વારા નવા મઠમાં લાવવામાં આવ્યો. આ શોભાયાત્રામાં સૌથી મોખરે રહીને પોતાના જમણા ખભા પર અસ્થિકુંભને ઊંચકીને સ્વામીજી આગળ આગળ ચાલતા હતા. સ્વામીજીએ આ આચરણને પોતાના એક શિષ્યને આ રીતે સમજાવ્યું હતું : ‘શ્રીઠાકુરે મને એક વખત કહ્યું હતું, તમે તમારા ખભે મને ઊંચકીને જ્યાં જ્યાં લઈ જવા રાજી હશો, ત્યાં ત્યાં હું જઈશ અને રહીશ, પછી ભલે એ સ્થાન વૃક્ષતળ હોય કે સામાન્ય ઝૂંપડી. એક કૃપામય વચનમાં શ્રદ્ધા રાખીને હું પોતે જ આજે એમને આપના ભાવિ મઠના સ્થળે લઈ જઉં છું. વત્સ, આટલું ચોક્કસ જાણજે કે જ્યાં સુધી એમનાં પવિત્રતાના, સંતત્વના અને બધા માણસો પ્રત્યેના પ્રેમભાવના આદર્શ સાથે એમનું નામ એમના અનુયાયીઓને પ્રેરતું રહે છે, ત્યાં સુધી શ્રીઠાકુર પોતે જ પોતાની પુનિત ઉપસ્થિતિથી આ સ્થળને પાવન કરતા રહેશે.’ તેમણે પોતે જ પૂજાવિધિ કર્યો, પાયસ રાંઘ્યું અને તેને નૈવેદ્ય રૂપે શ્રીઠાકુરને અર્પણ કર્યું, અને વીરજાહોમનો પવિત્ર અગ્નિ પ્રગટાવ્યો. આ પ્રતિષ્ઠા મહોત્સવના અંતે ત્યાં એકઠા થયેલા શ્રોતાઓને સંબોધતાં એમણે કહ્યું : ‘ભાઈઓ, તમે સૌ  તમારા પૂર્ણ હૃદય અને પ્રાણ સાથે પ્રભુને પ્રાર્થના કરો કે તેઓ, આ યુગના દિવ્ય અવતાર (શ્રીઠાકુર) પોતાની આ સ્થળે સદૈવ પોતાની પુનિત ઉપસ્થિતિથી અહીં અમીવૃષ્ટિ કરતા રહે; અને સર્વના કલ્યાણ માટે સર્વની સુખાકારી માટે આ સ્થળ બધા ધર્મ અને સંપ્રદાયના સુભગ મિલન સમું એક અનન્ય કેન્દ્ર અને પુણ્યભૂમિ બની રહે.’ 

ત્યાર પછી સ્વામીજીએ એક શિષ્યને આમ કહ્યું હતું : ‘પ્રભુની કૃપાથી જ આજે આ ધર્મક્ષેત્રની સ્થાપના થઈ છે. છેલ્લાં બાર બાર વર્ષથી જેનું હું વહન કરી રહ્યો હતો. એ જવાબદારીના ભારથી હું આજે મને મુક્ત થયેલો અનુભવું છું. હવે એક નવું સ્વપ્ન મારા મનમાં ઉદ્‍ભવે છે, આ મઠ જ્ઞાનનું અને આઘ્યાત્મિક સાધનાનું મહાકેન્દ્ર બનશે. પવિત્ર હૃદયના સદ્‍ગૃહસ્થો આ ભૂમિ પર પોતાને હાથે ધર્મના ભાવિ વિશ્વવિદ્યાલયનાં  ભવનો રચશે અને અહીં આ કેન્દ્રમાં સંન્યાસીઓ સાથે રહેશે.  શ્રીઠાકુરના અનુયાયીઓ ઈંગ્લેન્ડ અને અમેરિકાથી અહીં આવશે અને તેમને પોતાનું નિવાસસ્થાન બનાવશે.’ શિષ્ય તરફ ફરીને વિજયી અદાથી તેમણે શિષ્યને પૂછ્યું : ‘તું આ વિશે શું ધારે છે ?’, શું ‘આ સૌથી વધુ ભવ્ય તરંગી સ્વપ્ન’ ખરેખર વાસ્તવિક સ્વરૂપ ધારણ કરશે કે નહીં એમ કહીને શિષ્યે વિનમ્રતાપૂર્વક પોતાની શંકા વ્યક્ત કરી. સ્વામીજી મોટેથી બોલી ઊઠ્યા : ‘શું આને તરંગી સ્વપ્ન કહો છો ! અરે, અલ્પશ્રદ્ધાવાળા, મારી વાત સાંભળ. સમય આવ્યે મારી અપેક્ષાઓ પૂર્ણ થશે. હું તો આજે માત્ર એનો પાયો નાખું છું. મહાન બાબતો તો હવે પછીથી થશે. હું તો મારા ભાગે આવેલા મહાકાર્યને કરીશ. અને હું તમારામાં એ બધા ભિન્ન ભિન્ન વિચારો રેડીશ, એ બધાને તમારે ભવિષ્યમાં અમલમાં મૂકવાના રહેશે. ધર્મના સર્વોત્કૃષ્ટ સિદ્ધાંતો અને આદર્શોનો માત્ર અભ્યાસ કરવાનો કે તેમને પૂરે પૂરા સમજવા એ જ મહત્ત્વનું નથી, પરંતુ તેને જીવનના આચરણમાં મૂકવા જોઈએ. તમે સમજ્યા ?’ ઉપર્યુક્ત પ્રતિષ્ઠાના દિવસ એટલે ૯મી ડિસેમ્બરથી થોડા સંન્યાસીઓ નવા મઠના સ્થાને રહેવા લાગ્યા; પરંતુ ૨જી જાન્યુઆરી, ૧૮૯૮ના રોજ નિલાંબર મુખરજીના ઉદ્યાનગૃહમાંથી સમગ્રમઠ સ્થાનાંતરિત થયો; એ સમયે મઠનું બાંધકામ ચાલુ હતું. આ સમય ગાળામાં સ્વામીજી મઠમાં સંન્યાસીઓ અને બ્રહ્મચારીઓને સતતપણે ગહન આઘ્યાત્મિકતા અને ગંભીરભાવે સેવા, - ‘આત્માનો મોક્ષાર્થંમ્ જગત્ હિતાય ચ’ના પોતે આપેલા એ આદર્શ તરફ વાળતા હતા.

