Shri Ramakrishna Ashrama, Rajkot

Free Books : Life Of Swami Vivekananda

સ્વામીજીનો ભારતને સંદેશ

પશ્ચિમના પોતાના સફળ જીવનકાર્ય પછી સ્વામીજીનું ભારતમાં પુન: આગમન અને એને લીધે જે અદ્‍ભુત ઉત્સાહ ઉદ્‍ભવ્યો તે ભારતના સુદીર્ઘ ઇતિહાસની અનન્ય ઘટનાઓ હતી. હજાર વર્ષ સુધી ભારત વિદેશી આક્રમણો અને વિદેશી શાસનનો ભોગ બન્યું. આમાંનું છેલ્લું પણ સૌથી વધારે પણ સૌથી વધારે મહત્ત્વનું શાસન એટલે બ્રિટિશોનું ભારત પરનું આધિપત્ય. સદીઓથી મોટી લશ્કરી અદમ્ય તાકાત ગણાતા સૈન્યબળને, દૂર દૂર સાગર પારથી આવેલ વ્યાપારીઓના એક સમૂહે પોતાના નાના સૈન્યબળથી હરાવી દીધું. એણે અહીં કાર્યકુશળ, કાયદાના સુશાસનવાળી સરકારની સ્થાપના કરીને ભારતના સામાન્ય જનસમૂહ પર તેમજ સુશિક્ષિત લોકો પર આશ્ચર્યકારક પ્રભાવ પાડ્યો. આ ઉપરાંત આ નવા વિજેતાઓનાં ભાષા અને સંસ્કૃતિ સાથેના સુપરિચયથી આ દેશના સુશિક્ષિત બુદ્ધિધન પર પોતાની સ્થાનિક પરિસ્થિતિઓ કરતાં એણે વધુ ચડિયાતાપણા અને સારાપણાનો પ્રભાવ પાડ્યો. તેમનાં વિચારો, રીતભાત અને પોતાની પરિસ્થિતિ વચ્ચે એમને સંઘર્ષમય અવસ્થામાં મૂકી દીધા. એના પરિણામે સાંસ્કૃતિક શરણાગતિ અને અત્યંત તુચ્છ આંધળા અનુકરણની ભાવના તેમજ ભારતના ભૂતકાળ પ્રત્યે નિંદા-તિરસ્કારનો પૂર્ણ નિંદાનો ભાવ ઉદ્‍ભવ્યાં. સાંસ્કૃતિક મૃત્યુ તરફ દોરી જતા અને સાંસ્કૃતિક અધ:પતનના સમયકાળના સંકેતો સપાટી પર આવવા લાગ્યા.

સ્વામી વિવેકાનંદનું વિશ્વ રંગમંચ પરનું આગમન એ ભારત માટે બ્રિટિશ શાસન પહેલાં અને પછીથી આવેલી મૂઢતા અને જડતામાંથી પોતાની એક રાષ્ટ્ર કે પ્રજારૂપે ઓળખાણની જાણ અને તેનું બાંધવ રાષ્ટ્રોમાં મહત્ત્વ એ વિશેની જાગૃતિના પ્રથમ સંકેત રૂપ બની રહ્યું. ભારતના આઘ્યાત્મિકતાના સંદેશના કુશળ વ્યાખ્યાતારૂપે સ્વામીજીને પશ્ચિમમાં મળેલી ભવ્ય સફળતા ભારતીય સંસ્કૃતિના દ્રોહકો માટે આઘાતક તેમજ તેના સિદ્ધાંત પ્રણેતાનું, સમૂળું પરિવર્તન કરનાર ઉદ્દીપન જેવી બની રહી. એ સમયે સમગ્રવિશ્વ પર પ્રભુત્વ ધરાવતી જાતિઓ વચ્ચે જઈને એમના પર પ્રમાણિત વ્યાખ્યાતા રૂપે ભારતીય સંસ્કૃતિના જ્યોર્તિધર બનીને એમણે એ સાબિત કર્યું કે ભારતની સંસ્કૃતિનો વિનાશ તો દૂરની વાત રહી પણ તે વધુ ને વધુ ચૈતન્ય સાથે જીવનારી સંસ્કૃતિ છે. એને પરિણામે રાષ્ટ્રીય સ્વમાનની ભાવનામાં ફરીથી પ્રાણ ફુંકાયો.

