Shri Ramakrishna Ashrama, Rajkot

Free Books : Life Of Swami Vivekananda

‘માઈ માસ્ટર-મારા ગુરુદેવ’: સ્વામીજીનું શ્રીરામકૃષ્ણ વિશે વિદેશમાં પ્રવચન

પોતાના પશ્ચિમમાંના ઉપદેશ અને સંદેશ વખતે પશ્ચિમના જગતના પ્રગતિશીલ વિચારોની પ્રશંસા કરતી વખતે સ્વામીજી તે વિચારોમાં તણાઈ ન જતા. તેઓ તો ભારતના સાંસ્કૃતિક મહિમા તેમજ તેની અનન્ય આઘ્યાત્મિક સર્વોત્કૃષ્ટતાને મક્કમપણે વળગી રહેતા, અને તેને વીરવાણી અને શક્તિદાયી શબ્દોમાં અભિવ્યક્ત પણ કરતા. ‘માઈ માસ્ટર-મારા ગુરુદેવ’ વિશેના અત્યંત પ્રભાવશાળી વકતવ્ય ખંડોમાંથી અહીં ટાંકેલું આ ઉદ્ધરણ અહીં સુયોગ્ય બની રહેશે; તેમાં તેઓ કહે છે : ‘હું તમારી સમક્ષ એક એવા મહાપુરુષના જીવનનું વર્ણન કરવા માગું છું કે જેમણે ભારતમાં એક આગવું મોજું ગતિમાન કર્યું છે. પરંતુ તેમના જીવનચરિત્રનું વર્ણન કરતાં પહેલાં ભારતની વિશિષ્ટતા શી છે, ભારત કહેવાથી આપણે શું સમજીએ છીએ એ બતાવવાનો હું પ્રયત્ન કરીશ. જેમની આંખો નશ્વર ભૌતિક વસ્તુઓના ખોટા ચળકાટથી અંજાઈને બીજું કશું દેખતી જ બંધ થઈ ગઈ છે, જેમનું આખુંયે જીવન ખાનપાન તથા ભોગવિલાસને જ અર્પણ થઈ ચૂક્યું છે, જેમની સંપત્તિનો આદર્શ કેવળ જર અને જમીનના ટુકડા છે, કેવળ ઇન્દ્રિયજન્ય સુખ જ જેમના સુખનો આદર્શ છે, જેમનો ઈશ્વર કેવળ પૈસો જ છે, જેમના જીવનનું લક્ષ્ય જિંદગીમાં એશઆરામ કરવો ને અંતે મરી જવું એ જ છે, જેમની બુદ્ધિ દૂરદર્શી નથી, જેઓ ઇન્દ્રિયભોગ્ય વિષયોની વચ્ચે જ હંમેશાં પડ્યા રહે છે તથા તેનાથી વધારે ઊંચી બાબતોનો કદીયે વિચાર જ કરતા નથી, તેવા લોકો ભારતવર્ષમાં જાય તો તેમને ત્યાં શું નજરે ચડશે ? ચારે દિશામાં તેમને દેખાશે કેવળ નિર્ધનતા, ગંદકી, કુસંસ્કાર, અજ્ઞાન અને બીભત્સતા. આનું કારણ શું ? કારણ એ કે તેમને મન સભ્યતા એટલે પોષાક, ટાપટીપ, શિક્ષણ, સામાજિક શિષ્ટાચાર એટલું જ છે. જ્યારે પશ્ચિમની પ્રજાઓએ પોતાની ઐહિક ભૌતિક ઉન્નતિને માટે બધી રીતે પ્રયત્નો કર્યા છે, ત્યારે ભારતવર્ષે તેનાથી જુદું જ કર્યું છે. મનુષ્ય જાતિનો ઇતિહાસ તપાસતાં માલૂમ પડશે કે કેવળ ભારતમાં જ એક એવી પ્રજા વસે છે કે, જે પોતાના દેશની સીમા છોડીને કોઈ બીજા દેશોને જીતી લેવા કદી બહાર ગઈ નથી, જેણે બીજા કોઈની સમૃદ્ધિ પડાવી લેવાની કદી ઇચ્છા કરી નથી. તેમનો એક માત્ર એ દોષ હતો કે તેની જમીન બહુ ફળદ્રુપ હતી તથા તેમણે સખત જાતમહેનત કરીને ધન એકઠું કર્યું હતું અને એ રીતે બીજા દેશોને પોતાને ત્યાં આવીને લૂંટફાટ કરવાનું પ્રલોભન આપ્યું હતું. પરંતુ બીજાથી લૂંટાઈ જવા તથા જંગલી કહેવાવા છતાં, તે પ્રજા સંતોષી થઈને રહી છે. તેના બદલામાં તે તેમનામાં ઈશ્વર સંબંધી જ્ઞાનનો પ્રચાર કરવાની ઇચ્છા ધરાવે છે, માનવપ્રકૃતિનાં ગૂઢ રહસ્યો સ્પષ્ટ રૂપમાં પ્રગટ કરવાની ચાહના રાખે છે, તથા જે પડદો મનુષ્યના અસલી સ્વરૂપને ઢાંકી રાખે છે તેને તે ચીરી નાખવા ઇચ્છે છે, કારણ કે તે જાણે છે કે આ બધું સ્વપ્ન છે. આ બધા જડવાદની પાછળ માનવીનો ખરેખરો દિવ્ય અંશ વિરાજે છે, કે જેને કોઈ પાપ મલિન