Shri Ramakrishna Ashrama, Rajkot

Free Books : Life Of Swami Vivekananda

મુંબઈઃ સ્વમીજીનું વિશાળ હૃદય

મુંબઈ જતાં રસ્તામાં સ્વામીજી પોતાના બંને ગુરુભાઈઓને ફરીથી મળ્યા. ખૂબ લાગણીભર્યા સ્વરમાં અને ઊંડી દિલગીરી સાથે તેમણે સ્વામી તુરીયાનંદને કહ્યું : ‘હરિભાઈ, તમારા આ કહેવાતા ધર્મ વિશે હું હજી પણ કંઈ સમજી શકતો નથી... પરંતુ મારું હૃદય ખૂબ વિશાળ બન્યું છે અને હું બીજાની પીડા અનુભવવાનું શીખી ગયો છું. મારું માનો તો મને એની તાતી જરૂર લાગે છે.’ તેમનો સ્વર લાગણીની ભીનાશથી રુંધાઈ ગયો; તેઓ કશું જ વધારે બોલી શકયા નહીં. થોડા સમય માટે સાવ નીરવ શાંતિ પ્રસરી ગઈ અને આંસુ સરવા લાગ્યાં. સ્વામી તુરીયાનંદને વિચાર આવ્યો : ‘શું આ શબ્દો અને લાગણી ભગવાન બુદ્ધનાં નથી ?’ તેમણે કહ્યું છે : હું સ્પષ્ટ રીતે જોઈ શક્યો કે માનવજાતિની યાતનાઓ સ્વામીજીના હૃદયમાં ધબકારા કરી રહી હતી; તેમનું હૃદય એક વિશાળ ચરુ બની ગયું અને માનવજાતિની યાતનાઓ તેમાં શાતાદાયક મલમપટ્ટો બની રહેતી હતી.

ખેતડીના રાજાના પ્રાઈવેટ સેક્રેટરી જગમોહનલાલની સાથે સ્વામીજી મુંબઈ આવી પહોંચ્યા. સ્વામીજીના અનન્ય ભક્ત આલાસિંગા પેરુમલ પણ તેમને વિદાય આપવા માટે સાથે આવ્યા હતા. ખેતડીના મહારાજાએ સ્વામીજીને પ્રથમ વર્ગની ટિકિટ લઈ આપી હતી. સાથે સાથે એક પાકિટ અને કપડાંનો થેલો પણ આપેલાં હતાં. છેવટે ૧૮૯૩ના મેની ૩૧મી તારીખ આવી પહોંચી. તે દિવસે સ્વામીજીએ દરિયાઈ મુસાફરી શરૂ કરવાની હતી. સ્વામીજી સ્ટીમરના ધક્કા ઉપર ઊભા હતા. સ્ટીમર પેનિન્સ્યુલર જાપાન જવા માટે ઊપડી હતી. જમીન સાવ દૃષ્ટિ મર્યાદાની બહાર ન ચાલી ગઈ ત્યાં સુધી સ્વામીજી તેના તરફ જોતા રહ્યા અને જે લોકો તેમને ચાહતા હતા અને જે લોકોને તેઓ પોતે ચાહતા હતા, તેમને પોતાના આશીર્વાદ મોકલતા રહ્યા. તેમની આંખો આંસુથી છલકાતી હતી અને હૃદયમાં લાગણીનો ઊભરો આવી ગયો હતો. તેમના મનમાં ગુરુદેવ, શ્રીમા અને પોતાના ગુરુભાઈઓના વિચારો વારંવાર આવતા હતા.

