Shri Ramakrishna Ashrama, Rajkot

Free Books : Life Of Swami Vivekananda

મદ્રાસઃ પશ્ચિમના પ્રવાસનું આયોજન

પોંડિચેરી થઈને સ્વામીજી મદ્રાસ પહોંચી ગયા. તેમની સાથે શ્રી મન્મથનાથ ભટ્ટાચાર્ય હતા. તેઓશ્રી મદ્રાસમાં સેન્ટ થોમમાં સ્વામીજીના યજમાન બનવાના હતા. સ્વામીજીની પોતાની ઇચ્છા ન હોવા છતાં તેમની કીર્તિ એ શહેરમાં ક્યારની યે પહોંચી ગઈ હતી. સુદૃઢ ચારિત્ર્યબળવાળા જે યુવકોએ સ્વામીજી વિષે સાંભળેલું હતું અને અંતરાત્માના અવાજથી તેમની મહત્તાને ઓળખી લીધી હતી, તેમણે ખૂબ આનંદપૂર્વક સ્વામીજીનું સ્વાગત કર્યું. ધારાશાસ્ત્રીઓ, ન્યાયમૂર્તિઓ, પ્રાઘ્યાપકો, સંસ્કૃતના પંડિતો, સામાજિક સુધારાચળવળના સદસ્યો- આમ જીવનનાં જુદાં જુદાં ક્ષેત્રોના અગ્રણી લોકો તેમને ઘેરી વળ્યા. સ્વામીજીએ તેમની સાથે દેશના કલ્યાણને સ્પર્શતા જુદા જુદા વિષયો વિષે ચર્ચા-વિચારણા કરી.

એક સાંજે સ્વામીજી પોતાના મિત્રો સાથે સમુદ્ર કિનારે ફરતા હતા. તેમણે દરિયાનાં કમર સુધી ઊંડાં પાણીમાં અર્ધભૂખ્યાં ખલાસી બાળકોને તેમની માતાઓ સાથે કામ કરતાં જોયાં, ત્યારે સ્વામીજીની આંખોમાં આંસું આવી ગયાં અને તેઓ બોલ્યા : ‘હે ભગવાન, આ દુ:ખી જીવોને તું કેમ જન્માવે છે ! મારાથી જોયું જતું નથી. હે ભગવાન, કેટલા વખત સુધી, કેટલા સમય સુધી આ ચાલ્યા કરશે !’ તેમની સાથે જે લોકો હતા, તેઓ પણ આથી અભિભૂત થઈ ગયા અને આંસું સારવા લાગ્યા.

શિકાગોમાં મળનારી ધર્મસભામાં હાજરી આપવા માટે પોતે પશ્ચિમમાં જવાના છે, એવો પોતાનો ઈરાદો સ્વામીજીએ અગાઉ જાહેર કરી દીધો હતો. મદ્રાસમાં પોતાના બધા પરિચિતોને તેમણે કહ્યું આપણા ધર્મના પ્રચાર માટેનો સમય આવી પહોંચ્યો છે. ઋષિઓના ધર્મ હિંદુધર્મને માટે ગતિશીલ બનવાનો સમય આવી પહોંચ્યો છે. આપણા પ્રાચીન ધર્મના કિલ્લાનો નાશ કરવાનો પ્રયત્ન અજાણ્યા લોકો કરતા હોય ત્યારે શું આપણે હાથ જોડીને ઊભા જ રહીશું ? શું આપણને તેની અભેદ્યતાથી સંતોષ છે ? શું આપણે ભૂતકાળની પેઠે નિષ્ક્રિય બની રહીશું કે આક્રમક બનીશું અને આપણા ધર્મની યશગાથાનો બોધ જગતનાં રાષ્ટ્રોને કરાવીશું ? શું આપણે આપણાં સામાજિક જૂથોની સંકુચિત સીમાઓનાં તથા પ્રાંતીય સભાનતામાં જ ગોંધાયેલા રહીશું અથવા અન્ય લોકોની વૈચારિક દુનિયામાં ભારતના હિતમાં તેમના પર પ્રભાવ પાડવા માટે પગ પેસારો કરીશું ? ફરીથી ઉત્થાન પામવા માટે ભારતે બળવાન અને એક બનવું જોઈએ. પોતાનાં જીવંત પરિબળોને એક ઠેકાણે કેન્દ્રિત કરવાં જોઈએ.