કરી શક્તું નથી, કામવાસના કલંકિત કરી શકતી નથી, આગ બાળી શકતી નથી, પાણી ભીંજવી શકતું નથી, તાપ સૂકવી શક્તો નથી, કે મૃત્યુ જેનો વિનાશ કરી શકતું નથી. પાશ્ચાત્યોની દૃષ્ટિએ ઇન્દ્રિયગમ્ય જડ પદાર્થ જેટલો સત્ય છે, તેટલું જ આ ભારતીય દૃષ્ટિએ મનુષ્યનું અસલી સ્વરૂપ સત્ય છે. જે રીતે તમે ‘હુર્રે હુર્રે’ બોલીને શૂરવીરતાથી તોપના મોઢાની સામે કૂદી પડવાનું સાહસ કરી શકો છો, જે રીતે તમે દેશભક્તિથી પ્રેરાઈને પોતાના દેશ માટે પ્રાણ અર્પણ કરી શકો છો, તે રીતે ભારતવાસી ઈશ્વરના નામ પર પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરવાની વીરતા બતાવી શકે છે. ભારત એવો દેશ છે કે જ્યાં જ્યારે કોઈ માનવી જગતને મનની કલ્પના અથવા સ્વપ્ન માત્ર જાહેર કરે છે, ત્યારે પોતાનાં આભૂષણો, ધનસંપત્તિ વ. સર્વનો ત્યાગ કરીને તે સાબિત કરી આપે છે કે, પોતે જે કંઈ માને છે, મનમાં વિચારે છે, તે બધું તદ્દન સત્ય છે. વળી આવી ઘટના તે દેશમાં જ બને છે કે મનુષ્યને જ્યારે એવું જ્ઞાન થઈ જાય કે જીવન અનંત છે, ત્યારે પોતે એક નદી કિનારે જઈને બેસી જાય પોતાના શરીરને નકામું સમજીને તમે જેમ એક ઘાસના તણખલાને તજી દો તેમ તેને છોડી દેવા તત્પર થઈ જાય. તેઓ મૃત્યુનું સ્વાગત એક ભાઈ તરીકે કરે છે, તેમાં જ તેમનું વીરત્વ છે; કારણ કે તેમનો દૃઢ વિશ્વાસ છે કે ખરેખર તો તેમનું મૃત્યુ થતું જ નથી. આમાં જ તેમની શક્તિ સમાયેલી છે, અને એ શક્તિના બળે જ સેંકડો વર્ષોનાં વિદેશી આક્રમણો અને અત્યાચારો છતાં તેઓ અજેય રહ્યા છે. આ પ્રજા અત્યારે પણ જીવંત છે અને તેના ભયંકરમાં ભયંકર આફતના દિવસોમાં પણ આત્મજ્ઞાની મહાપુરુષો અને ધર્મવીરો પાકતા કદી અટક્યા નથી. પશ્ચિમના દેશોમાં જેમ રાજકારણમાં નિપુણ પુરુષો અને વિજ્ઞાનવીરો જન્મે છે, તેમ એશિયામાં મહાન આત્મજ્ઞાની પુરુષો જન્મે છે. ઓગણીસમી સદીના આરંભમાં જ્યારે ભારતવર્ષ પર પાશ્ચાત્યોનો પ્રભાવ પૂરા જોશમાં પડવા લાગ્યો હતો, જ્યારે પાશ્ચાત્ય વિજેતાઓ હાથમાં તલવાર લઈને ત્યાંના ઋષિઓનાં સંતાનોને ખાતરી કરાવવા આવ્યા હતા કે તમે કેવળ જંગલી છો, કેવળ સ્વપ્નોમાં રાચનારા છો. તમારો ધર્મ કાલ્પનિક છે તથા ઈશ્વર, આત્મા વગેરે જે કાંઈ મેળવવાનો અનેક વર્ષોથી તનતોડ પ્રયત્ન કરી રહ્યા છો તે બધું ફક્ત અર્થશૂન્ય શબ્દો જ છે, હજારો વર્ષોથી તમે જે ત્યાગ વૈરાગ્યનો અભ્યાસ કરો છો એ બધું પણ ફોકટ છે, ત્યારે તેના વિશ્વવિદ્યાલયોના તરુણોના મનમાં એવો પ્રશ્ન ઊઠવા લાગ્યો કે કદાચ આપણા આજ સુધીના બધા રાષ્ટ્રવ્યાપી પ્રયત્નો વ્યર્થ તો નહીં ગયા હોય ? શું આપણે પશ્ચિમની યોજના પ્રમાણે ફરીને નવેસરથી પ્રયત્નો કરવા જોઈએ ? આપણાં પુરાણો, ધર્મગ્રંથોને ફાડી નાખવાં પડશે ? પ્રાચીન તત્ત્વજ્ઞાનને બાળી મૂકવું પડશે ? આપણા ધર્મગુરુઓને કાઢી મૂકવા પડશે ? મંદિરોનો ભાંગીને ભૂક્કો કરવો પડશે ? બંદૂક અને તલવારની સહાયથી પોતાના ધર્મનો પ્રચાર કરનારી પશ્ચિમની પ્રજાઓએ શું આપણને નથી શીખવ્યું કે આ પ્રાચીન ધર્મપદ્ધતિ કેવળ કુસંસ્કાર અને નિર્જીવ પ્રતિમાપૂજન જ છે ?