તેઓ ભારતનાં સંસ્કૃતિ, મહત્તા અને પીડા, ઋષિઓ અને સનાતન ધર્મના જ વિચારો કરતા. તેમનામાં માતૃભૂમિ માટેનો પ્રેમ ઊભરાતો હતો. સમુદ્રનાં ઊછળતાં નીર સામે ધીમા સ્વરે તેઓ ગણગણી રહ્યા: ‘હા, હું ત્યાગની ભૂમિમાંથી વિષયોપભોગોની ભૂમિ તરફ જઉં છું.’ પણ તેમને માટે આ વિષયોપભોગને બદલે કાર્ય બનવાનું હતું, શ્રમભર્યું વિશાળ કાર્ય. તે કાર્ય કઠિન, તનતોડ અને આત્મ-ત્યાગ માગી લે તેવું હતું; ત્યાં આરામની તો વાત જ ન હતી. તેમના જીવનનાં નવ વર્ષ જ બાકી રહ્યાં હતાં, એ વર્ષો સેવા, માનસિક પરિતાપનાં હતાં. તેઓ પોતાના ગુરુદેવ અને જગદંબાનું રટણ કરતા હતા અને આ રટણ સાંભળી શકાતું હતું. હા, વેદાંતજ્ઞાનનો દ્રષ્ટા હંમેશાં અને સર્વત્ર માનો બાળક અને ગુરુદેવનો શિષ્ય હતો. આ રીતે સ્વામીજીની ભારત પરિક્રમાનો અંત આવ્યો અને તેમના વિશ્વપરિભ્રમણની શુભ નિશાનીઓના શ્રીગણેશ થઈ રહ્યા હતા. તેમણે વિશ્વની પરિક્રમા કરવાની હતી.

એ જાણીતી હકીકત છે કે ધર્મસભામાં સ્વામીજી હિન્દુ ધર્મના અધિકૃત પ્રતિનિધિ હતા. બીજા લોકો હિન્દુ ધર્મના જુદા જુદા સંપ્રદાયોનું પ્રતિનિધિત્વ કરતા હતા, પરંતુ સ્વામીજી સમગ્ર હિન્દુ ધર્મના પ્રતિનિધિ હતા. પરંતુ તેઓ માત્ર હિન્દુ ધર્મના જ પ્રતિનિધિ ન હતા, બિનઅધિકૃત રીતે તેઓ માનવજાતિના ધર્મ, વૈશ્વિક ધર્મના પ્રતિનિધિ હતા. રોમાં રોલાંના શબ્દોમાં, તેઓ કોઈના પ્રતિનિધિ ન હતા અને બધાના પ્રતિનિધિ હતા, તેઓ કોઈ એક સંપ્રદાયના ન હતા, પરંતુ સમગ્ર ભારતના હતા સ્વામીજીની ભારત પરિક્રમાની વાતનો જ્યારે આપણે અભ્યાસ કરીએ છીએ ત્યારે આપણને નવાઈ લાગે છે કે કોઈક અદ્રષ્ટ દિવ્ય શક્તિ - પ્રસંગો અને સંજોગો હાથ ધરી રહી છે અને નરેન્દ્રનાથને વૈશ્વિક ધર્મના પ્રચારકાર્ય માટે યોગ્ય નિમિત્ત બનાવવા અને સમગ્ર ભારતના સાચા પ્રતિનિધિ તરીકે તેમનું ઘડતર કરવામાં કાર્યરત હતી. એક જાણીતા લેખકના શબ્દો ઉદ્ધૃત કરીએ તો : ‘તેમની યાત્રા દરમ્યાન તેમને વારાફરતી બૌદ્ધધર્મ અને જૈનધર્મના સારસર્વસ્વનો, રામાનંદ અને દયાનંદના આત્માનો સાક્ષાત્કાર થતો હતો. તેઓ તુલસીદાસ અને નિશ્ચલદાસના ઊંડા અભ્યાસી હતા. મહારાષ્ટ્રના સંતો તથા દક્ષિણના આલ્વારો તથા નયનારો વિશે તેમણે સંપૂર્ણ જ્ઞાન મેળવી લીધું હતું. પરમહંસ પરિવ્રાજકાચાર્યથી માંડીને લાલગુરુના શિષ્ય અકિંચન ભંગી - મહેતર સુધીના લોકો પાસેથી માત્ર તેમની આશાઓ તથા આદર્શો જ નહિ, તેમનાં સંસ્મરણો વિશે જાણી લીધું હતું. તેમની સ્પષ્ટ વિચારધારા અનુસાર મોગલ સામ્રાજ્ય એ ભારતના રાષ્ટ્રિય જીવનની અવિચ્છિન્ન ધારામાં કાર્યકારી શાસનનો સમયગાળો હતો. દૃષ્ટિની વિશાળતા અને સમન્વય સાધવાની હિંમતની બાબતમાં અકબર હિંદુ હતો. શું સ્વામીજીને મન તાજમહેલ એ આરસમાં રહેલ શાકુંતલ ન હતો ? તેમના હોઠ પર ગુરુનાનકનાં ગીતો, મીરાંબાઈનાં અને તાનસેનનાં ગીતો સાથે વારાફરતી રમતાં હતાં. પૃથ્વીરાજ અને દિલ્હીની વાતો તથા ચિત્તોડ અને પ્રતાપસિંહ, શિવ અને ઉમા, રાધા અને કૃષ્ણ, સીતા અને રામ તથા બુદ્ધની વાતો પરસ્પર સાથે રમતી રહેતી હતી. જ્યારે તેઓ ભૂમિકા ભજવતા હતા ત્યારે પ્રત્યેક સશક્ત નાટક ભવ્ય રીતે વાસ્તવિક બની રહેતું હતું. તેઓ મન, હૃદય અને આત્માથી દેશનું જ્વલંત વીર કાવ્ય બની રહ્યા હતા અને તેમના નામ માત્રથી અગમ્ય લાગણીના ઊભરાથી હૃદયસ્પર્શી બની જતું હતું. તેમના હાથમાં દરેક મૂલગત, જૈવિક અને જીવનપ્રદ વસ્તુ જીવંત બની જતી હતી. તેમને જીવનનાં છૂપાં રહસ્યોનું ઉત્પત્તિસ્થાન ક્યાં છે, તેનું તેમને જ્ઞાન હતું. આઘ્યાત્મિક બોધની પરિણતિરૂપ જરૂરી સત્યોની સમજ તેમના હૃદયમાં અગ્નિ જેવી દાહક બની રહેતી હતી. જ્યાં અન્ય લોકોને માત્ર છૂટી છવાઈ હકીકતોનાં દર્શન થતાં હતાં ત્યાં તેમનું મન સંગમનાં દર્શન કરી શકતું હતું. તેમનું મન વસ્તુઓના હાર્દમાં પેસી જઈ શકતું હતું અને તેમના વાસ્તવિક ક્રમમાં તે હકીકતોની રજૂઆત કરતું હતું. વ્યવહારગત સંપૂર્ણ સંસ્કૃતિ સાથે તેમનું મન અત્યંત વૈશ્વિક હતું. જે માનવ વૈદિક અને વેદાંતની, બૌદ્ધ અને જૈનોની, શૈવો અને વૈષ્ણવોની અને મુસ્લિમોની પણ - આમ સમગ્રભારતની સંસ્કૃતિની રજૂઆત ધર્મ પરિષદ સમક્ષ કરવાનો હતો તેને માટે બીજી કઈ વધારે સારી સજ્જતા હોઈ શકે ? જે માણસ પોતે જ સાચા અર્થમાં ધર્મ પરિષદ બની રહ્યો હતો, તેના આ શિષ્ય સિવાય આ કાર્ય માટે બીજું કોણ વધારે યોગ્યતા ધરાવતું હતું ?