તદુપરાંત સ્વામીજીમાં સમગ્રદેશે પોતાનો એક સર્વસામાન્ય નેતા, ધર્મ કે ભાષાના ભેદથી પર એમનો પોતાનો માણસ જોયો. તેમણે એમનાં આદર્શો અને અપેક્ષાઓને રજૂ કર્યાં. અને તેથી જ ભારતે કદી ન જોયેલ, ન અનુભવેલ ભવ્ય અભિવાદનો કરવામાં સમગ્રદેશ જોડાઈ ગયો. આ અભિવાદન સમારોહે એક સમૂહ આંદોલનનું સ્વરૂપ લીધું. એમની કોલંબોથી આલમોડા સુધીની યાત્રા માત્ર કોઈ ધર્મપુરુષના સ્વાગત સમારોહો પૂરતી ન બની, પણ તે ભારતના પુનરુત્થાનને રજૂ કરતા વિજયકૂચ સમી બની રહી. બ્રિટિશ હકુમતની સ્થાપના પછી એ ભારતમાં રાષ્ટ્રભાવના જુસ્સાની પ્રથમ જાગૃતિ હતી. આ જાગૃતિ અનેક સફળ સોપાનો દ્વારા આપણને ૧૯૪૭ના સ્વાતંત્ર્ય સુધી દોરી ગઈ. સ્વામીજીએ પોતાની કોલંબોથી માંડીને ઉત્તર ભારત સુધીની યાત્રા દરમિયાન એમણે આપેલાં વ્યાખ્યાનો ‘ભારતમાં આપેલાં ભાષણો’માં ગ્રંથસ્થ થયાં છે. આ ગ્રંથ સ્વદેશ ભાવનાની પ્રેરણાના સ્રોત રૂપ અને રાષ્ટ્રના મહાન આઘ્યાત્મિક આદર્શોને ઝંકૃત કરનારો છે.

આ સંભાષણોમાં એમણે ભારતીય લોકોને પોતાના સામાજિક અને સાંસ્કૃતિક ભૂતકાળને તુચ્છ ન ગણવા તેમજ પશ્ચિમનું આંધળું અનુકરણ ન કરવાની ભારપૂર્વક હિમાયત કરી છે; એ માર્ગ તો ચોક્કસપણે અધ:પતનનો માર્ગ છે. તેમણે માત્ર ભૂતકાળ પર જ ભાર મૂકવાનો નથી અને આગેકદમ માંડવામાં ઇન્કાર પણ કરવાનો નથી; એ તો સ્થગિતતા અને અધ:પતનનો માર્ગ છે. ભારતને ભવ્યોજ્જ્વલ વારસો છે, સદીઓ સુધી તે ધર્મ અને દર્શનશાસ્ત્રમાં વિશ્વનો ગુરુ રહ્યો છે. આ બાબતમાં આજે પણ તે પોતાની આવી જ બુદ્ધિપ્રતિભા ધરાવે છે.

 આઘ્યાત્મિકતાનું પુન:જાગરણ કે સ્થાપન ભારતમાં સાંસ્કૃતિક અને રાજકીય જીવનની પૂર્વપીઠિકા રહ્યાં છે; કારણ કે, આઘ્યાત્મિકતા એ ભારતનો આત્મા છે. આઘ્યાત્મિકતાની પ્રગતિ એ તેની મહાનતાનો ચોક્કસ પથ રહ્યો છે અને તેનું ધોવાણ એ રાષ્ટ્રીય આપઘાતનો પથ છે.

