Shri Ramakrishna Ashrama, Rajkot

Free Books : Life Of Swami Vivekananda

અમેરિકામાં વેદાન્તપ્રચાર-૧

તે પછીના સમયગાળા દરમિયાન સ્વામીજીએ અમેરિકાનાં સંયુક્ત રાજ્યોના લગભગ દરેક ભાગમાં એકધારા પ્રયત્નો કરવાના હતા. એક બ્યૂરો સાથે પ્રવચનયાત્રાના કોન્ટ્રેક્ટ પર હસ્તાક્ષર કર્યા પછી સ્વામીજીએ સતત યાત્રા ચાલુ રાખવી પડતી હતી અને બધા પ્રકારના શ્રોતાઓ સમક્ષ પ્રવચનો કરવાં પડતાં હતાં. જો કે આ પ્રવચનયાત્રાએ સ્વામીજીને પશ્ચિમના જીવનનાં જુદાં જુદાં પાસાંની જાણકારી મેળવવાની તકો પૂરી પાડી, પણ તેમને લાગ્યું કે એ બ્યૂરો તેમનું શોષણ કરતો હતો અને તકલીફમાં મૂકી દેતો હતો; આથી તેમને અણગમો આવી ગયો અને તેમણે તેની સાથેના સંબંધો કાપી નાખ્યા.

સ્વામીજીની પ્રવૃત્તિઓનો સિલસિલો અમેરિકાનાં મોટા ભાગનાં મહત્ત્વનાં શહેરો અને હાર્વર્ડ યુનિવર્સિટી જેવાં જ્ઞાન કેન્દ્રો સુધી વિસ્તર્યો. તેમને અમેરિકાના પ્રૉ. વિલિયમ જેમ્સ, પ્રૉ. જોન એચ. રાઈટ જેવા મહાન વિદ્વાનો અને ઈલેક્ટ્રિશ્યન નિકોલસ ટેસલા જેવા લોકો સાથે વિચારોની આપ-લે કરવાના પ્રસંગો આવ્યા. અમેરિકાની પ્રથમ મુલાકાતનો સ્વામીજીનો પ્રભાવ એટલો ઊંડો હતો કે હાર્વર્ડના પ્રૉ. જેમ્સ અને પ્રૉ. હેન્રી રાઈટે સ્વામીજી ભારતમાં હતા ત્યારે તેમને પોતાના ‘શિક્ષક’ તરીકે સંબોધન કરીને વિનંતી કરી કે તમે પૂર્વ અને પશ્ચિમની વચ્ચે જે સેતુનું નિર્માણ કરવાની શરૂઆત કરી છે તે પૂરો કરવા માટે બીજી વખત પશ્ચિમમાં આવો.

જ્યારે અમેરિકાના ધનપતિ જોન ડી. રોકફેલર સ્વામીજીને મળવા આવ્યા ત્યારે તે માણસ સામે જોયા વિના જ સ્વામીજીએ કહ્યું: ‘તમે જે પૈસા એકઠા કર્યા છે, તે તમારા નથી, તમે તો માત્ર ટ્રસ્ટી છો અને જગતનું ભલું કરવું એ તમારી ફરજ છે અને ભગવાને તમને જે ધન આપ્યું છે તે એટલા માટે આપ્યું છે કે તમને લોકોને સહાયરૂપ થવાની અને તેમનું ભલું કરવાની તક મળે.’ રોકફેલરના જીવનમાં આથી મોટું પરિવર્તન હતું. મુલાકાત પછી થોડાક જ દિવસોમાં રોકફેલરે પોતાના મોટા દાનની યોજના ઘડી કાઢી. એ યોજના લઈને તેઓ સ્વામીજી પાસે આવ્યા. પછીથી રોકફેલર ફાઉન્ડેશને અલ્પવિકસિત દેશો માટે ઘણું કામ કર્યું. આ ફાઉન્ડેશનનાં નાણાંની મદદથી ડૉ. નોર્મન બોર્લોગે મેક્સિકોના ઉજ્જડ રણના અનાવૃષ્ટિગ્રસ્ત વિસ્તારમાં ઊગી શકે તેવા અને કોઈ પણ પ્રકારના રોગનો પ્રતિકાર કરી શકે તેવા ઘઉંની પ્રથમ વખત શોધ કરીને તેઓ નોબેલ પારિતોષિક વિજેતા બન્યા. આ સંશોધને દુનિયાભરની પ્રજાને વિશ્વવ્યાપી દુકાળના પંજામાંથી બચાવી લીધી. પાછળના જીવનમાં રોકફેલરે કબૂલ કર્યું હતું: ‘જીવનમાં માત્ર પૈસો ભેગો કરવા કરતાં ઘણું બધું કરવાનું છે. માણસ પોતાના પૈસાનો માત્ર ટ્રસ્ટી છે. તેનો અયોગ્ય રીતે ઉપયોગ કરવો એ પાપ છે. જીવનની પૂર્ણાહુતિ માટે સજ્જ થવા બીજા માટે જીવવું એ ઉત્તમ રસ્તો છે. હું તે જ કરવાની કોશિશ કરી રહ્યો છું.’