હિમાચ્છાદિત હિમાલય પર્વતમાળામાં સાત હજાર ફૂટની ઊંચાઈએ આવેલા માયાવતીમાં એક અદ્‍ભુત સુંદર અને વિશાળ અદ્વૈત આશ્રમની સ્થાપના માર્ચ ૧૮૯૯માં થઈ હતી. પશ્ચિમના શિષ્યોને એમને અનુકૂળ વાતાવરણ મળી રહે અને તેમની વેદાંતિક સત્યોની સાધના અને અદ્વૈત વેદાંતની સાધના માટે, સ્વામીજીના માર્ગદર્શન હેઠળ એમના બે અંગ્રેજ સંનિષ્ઠ ભક્તો કેપ્ટન અને શ્રીમતી સેવિયરે આ આશ્રમની સ્થાપના કરી હતી.

પરંતુ સ્વામીજીની તબિયત લથડતી જતી હતી. તેમની તંદુરસ્તી સુધરવાની અપેક્ષાએ એમના સંન્યાસી ગુરુબંધુઓએ સ્વામીજીની પશ્ચિમની પુન:યાત્રાની યોજનાને આવકારી. ૧૯ જૂન, પશ્ચિમમાં જતી વખતે પોતાની વિદાય પહેલાં સ્વામીજીએ એક આગઝરતી વાણીમાં ‘સંન્યાસ : તેનો આદર્શ અને આચરણ’ વિશે વકતવ્ય આપ્યું હતું. એ વકતવ્યમાં તેમણે ભારપૂર્વક કહ્યું હતું : ‘સંન્યાસીએ મૃત્યુને ચાહવાનું છે; એટલે કે તેણે વિશ્વના કલ્યાણ માટે પોતાના જીવનને સમર્પણ ભાવે જીવવાનું છે. ત્યારે જ એમનાં બધાં કાર્યો નિ:સ્વાર્થભાવે, બીજાંના કલ્યાણ અર્થે થશે... તમારે તમારા જીવનમાં અસીમ આદર્શવાદને વ્યવહારુ આચરણ સાથે જોડવા અમાપ પ્રયત્ન કરવો પડશે. તમારે આ પળે જ ગહન ઘ્યાનમાં જવા તૈયાર રહેવું પડશે અને બીજી જ પળે તમારે (મઠના ઘાસના મેદાન તરફ આંગળી ચીંધીને) આ ખેતરોમાં જઈને તેમને ખેડવા પણ તૈયાર રહેવું પડશે. તમારે આ ઘડીએ શાસ્ત્રોની ગૂંચવણોને સમજાવવા તૈયાર રહેવું પડશે અને બીજી જ ઘડીએ બજારમાં જઈને ખેતપેદાશોને વેચવાનું કાર્ય પણ કરવું પડશે.’ તેમણે યાદ રાખવું જોઈએ કે મઠનો કે સંન્યાસનો આદર્શ માનવઘડતર કરવાનો છે. તેઓ પોતે ઋષિ બનવા જોઈએ. ‘સાચો માનવ એ છે કે જે વજ્ર સમો બળવાન છે છતાંય એક નારીનું હૃદય ધરાવે છે.’ તેમને સંઘ પ્રત્યે ઊંડાં માન આદર હોવાં જોઈએ અને તેઓ આજ્ઞાંકિત હોવા જોઈએ.’ સંન્યાસીઓને આવી અંતિમ સલાહ-સૂચના આપીને એક વત્સલ પિતા પોતાનાં સંતાનો પ્રત્યે પ્રેમભરી નજર કરે તેવી રીતે તેમના તરફ પ્રેમથી જોયું અને તેમને આશીર્વાદ આપ્યા.

You cannot believe in God until you believe in yourself.- Swami Vivekananda

A few heart-whole, sincere, and energetic men and women can do more in a year than a mob in a century.- Swami Vivekananda

Arise ! Awake ! And Stop Not Till the Goal is Reached.- Swami Vivekananda

All power is within you, you can do anything & everything !- Swami Vivekananda

To be good & to do good, that is the whole of religion.- Swami Vivekananda

Purity, Patience & Perseverance are the three essentials to success, and above all Love !- Swami Vivekananda

Take the whole responsibility on your own shoulders, and know that you are the creator of your own destiny !- Swami Vivekananda

We are what our thoughts have made us, so take care about what you think.- Swami Vivekananda