મેં કહ્યું તેમ, જ્યારે એમ લાગ્યું કે જાણે ભારતવર્ષ પર આક્રમણ કરનાર જડવાદનાં મોજાં આ દેશના પ્રાચીન-આર્ય ઋષિમુનિઓની સંસ્કૃતિ તેમ જ તેમના ઉપદેશને ઘસડી જશે, ત્યારે ભારતમાં સુધારાનો વિચાર આવ્યો. પરંતુ આ દેશ આ પહેલાં પણ આવા હજારો વિપ્લવ તરંગોના આઘાત સહી ચૂક્યો હતો ! તેની સરખામણીમાં આ મોજાનો વેગ તો ખૂબ જ સાધારણ હતો. પૂર્વે એક પછી એક મોજાં આવીને દેશ પર ફરી વળ્યાં હતાં. સેંકડો વર્ષો સુધી જે કંઈ સામે આવ્યું તેનો તેમણે ભાંગીને ભૂક્કો કરી નાખ્યો હતો; તલવાર ચમકતી હતી; ‘અલ્લા હો અકબર’ના અવાજે ભારતવર્ષનું આકાશ ભેદી નાખ્યું હતું; પરંતુ ધીરે ધીરે આ મોજાં શાંત થઈ ગયાં અને પ્રજાના આદર્શો અગાઉના જેવા જ રહ્યા. ભારતીય પ્રજાનો નાશ કરી શકાય એમ નથી. અમર થઈને તે ઊભી છે; અને જ્યાં સુધી ધર્મભાવના એ પ્રજાના પાયા રૂપે રહેશે, જ્યાં સુધી એ રાષ્ટ્રના લોકો પોતાના ધર્મનો ત્યાગ કરશે નહીં, ત્યાં સુધી તે ટકી રહેશે.

You cannot believe in God until you believe in yourself.- Swami Vivekananda

A few heart-whole, sincere, and energetic men and women can do more in a year than a mob in a century.- Swami Vivekananda

Arise ! Awake ! And Stop Not Till the Goal is Reached.- Swami Vivekananda

All power is within you, you can do anything & everything !- Swami Vivekananda

To be good & to do good, that is the whole of religion.- Swami Vivekananda

Purity, Patience & Perseverance are the three essentials to success, and above all Love !- Swami Vivekananda

Take the whole responsibility on your own shoulders, and know that you are the creator of your own destiny !- Swami Vivekananda

We are what our thoughts have made us, so take care about what you think.- Swami Vivekananda