સ્વામીજીએ પોતાની ભારત-પરિક્રમા એક પવિત્ર માનવ તરીકે શરૂ કરી હતી. પરંતુ અંતે તેઓ એ દેશભક્ત - પયગંબર તરીકેનું પદ ધરાવતા બની ગયા હતા. ભારતનાં સુખ અને દુ:ખ, આશાઓ અને નિરાશાઓ, આદર્શો અને આકાંક્ષાઓ સાથે તેમણે પોતાની જાતને એકરૂપ કરી દીધી હતી. પછીથી તેમણે પાશ્ચાત્ય શિષ્ય સમક્ષ ઘોષણા કરી હતી તે રીતે તેઓ ‘અખંડ ભારત’ હતા.

You cannot believe in God until you believe in yourself.- Swami Vivekananda

A few heart-whole, sincere, and energetic men and women can do more in a year than a mob in a century.- Swami Vivekananda

Arise ! Awake ! And Stop Not Till the Goal is Reached.- Swami Vivekananda

All power is within you, you can do anything & everything !- Swami Vivekananda

To be good & to do good, that is the whole of religion.- Swami Vivekananda

Purity, Patience & Perseverance are the three essentials to success, and above all Love !- Swami Vivekananda

Take the whole responsibility on your own shoulders, and know that you are the creator of your own destiny !- Swami Vivekananda

We are what our thoughts have made us, so take care about what you think.- Swami Vivekananda