Shri Ramakrishna Ashrama, Rajkot

Free Books : Life Of Swami Vivekananda

ભારતમાં પ્રત્યાવર્તનઃ દક્ષિણમાં ભવ્ય સ્વાગત

૧૮૯૬માં સ્વામીજી લંડનથી ભારત જવા નીકળ્યા; ચાર-ચાર વર્ષના અત્યંત કઠિન પુરુષાર્થથી તેઓ ભાંગી પડ્યા હતા, છતાં પણ અદમ્ય ઉત્સાહ અને દૃઢમનોબળથી ઊભરાતા આ મહામાનવ કોઈપણ પડકારને ઝીલવા તૈયાર હતા. ભારત વિશેના એકમાત્ર વિચારે એમના મનમાં ઘેરો ઘાલ્યો હતો. લંડનથી નીકળવાની સાંજે તેમના એક મિત્રે તેમને પૂછ્યું : ‘શક્તિશાળી અને સમૃદ્ધ પશ્ચિમના એમના આ ચાર વર્ષના જીવનકાળ પછી એમના ભારત વિશેના ખ્યાલ અને અનુભવ કેવા છે ?’ સ્વામીજીનો પ્રત્યુત્તર આ હતો : ‘હું અહીં આવ્યો ત્યારે ભારત ચાહતો હતો. અને હવે એની રજેરજે મારે મન પવિત્ર છે; અને એ મારા માટે પવિત્ર તીર્થસ્થાન બની ગયું છે.’ સ્વામીજીની સાથે શ્રી અને શ્રીમતી સેવિયર હતાં અને નેપલ્સથી શ્રી ગુડવિન એમની સાથે જોડાયા. આ યાત્રાથી સ્વામીજીને માટે અત્યંત આવશ્યક એવો આરામ મળી ગયો; અને ભારતનો વિચાર કરતાં તેઓ ભવ્ય ઉત્સાહમાં આવી ગયા.

ભારત આવતાં પહેલાં ખ્રિસ્તી સભાજનો સમક્ષ ભારતીય વિચારો-આદર્શોને મૂકતી વખતે એમણે કરેલ મહાન મુસીબતોના સામનાની વાત પોતાના એક મિત્રને કહી; એકાએક તેઓ ભાવવિભોર બની ગયા. અને પયગંબરી વાણીમાં બોલી ઊઠ્યા : ‘ભારતે મને સાંભળવો પડશે. હું ભારતને તેના પાયા સુધી હચમચાવી મૂકીશ. એની રક્તવાહિનીઓ દ્વારા હું વિદ્યુત્ ઝંકૃતિ વહેતી કરીશ ! જરા થોભો ! ભારત મારું કેવું ભવ્ય સ્વાગત કરે છે એ તમે જો જો. મેં અહીં વેદાંતના જે સત્ત્વને મુક્ત રીતે અને લોહી ભર્યા ઉત્સાહ અને પુરુષાર્થથી વેર્યું છે, એની તો, ભારત, મારો ભારત જ સાચી રીતે કદર કરી શકે તેમ છે. ભારત મારું ભવ્ય વિજયી સ્વાગત કરશે.’ ઘણા મહિના પૂર્વે ઉચ્ચારાયેલ પયગંબરી વાણીના શબ્દેશબ્દ સાચા પડવાના હતા; કારણ કે સ્વામીજીના આગમનના એંધાણના સમાચાર ભારતમાં પહોંચી ચૂક્યા હતા; અને એણે આ દેશમાં અપેક્ષાનું એક મહા આંદોલન સર્જી દીધું હતું. એમનું સુયોગ્ય અભિવાદન કરવા સર્વત્ર ભવ્ય તૈયારીઓ થવા લાગી.

૧૮૯૭ની ૧૫મી જાન્યુઆરીએ સ્વામીજી કોલંબો પહોંચ્યા. કોલંબોમાં સ્વામીજીના થયેલા ભવ્ય સ્વાગતનાં દૃશ્યોનું ભવ્યોજ્જ્વલ શબ્દચિત્ર એને નજરે જોનાર આપે છે : બંદરની જેટી તરફ લઈ આવતી લોંચ તરફ નજર માંડીને લોકસમૂદાય ઊભો હતો. કોલાહલ અને ઘોંઘાટ તેમજ તાળીઓના અવાજ સમુદ્રમાં વહેતાં મોજાંના અવાજને પણ ખાળતા હતા. શહેરના સભાખંડમાં એમનું ભવ્ય અભિવાદન કરવામાં આવ્યું. સ્વામીજી સીધા જ મદ્રાસ જવા ઇચ્છતા હતા. પરંતુ તેમને પોતાની યોજનામાં પરિવર્તન કરવું પડ્યું. સિલોન અને ભારતના દક્ષિણ છેડાના લોકોના ઉત્સાહને ઘ્યાનમાં રાખીને એમણે ભૂમિમાર્ગે આગળ જવાનું નક્કી કર્યું. રોમાં રોલાં કહે છે : ‘સ્વામીજીએ લોકોની અત્યંત આવેશપૂર્ણ અપેક્ષાઓનો ઉત્તર ‘ભારતને તેમનો સંદેશ’ એ વ્યાખ્યાન દ્વારા આપ્યો હતો. શ્રીરામ, શિવ, શ્રીકૃષ્ણની ભૂમિના પુનરુત્થાન માટેનો વીર્યવાન આત્માને આગેકૂચ કરવા આહ્વાન આપતો મહાન શંખઘ્વનિ સમો એ સંદેશ હતો. તેઓ વીરનાયક હતા, પોતાના આંદોલનની યોજના સમજાવતા અને લોકોને સામુદાયિક રૂપે ઉત્થાન કરવા આ રીતે આહ્વાન આપતા હતા : ‘હે ભારત વર્ષ, ઊભો થા ! તારી જીવનશક્તિ ક્યાં છે ? તે તારા અમર આત્મામાં છે.’