વિશ્વ ઇતિહાસના અભ્યાસથી સ્વામીજીએ રાષ્ટ્રોના સ્થાયીપણાનો નવો સિદ્ધાંત પ્રસ્થાપિત કર્યો હતો. પોતાનો વિનાશ કરનારી બધી આપત્તિઓ-વિપત્તિઓ છતાં ભારતની આજ સુધી ટકી રહેવાની વાતને સમજાવવા એમણે એ સિદ્ધાંતનો ઉપયોગ કર્યો છે. તેમણે કહ્યું છે કે માનવ ઇતિહાસ એ બતાવે છે કે દરેક રાષ્ટ્રે પોતાની પસંદગીના ક્ષેત્રમાં માનવજાતના સામાન્ય ઉત્કર્ષ માટે કંઈક પ્રદાન કરવું જ જોઈએ. અને આ પ્રદાન જ્યારે થંભી જાય છે ત્યારે તે રાષ્ટ્રને લૂણો લાગે છે અને અંતે વિનાશ પામે છે. પ્રકૃતિ એવા રાષ્ટ્રને ભૂંસી નાખે છે અને તેનાથી વધારે પ્રબળ તેમજ યુવા જાતિઓને એ મહત્ત્વનો ભાગ ભજવવા માર્ગ કરી આપે છે; કારણ કે પોતાના યંત્રના ક્ષીણ ભાગને દૂર કરીને બીજા સારા ભાગને સારી રીતે કામ  કરવા દેવું એ પ્રકૃતિનો નિયમ કે અભ્યાસ છે. આમ ભૂતકાળમાં ઇજિપ્શ્યન, બેબીલોનિયન, પર્સિયન, ગ્રીક, રોમન વગેરે મહાન પ્રજાઓ હતી. એમની સંસ્કૃતિઓ તત્કાલીન સમયમાં ભારતની સંસ્કૃતિ જેવી જ હતી. પરંતુ આ બધાં આજે ધરતી પરથી અદૃશ્ય થઈ ગયાં છે અને જે પ્રદેશો કે રાષ્ટ્રો સમૃદ્ધ બન્યાં હતાં તે બધા પ્રદેશોના પ્રાચીન લોકો સાથે કશુંય સાંસ્કૃતિક કે રાષ્ટ્રીય ઇતિહાસનું સાતત્ય ન ધરાવતા લોકોના હાથમાં તેઓ આવી ગયાં છે. સ્વામી વિવેકાનંદની દૃષ્ટિએ તેનું કારણ એ છે કે તેઓ પોતાના રાષ્ટ્રીય ઘ્યેય કે હેતુને પરિપૂર્ણ કરવામાં નિષ્ફળ નીવડ્યા હતા. એમનાં ઘ્યેય મોટેભાગે રાજનૈતિક, સામાજિક કે લશ્કરી જેવાં હતાં. પોતાના અદ્‍ભુત પ્રબળ રાષ્ટ્રીય જીવનના અલ્પકાળ પછી તેમણે પોતાને મહાન બનાવનાર આદર્શ કે બાબત પરની પકડ ગુમાવી અને પરિણામે ધીમે ધીમે તેઓ ઘસાવા લાગ્યા અને અંતે તેનાથી વધારે પ્રબળ શક્તિવાળાના હાથે તેમનો વિનાશ થયો.

પોતાના સમગ્ર ઇતિહાસકાળમાં ભારતવર્ષ એક અનન્ય રાષ્ટ્રીય લક્ષ્ય ધરાવતું હતું. આના પ્રારંભો ક્યારે થયા તેનો અંદાજ મેળવવો એ અલ્પશક્તિવાળા માનવીની શક્તિની બહારની વાત છે. ભારતનું આ અનન્ય અને વિશિષ્ટ લક્ષ્ય હતું એની આઘ્યાત્મિકતા. એનો અર્થ એ થાય છે કે આપણે એટલે કે ભારતવાસીઓએ એવી જીવનરીતિઓ અપનાવવી કે જેનાથી પરમસત્ય, પોતાની ભીતર રહેલ આત્મા કે ઈશ્વરની અનુભૂતિ આ નશ્વર દેહે પણ કરી શકાય. ભારત પર પોતાના સમગ્રઇતિહાસકાળમાં અનેક વિદેશી પ્રજાઓના ભયંકર આક્રમણો અને વિદેશી જુલમી શાસનો આવવા છતાં આવી વિલક્ષણ આઘ્યાત્મિક અંતર્દૃષ્ટિવાળા મહામાનવો ભારત વિશ્વને સદૈવ આપતું રહ્યું છે. એમણે આ અનન્ય આઘ્યાત્મિક દિવ્યપ્રકાશ અને દિવ્યજ્ઞાન વિશ્વનાં રાષ્ટ્રો સમક્ષ મૂક્યું છે એવું ચોથું  આંદોલન મોજું આ દેશમાંથી આવ્યું છે.

આજે પણ ભારત આ ક્ષમતા ધરાવે છે, ભારતભરની અંગ્રેજી હકુમતના પ્રારંભકાળમાં જ્યારે પશ્ચિમના વિજેતાઓને લીધે આપણી આઘ્યાત્મિક સંસ્કૃતિ ભયમાં આવી ગઈ ત્યારે સર્વોત્કૃષ્ટ આઘ્યાત્મિક મહાપુરુષોમાંના એક એવા શ્રીરામકૃષ્ણનો આવિર્ભાવ થયો. આવી રીતે રાજકીય ગુલામી અને આર્થિક કંગાલિયત હોવા છતાં પણ ભારતે પોતાના રાષ્ટ્રને ધબકતું અને જીવંત રાખ્યું, એણે પોતાના પસંદગીના વિશિષ્ટ ક્ષેત્રને અદ્‍ભુત શક્તિથી જાળવી રાખ્યું. જે પળે ભારત પોતાના આઘ્યાત્મિક આદર્શનો ચીલો ચાતરશે તે જ પળે તેમનું રાષ્ટ્ર જીવન એમના પર તોળાઈ રહેલા મૃત્યુના ભયથી તે ઘેરાઈ જશે.