અમેરિકામાં સ્વામીજીએ વિપુલ શક્તિથી કામ કર્યું, કેટલીક વાર તો તેઓ દિવસમાં બેથી ત્રણ વાર્તાલાપો આપતા. આ રીતે તેઓ મશહૂર જાહેર પાત્ર બની ગયા અને તેમનાં પ્રવચનો મોટાં મોટાં ટોળાંને આકર્ષવા લાગ્યાં. સ્વામીજીના કાર્યને પરિણામે અમેરિકનોનાં મનમાં ભારત વિશે જે ખોટી ધારણાઓ હતી તે દૂર થઈ ગઈ અને તેમના વેદાંતના ઉદાર વિચારો તે દેશના વિચારપ્રવાહો પર મૌનમૂક પ્રભાવ પાડવા લાગ્યા. તેમને હાર્વર્ડમાં પૌર્વાત્ય તત્ત્વજ્ઞાન માટે ઓફર કરવામાં આવી અને કોલંબિયા યુનિવર્સિટીમાં સંસ્કૃત વિભાગના પ્રાઘ્યાપક પદ માટે ઓફર કરવામાં આવી. કેટલાંક  નિષ્ઠાવાળાં સ્ત્રીપુરુષ સાધકો તેમના સાંનિઘ્યમાં વિદ્યાર્થી અને મિત્રો તરીકે તેમની આસપાસ એકઠાં થવા લાગ્યાં. તેમાં હેઈલ પરિવારનાં આ સભ્યોનો નિર્દેશ કરી શકાય. શ્રી અને શ્રીમતી લેગેટ, કુમારી જોસેફાઈન મેક્લાઉડ, શ્રીમતી ઑલીબુલ, ક્રિસ્ટીન, ગ્રીન સ્ટીડેલ, કુમારી એસ. ઈ. વાલ્ડો, પ્રૉ. રાઈટ, ડૉ. સ્ટ્રીટ અને બીજાં ઘણાં બધાં.

સ્વામીજીને પોતાના અમેરિકન મિત્રો અને અનુયાયીઓ માટે ખૂબ આદર અને શ્રદ્ધા હતાં. તે લોકો પોતાનાં ભક્તિ, નિર્મલતા, ઉદાર સહાયતા અને પ્રબળ અનુમોદન સાથે સ્વામીજી સાથે ઊભા રહેતા હતા. જોસેફાઈન મેક્લાઉડ સમક્ષ તેમણે પશ્ચિમના લોકોનું વર્ણન કરતાં કહેલું: ‘વેદાંત જીવતાં માણસો’ અને ઉમેરેલું: ‘જ્યારે તમને લાગે કે અમુક વસ્તુ સાચી છે ત્યારે તમે એ કરવા માંડો છો, તમે તેના વિશે સ્વપ્નાં સેવતાં નથી; તે તમારી શક્તિ છે.’ હકીકત એ છે કે સ્વામીજીએ પશ્ચિમમાં વેદાંત મિશનની સ્થાપના કરવામાં અને આ મહાન મિશનની કેન્દ્રીય પ્રેરણાસ્રોત તરીકે પાયો નાખવામાં વિવેકાનંદજીના અમેરિકન શિષ્યો, ભક્તો અને અનુયાયીઓ સૌથી પહેલાં બહાર આવ્યા હતા.