શ્રીલંકાના અગત્યનાં શહેરોમાંથી યાત્રા કરતાં કરતાં સ્વામીજીએ ૨૬ જાન્યુઆરી, ૧૮૯૭ની સાંજે પંબનની ધરતી પર પગ મૂક્યા. દક્ષિણ ભારતના મુખ્ય શહેરો જેવાં કે, રામેશ્વરમ્, રામનદ, પરમકુડી, મનમદુરાઈ, મદુરાઈ, કુંભકોણમ્ અને ત્રિચિનાપલ્લીથી મદ્રાસ સુધીમાં થયેલા ભવ્ય અભિવાદન અને તેના રોમાંચકારી પ્રત્યુત્તર-સંભાષણો જાણે કે એક વિજયોત્સવ સમા બની રહ્યાં.

ચાર વર્ષ પહેલાં મદ્રાસના અનુયાયીઓએ સ્વામીજીને શાંતિથી અજાણ્યા પશ્ચિમમાં યાત્રા કરવા જતા જોયા હતા. આજે તેઓ છેલ્લા એક મહિનાથી જેમના આગમનની રાહ જોઈ રહ્યા હતા એવા વીરનાયકનું અભિવાદન કરવા હજારોની સંખ્યામાં રાહ જોઈ રહ્યા છે. લોકો એ બધાને ‘ખોટી દોરવણીવાળા અતિ ઉત્સાહી’ અને ‘સ્વપ્નશીલ પુનરુત્થાનવાદી’, ગણતાં; અને તેમને એક યુવાન સંન્યાસીની પાછળ દોડતા ગણ્યા; એમણે તો સ્વામીજીમાં પોતાના રાષ્ટ્રના અને ધર્મના તારણહાર પયગંબરને નિહાળ્યા હતા. ફેબ્રુઆરી ૬, ૧૮૯૭ના દિવસે જ્યારે ટ્રેન પોતાના પયગંબરને લઈને એગ્મોર સ્ટેશને પહોંચી, ત્યારે મરણાસન્ન રાષ્ટ્ર આજે ખરેખર પોતાના પુનરુત્થાનની પળનો મહાનુભવ કરી રહ્યું હોય એવો એમના અનુયાયીઓને ખ્યાલ આવ્યો. ૧૮૯૩માં તેમણે ‘પોતાના ભાગ્ય સાથે મંગલમિલન ક્યારે, કેવી રીતે અને ક્યાં યોજાશે તેનાથી સાવ અજાણ’ એવા અપ્રસિદ્ધ પયગંબરને વિદાય આપી હતી અને આજે તેઓ એ બધાની વચ્ચે ‘ભારતના અવતાર’ અને ‘પ્રભુના પવિત્ર નિર્મળ પયગંબર’ રૂપે પાછા ફર્યા છે. સ્ટેશને, રસ્તાની બંને બાજુએ શણગારેલાં કમાન તોરણોની નીચે અરે, ઘરનાં પગથિયાં પર હજારો હજારોની સંખ્યામાં લોકો અત્યંત આવેશપૂર્ણ ઉત્સાહ સાથે ભગવાધારી સંન્યાસીના અભિવાદન માટે ઊભાં હતાં. આવું દૃશ્ય ભારતે આ પહેલાં ક્યારેય નિહાળ્યું ન હતું. ‘સ્વામી વિવેકાનંદનો જય હો !’ ના નાદથી આકાશ ગૂંજવા લાગ્યું. પોતાના પનોતા પ્રભુપુત્રના પુનરાગમનનો આનંદ માણવા એ સાંજે મદ્રાસના માછીમારોએ પોતાના ઘર-આંગણે દીવડાઓ પ્રગટાવ્યા. એમની રાહ જોતાં બહાર ઊભેલા દસેક હજારથી વધુ લોકો સમક્ષ તેઓ જ્યારે આવી પહોંચ્યા ત્યારે એમના અભિવાદનનું પુણ્યસ્થળ વિકટોરિયા હૉલ લોકોથી ખચોખચ ભરાઈ ગયો હતો.