આઘ્યાત્મિક આદર્શ પરના  મહત્ત્વનો અર્થ એ નથી થતો કે સ્વામીજીની ભારતના પુનરુદ્ધારની યોજનામાં ગરીબી નાબૂદી અને માનવની ભૌતિક સુખાકારીમાં સુધારા લાવવાની વાતનો સમાવેશ નહોતો થતો. તેઓ કહેતા કે ભૂખ્યા પેટે પ્રભુનું જ્ઞાન કે ઉપદેશ આપવો યોગ્ય નથી. ભારતમાં ગરીબાઈ એ દરિદ્રતા-દીનતા નથી, પરંતુ તે સંતોના મનનો અપરિગ્રહ અને અનાસક્તિ છે, આઘ્યાત્મિક સંપત્તિની સમૃદ્ધિ છે. એટલે જ માનવની આઘ્યાત્મિક ઉન્નતિમાં તેમના જીવનની ભૌતિક સુખ સુવિધાના ઉત્કર્ષનો સમાવેશ થઈ જાય છે. એટલે જ સ્વામીજીએ પોતાનાં સંભાષણોમાં લોકોની જીવનસુખાકારીની સુધારણાની વાત તો આવે છે, પરંતુ પશ્ચિમના દેશોમાં જેમ થયું છે તેમ સૌને માટે ઉચ્ચ જીવન ધોરણ અને ભૌતિક સુખાકારી આપવાં એ જ જીવનનો એકમાત્ર ઘ્યેય છે, એની સામે એમણે ચેતવણીનો સૂર કાઢ્યો છે. માનવજીવન સાથે સંલગ્ન એવા ધર્મ, અર્થ, કામ, અને મોક્ષને માનવજીવનનાં મૂલ્યો રૂપે આપણાં શાસ્ત્રોએ માન્ય ગણ્યા છે. પરંતુ આ બધાં મૂલ્યોની પૂર્તિ એવી રીતે નિયમિત કે સંયમિત થવી જોઈએ કે અંતે તે માનવને મોક્ષ તરફ દોરી જાય. આઘ્યાત્મિક મૂલ્યો જ અંતિમ આદર્શ છે. ભૌતિક મૂલ્યો વ્યક્તિના વિકાસ અને સેવા માટે આવશ્યક છે, પરંતુ તે સાઘ્ય ન બની શકે.

‘લેકચર્સ ફ્રોમ કોલંબો ટુ આલ્મોરા’ (‘ભારતમાં આપેલાં ભાષણો’)માં સ્વામીજીએ ભારતીયોને પોતાની નૌકાને પશ્ચિમના ભૌતિકવાદી રાક્ષસ અને પૂર્વના અજ્ઞાન-અંધારાના મહીષાસુરની વચ્ચે કાળજીપૂર્વક ચલાવવા ચેતવ્યા છે. આપણા વ્યક્તિગત અને રાષ્ટ્રીય જીવનમાં પ્રતિબિંબિત થતા વેદોના મહાન આદર્શોની સમ્યક્ ઉન્નતિ એટલે આઘ્યાત્મિકતા. ગ્રામ્ય રીતિરિવાજો, જ્ઞાતિના  જડ નીતિનિયમો, અસ્પૃશ્યતા, ખાનપાનના અબૌદ્ધિક પ્રયોગોનો અભ્યાસ એ આઘ્યાત્મિકતા નથી. આ બધાંને શાશ્વત મૂલ્યો સાથે કશી લેવાદેવા નથી. આવાં બાહ્યાચરણો માટેના અતિ આગ્રહો સાચા અને શાશ્વત આઘ્યાત્મિક સિદ્ધાંતો માટે હાનિકારક છે અને એ બધાંએ એવી ઝેરીલી- ઘાતક અસર પાડી છે કે જેથી લોકોનાં જીવન દૂષિત બન્યાં છે. આ વાત ઉપનિષદો ખુલ્લેખુલ્લી રીતે કહે છે. જ્યારે સ્વામીજી આપણને પોતાના આઘ્યાત્મિક આદર્શોને વળગી રહેવાની વાત પર ભાર મૂકે છે ત્યારે આપણને ફરીથી અજ્ઞાન અંધતા પર સામાજિક અને ધાર્મિક દુ:સ્વપ્નમાં સપડાવાનું કહેતા નથી, પરંતુ વેદાંતના સંદેશને ભૂલ્યા વિના આગળ વધવાનું અને અગમ દૃષ્ટિવાળા બનવાનું કહે છે.