જોસેફાઈન મેક્લાઉડે સ્વામીજીને ન્યૂયોર્કમાં સાંભળ્યા અને પછી કદી પરિણીત જીવનનો સ્વીકાર કર્યો ન હતો. તેમણે પોતાના ગુરુ વિવેકાનંદજીની સેવા કરવા માટે પરિવ્રાજક જીવનનો સ્વીકાર કરી લીધો હતો. ‘આ સતત પરિભ્રમણ શા માટે ?’ એવો પ્રશ્ન પૂછવામાં આવે તો તેઓ જવાબ આપતાં: ‘વિવેકાનંદજીના ચાહકો બનાવવા માટે.’ ‘ભારતને ચાહો’ એ તેમના ગુરુની આજ્ઞા હતી. અને આ ઘ્યેયને ખાતર તેમણે પોતાનું શેષ જીવન હોમી દીધું હતું. તેમને સ્વામીજી સાથે સાત વર્ષ સુધી રહેવા મળ્યું, પરંતુ એ સહવાસે તેમને પોતાના ગુરુના દેહાવસાન પછી આ જ ઘ્યેયને ખાતર કામ કરવા સુડતાલીસ વર્ષ વધારે જીવવાની પ્રેરણા પૂરી પાડી હતી. આજે આપણે સ્વામીજીના ચાર યોગો માટે આ બાનુના ઋણી છીએ. આમાંના પહેલાંનું પ્રકાશન ન્યૂયોર્કમાં થયું હતું. ન્યૂયોર્ક, લંડન, કેલિફોર્નિયા, પેરિસ અને બીજાં નગરોમાં વેદાંતનાં કેન્દ્રોનો પાયો નાખવામાં તેમણે મુખ્ય ભાગ ભજવ્યો હતો. તેમના યોગદાનથી સ્વામીજીએ બંગાળી માસિક પત્રિકા ‘ઉદ્‍બોધન’ની શરૂઆત કરી હતી. તેમની કાયમી સ્મૃતિ રૂપ બની રહે તેવાં શ્રીરામકૃષ્ણ અને વિવેકાનંદ પર બે પુસ્તકો લખવા માટે તેમણે જ રોમાં રોલાંને પ્રેરણા અને સહાય પૂરી પાડેલ. સતત પ્રવૃત્તિશીલ તેમના જીવનમાં માત્ર એક જ વિશ્રાંતિ સ્થાન હતું ગંગા કિનારે આવેલા બેલુર મઠના અતિથિગૃહનો ઉપલો માળ. ત્યાં તેઓ વારંવાર આવતાં અને અહીં જ તેમને આવી દૃઢ પ્રતીતિ થઈ ગઈ: ‘એક માણસ માત્ર પોતાના ચારિત્ર્યના બળથી સમાજ, દેશ, જગત શાશ્વતીને બદલી શકે છે. અહીં હું એકલી બેઠી છું, એમાં નવાઈ નથી. હું જાગતિક શક્તિને જાણી શકી છું અને તેની સાથે સાત વર્ષ રહી છું. તેના થકી હું સંપૂર્ણપણે, રોમેરોમે પરિવર્તન પામી છું.’