પોતાના પયગંબરને જોવા તેઓ પોકાર કરવા લાગ્યા, સભામંચ પરના મહાનુભાવોને એકબાજુએ રાખીને તેમણે બહાર આવવાનું નક્કી કર્યું અને આ શબ્દો ઉચ્ચાર્યા : ‘હું લોકોમાંથી આવ્યો છું. હું લોકોનો ઉપદેશક છું, હું મારા લોકોનો સેવક છું. મારો આત્મા મને બહાર આવવાનું આહ્વાન કરે છે.’ અસંખ્ય માનવમેદનીના ગર્જતા સાગરની વચ્ચે તેઓ શ્રીકૃષ્ણની અદાથી રથમાં ઊભા રહ્યા અને તેઓ લોકોને સંબોધવા લાગ્યા : તેમણે સૌને યાદ અપાવ્યું કે ભારત જીવતું રહેશે અને વિજયી ઉન્માદથી જીવશે કારણ કે તે પોતાના પ્રભુને શાશ્વત રીતે વળગી રહ્યું છે કારણ કે તે હંમેશાં ત્યાગ અને સંયમને પક્ષે રહ્યું છે. તાળીઓના પ્રચંડ ગડગડાટમાં બીજું બધું ડૂબી ગયું. એમણે ‘ધર્મનો જય હો, વાહ ! ગુરુ કી ફત્તેહ’ના વિજય નાદથી વકતવ્ય પૂર્ણ કર્યું. લોકોએ પોતાના પ્રિય પયગંબરને નિહાળ્યા. અને એમને માટે આ  પૂરતું હતું. પછીના થોડા મહિનાઓ સુધી ભારતે ભાવાવેશમાં આવીને વિવેકાનંદના હચમચાવી મૂકતા શબ્દો સાંભળ્યા. છ એકની સંખ્યામાં મદ્રાસમાં અપાયેલાં એમનાં વ્યાખ્યાનો ‘એમનો ભારતને સંદેશ’ નો મર્મ વ્યક્ત કરે છે. ગુડવિનની કૃપાથી આ સંભાષણો ભારતના આધુનિક રાષ્ટ્રીય સાહિત્યનાં પૃષ્ઠો પર અંકિત થયાં અને એમણે ભારતના  સ્વાતંત્ર્ય સંગ્રામમાં મહત્ત્વનો ભાગ ભજવનાર કેટલાય દેશભક્તોને પ્રેરણા પૂરી પાડી છે. આજની ઊગતી પેઢીમાં સાચા અને ભાવાત્મક વિચારવાળા દેશપ્રેમ કે રાષ્ટ્રપ્રેમને પુન:સ્થાપિત કરવા આ સંભાષણોનો અભ્યાસ આજે ઘણો આવશ્યક છે. મદ્રાસથી સ્વામીજી વહાણમાં બેસીને કલકત્તા ગયા હતા. તેનું કારણ એ હોઈ શકે કે એ બંને શહેરો વચ્ચે રેલજોડાણ ન થયું હોય. મદ્રાસ છોડતાં પહેલાં એ શહેરમાં એમના કાર્યનો આરંભ કરવા એ કેન્દ્ર સ્થાપવાની ત્યાંના પોતાનાં પ્રશંસકો અને અનુયાયીઓની હૃદયપૂર્વકની વિનંતીને સ્વામીજીએ સ્વીકારી; એની પૂર્તિ માટે ૧૯ ફેબ્રુઆરી, ૧૮૯૭ના રોજ કલકત્તા પહોંચીને તરત જ પોતાના ગુરુબંધુ રામકૃષ્ણાનંદજીને મદ્રાસમાં મઠનો પ્રારંભ કરવા મોકલ્યા.સ્વામીજીએ સ્થાપેલ રામકૃષ્ણ મઠનું આ સર્વપ્રથમ કેન્દ્ર બન્યું.

You cannot believe in God until you believe in yourself.- Swami Vivekananda

A few heart-whole, sincere, and energetic men and women can do more in a year than a mob in a century.- Swami Vivekananda

Arise ! Awake ! And Stop Not Till the Goal is Reached.- Swami Vivekananda

All power is within you, you can do anything & everything !- Swami Vivekananda

To be good & to do good, that is the whole of religion.- Swami Vivekananda

Purity, Patience & Perseverance are the three essentials to success, and above all Love !- Swami Vivekananda

Take the whole responsibility on your own shoulders, and know that you are the creator of your own destiny !- Swami Vivekananda

We are what our thoughts have made us, so take care about what you think.- Swami Vivekananda