આપણી પ્રજાને પોતાની સામાજિક, આર્થિક, રાજનૈતિક પરિસ્થિતિને સુધારવા સુશાસન, વિજ્ઞાન, ટેકનોલોજીના ક્ષેત્રમાં પશ્ચિમના જગત પાસેથી આપણે ઘણું શીખવાનું છે. ભારતના ભૂતકાળના ઇતિહાસમાં કોઈક કાળે એના રાષ્ટ્રપ્રાણમાં ઘૂસી ગયેલ બાહ્ય જગત સાથેના સંપર્ક સંબંધના ત્યાગ અને એકાકી અવસ્થામાં રહેવાના ઉન્માદને પરિણામે મહદંશે ઉપર્યુક્ત ક્ષેત્રોમાં દેખાતી ઊણપો ઉપજી છે. જ્યારે વિશ્વ વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે આગેકૂચ કરી રહ્યું હતું ત્યારે ભારત અસ્પૃશ્યતા, રસોડાના ધર્મ, જ્ઞાતિજાતિની વાડાબંધીની અડચણ, પોતાની જાતને ગૌરવશાળી માનીને પોતાના નાના કોચલામાં આત્મસંતુષ્ટ રહ્યું. આવી રૂઢિજડતા જવી જ જોઈએ અને આપણે આપણા વેદોના ખીલાથી અલગ થયા વિના પશ્ચિમના પ્રગતિશીલ આદર્શોને પણ ઝીલવા પડશે. આ પ્રગતિશીલતાને આઘ્યાત્મિકતાનાં મૂલ્યો પ્રત્યેની સંવેદિતા દ્વારા માહિતગાર અને નિદર્શિત થતી કરવી જોઈએ.

ભારત જેવા વિવિધ જાતિ અને ધર્મવાળા દેશને અનુરૂપ રહે એવા સુયોગ્ય પરિપ્રેક્ષ્યમાં ઊગતી પેઢીમાં ધર્મજાગૃતિ જગાડવા આપણે સૌએ અત્યંત ખંતપૂર્વક ભાગ ભજવવો પડશે. વિવિધ ધર્મોના અનુયાયીઓ સમક્ષ એમનાથી પણ શ્રેષ્ઠ ધર્માદર્શોવાળા ધર્મોને મૂકીને એમને સમ્યક્ તુલના કરતાં પણ કરવા પડશે. એને લીધે ઊગતી પેઢીઓને બધા ધર્મોનાં મહિમા અને એની પ્રબળશક્તિને સમજવા સક્ષમ બનાવશે અને એ રીતે બધા ધર્મોની સત્યતા સ્વીકારવા તેમનાં મનને પણ ઘડશે તેમજ ધર્મઝનૂનને દૂર કરશે. જો આઘ્યાત્મિક મૂલ્યોની જાળવણી કરવાની હોય તો તંદુરસ્ત અને કલ્યાણકારી ધર્મવલણોની જાળવણી પણ નિતાંત આવશ્યક છે. જો માનવો બધાં આઘ્યાત્મિક મૂલ્યોને દૂર રાખશે તો માનવ સમાજનું અધ:પતન થવાનું છે. એટલે જ પોતાના ‘લેકચર્સ ફ્રોમ કોલંબો ટુ આલ્મોરા’ (‘ભારતમાં આપેલાં ભાષણો’)માં સ્વામીજીએ ચેતવણીના સૂરમાં કહ્યું છે કે જો રાષ્ટ્ર પોતાના ધર્મને દૂર ફેંકી દેશે અને પોતાનાં આઘ્યાત્મિક મૂલ્યોને દૂર હડસેલી મૂકશે તો આવી પ્રવૃત્તિ સાંસ્કૃતિક તાદાત્મ્ય સાથે ભારતને માટે નિર્મૂલનનો માર્ગ કરી આપશે.

You cannot believe in God until you believe in yourself.- Swami Vivekananda

A few heart-whole, sincere, and energetic men and women can do more in a year than a mob in a century.- Swami Vivekananda

Arise ! Awake ! And Stop Not Till the Goal is Reached.- Swami Vivekananda

All power is within you, you can do anything & everything !- Swami Vivekananda

To be good & to do good, that is the whole of religion.- Swami Vivekananda

Purity, Patience & Perseverance are the three essentials to success, and above all Love !- Swami Vivekananda

Take the whole responsibility on your own shoulders, and know that you are the creator of your own destiny !- Swami Vivekananda

We are what our thoughts have made us, so take care about what you think.- Swami Vivekananda