કેમ્બ્રિજના શ્રીમતી ઑલીબુલમાં સ્વામીજીને પોતાની માતાનું દર્શન થયું હતું. સ્વામીજીએ તેમને નામ આપ્યું હતું ‘ધીરા માતા’ (સ્થિર માતા) અને સ્વામીજીની આંતરિક પ્રતીતિથી જ તેમના નિર્ણયોમાં હંમેશાં શ્રદ્ધા બની રહેતી હતી. એમના વિશે તથા લેગેટ્સ વિશે સ્વામીજીએ શ્રી સ્ટર્ડીને લખ્યું હતું: ‘અને આ લેગેટ્સ તથા બુલ્સનો રોટલો હું ખાતો હતો અને તેમનાં કપડાં મારી પીઠને ઢાંકતાં હતાં.’ કેમ્બ્રિજમાંના શ્રીમતી બુલના નિવાસસ્થાનમાં સ્વામીજીને માનસન્માન મળ્યાં હતાં અને મિશનરી વિરોધના દિવસોમાં આશ્રયસ્થાન પણ મળ્યું હતું. અમેરિકામાંના આધુનિક મનોવિજ્ઞાનના પિતા પ્રૉ. વિલિયમ જેમ્સ સમક્ષ સર્વોચ્ચ કક્ષાના ઘ્યાનનું નિદર્શન કરતાં કરતાં સ્વામીજી સમાધિમાં ચાલ્યા ગયા હતા. શ્રીમતી બુલ મહાન પાશ્ચાત્યો સારા બર્નહાર્ટ, ઈમા કાલ્વે અને અન્ય લોકોને પણ સ્વામીજીને મળવા માટે લાવતાં હતાં. શરૂઆતથી જ આ બાનુને સ્વામીજીમાં ઈશુ ખ્રિસ્ત જેવા બાળકનું દર્શન થતું હતું. આ બાનુની અડગ ભક્તિ અને જીવન પ્રત્યેના આઘ્યાત્મિક દૃષ્ટિકોણને લીધે સ્વામીજીએ અમેરિકામાં રિજલી મેનોર મુકામે તેમને ભગવાં કપડાં આપ્યાં હતાં. ભગિની નિવેદિતા માનતાં કે સ્વામીજીએ તેમને અદ્વૈતની દૃષ્ટિ અને સમસ્ત જીવનની એકતાના આશીર્વાદ આપ્યા હતા. પરંતુ બીજી બધી વસ્તુ કરતાં વિશેષ તો એ હતું કે શ્રીમતી બુલને બહુ વહેલી એવી પ્રતીતિ થઈ ગઈ કે સ્વામીજી દુનિયામાં પયગંબર તરીકેની ભૂમિકા ભજવવાને સર્જાયેલા છે. વિવેકાનંદજીના દિવ્ય વ્યક્તિત્વને ભગવાનની પ્રથમ પસંદગીના મહામાનવ રૂપે ખોળી કાઢનારાં સૌથી પહેલાં બાનુ તરીકે જગતે તેમને બિરદાવ્યાં છે. અને બીજાં હતાં શ્રી ફ્રાન્સિસ લેગેટ અને શ્રીમતી લેગેટ. તેઓ વિવેકાનંદજીની સાથે હંમેશ ઊભાં રહેતાં. તેમણે બેલૂરમાં મઠની સ્થાપના કરવા માટે કેટલાક હજાર ડોલર આપ્યા હતા. ત્રણ પાસાડેના બહેનો હતાં - શાંતિ, કલ્યાણી અને લલિતા. તેઓ એકનિષ્ઠ શિષ્યાઓ બનવાની હતી.

ઉત્સુક અમેરિકન શિષ્યો માટે એક ગ્રુપ ઊભું કરવાની સ્વામીજીની ઇચ્છા હતી. તેમણે સન્નિષ્ઠ વિદ્યાર્થીઓ માટે નિ:શુલ્ક વર્ગો ચાલુ કર્યા. તેમણે થાઉઝન્ડ આઈલેન્ડ પાર્કમાં અંતેવાસી શિષ્યોની એક ટુકડીને તાલીમ પણ આપી હતી. અહીંયા જ કુમારી એલન વાલ્ડો (ભગિની હરિદાસી) એ સ્વામીજી માટે પશ્ચિમમાં મોટો ભોગ આપ્યો હતો અને તેમના અગ્નિ જેવા શબ્દો લખી લીધા હતા.

 

You cannot believe in God until you believe in yourself.- Swami Vivekananda

A few heart-whole, sincere, and energetic men and women can do more in a year than a mob in a century.- Swami Vivekananda

Arise ! Awake ! And Stop Not Till the Goal is Reached.- Swami Vivekananda

All power is within you, you can do anything & everything !- Swami Vivekananda

To be good & to do good, that is the whole of religion.- Swami Vivekananda

Purity, Patience & Perseverance are the three essentials to success, and above all Love !- Swami Vivekananda

Take the whole responsibility on your own shoulders, and know that you are the creator of your own destiny !- Swami Vivekananda

We are what our thoughts have made us, so take care about what you think.- Swami Vivekananda