યુવાનોએ દિલથી સ્વામીજીના વિચારને માન્યો ને તેમના પ્રવાસ માટે નાણાં એકઠાં કરવા માંડ્યાં. જ્યારે આ યુવાનોએ રામનદના રાજાને મદદ માટે લખ્યું, ત્યારે કંઈક વિચિત્ર કારણને લીધે રાજાએ ના પાડી દીધી; જો કે તેમણે આ પહેલાં રામનદમાં સ્વામીજીને આ બાબતમાં હા પાડી હતી. યુવાનોએ જે પૈસા એકઠા કર્યા હતા, તેનું વિતરણ ગરીબ માણસોમાં કરી દેવાનું કહ્યું, કેમકે તેમની એ યોજના પ્રભુની ઇચ્છા અનુસાર હતી કે નહિ એની તેમને સંપૂર્ણ ખાતરી ન હતી. એ માટે મા જગદંબા એમને આદેશ કરે તેમ તેઓ ઇચ્છતા હતા.

તે સમય દરમ્યાન કેટલાક મિત્રોની વિનંતીથી સ્વામીજીએ થોડા સમય માટે હૈદરાબાદની મુલાકાત લીધી અને મહેબૂબ કૉલેજમાં ‘પશ્ચિમ માટે મારું જીવન-કાર્ય’ પર પોતાનું જાહેર વ્યાખ્યાન આપ્યું. તેમાં તેમણે હિંદુ ધર્મનાં જમા પાસાં, હિંદુ સંસ્કૃતિની મહત્તા અને પ્રાચીન સમયના સમાજ વિષે વાતો કરી અને વૈદિક તથા તે પછીની વિચારધારાની રૂપરેખા રજૂ કરી... અંતમાં તેમણે પોતાના પ્રચારકાર્ય વિષે કહ્યું, ‘મારું કાર્ય માતૃભૂમિના પુનર્નિર્માણ કરવાથી જરાય ઓછું નથી.’ તેમણે પોતાની લાગણી પ્રકટ કરતાં ઘોષણા કરી કે તેમને માટે ભારતના મિશનરી તરીકે પશ્ચિમમાં જવું અનિવાર્ય હતું. ત્યાં તેમણે વેદ-વેદાંતની અનોખી યશગાથા દુનિયા સમક્ષ પ્રકટ કરવાની હતી.

૧૮૯૩ની ૧૭ ફેબ્રુઆરીએ સ્વામીજી મદ્રાસ પાછા આવ્યા ત્યારે તેમણે પ્રભુની ઇચ્છા જાણવાનો સંકલ્પ કર્યો. તેમના પશ્ચિમમાં જવાની ખાતરી થઈ ગઈ, પરંતુ એમને ‘જગદંબા જ સીધો આદેશ આપે’ તેમ ઇચ્છતા હતા. તેઓ દરરોજ ઊંડા ઘ્યાન સાથે શ્રીમા તથા ગુરુદેવને માર્ગદર્શન માટે પ્રાર્થવા લાગ્યા. એક સ્વપ્નમાં તેમણે સમુદ્રતટેથી સમુદ્રમાં જતી શ્રીઠાકુરની આકૃતિ જોઈ; તે તેમને પોતાની પાછળ પાછળ આવવા ઈશારો કરતી હતી. તેમને પ્રભુની મંજૂરી મળી ગઈ છે એ પ્રતીતિ થઈ અને તેમણે શ્રીમાને એક પત્ર લખ્યો. તેમાં પોતે લાંબા પ્રવાસે જવા માગે છે તેવી ઝંખના વ્યક્ત કરી અને માના આશીર્વાદ માગ્યા. પોતાને થયેલાં શરૂઆતનાં દર્શનોથી મા જાણતાં હતાં કે હવે શ્રીરામકૃષ્ણ પોતાના પટ્ટ શિષ્ય નરેન દ્વારા કાર્ય કરશે. માએ પ્રેમભરી શિખામણ સાથે પોતાના આશીર્વાદ મોકલ્યા. સ્વામીજીના આનંદનો કોઈ પાર ન રહ્યો. હવે તેમની બધી શંકાઓ દૂર થઈ ગઈ. તેમણે મનમાં કહ્યું : ‘હવે બધું બરાબર છે. એ માની મરજી છે.’

મદ્રાસના યુવાનોએ ફરીથી સ્વામીજીના પ્રવાસ માટે નાણાં એકત્ર કરવા માંડ્યાં. આ હેતુ માટે આલાસિંગાએ તો શબ્દશ: કહીએ તો ઘરે ઘરે ફરીને ભિક્ષા માગવા માંડી. પોતે સામાન્ય લોકો અને ગરીબ માણસો માટે જઈ રહ્યા હતા, તેથી સ્વામીજીએ તેમને સૂચના આપી કે તેઓ મઘ્યમ વર્ગના લોકોને આ માટે અનુરોધ કરે. સ્વામીજી મદ્રાસથી રવાના થવાના હતા, પરંતુ તેમના શિષ્ય ખેતડીના રાજાના ભાવભર્યા નિમંત્રણને લીધે તેઓ રાજપૂતાના ગયા અને મુંબઈથી પ્રવાસ શરૂ કરવાનો નિર્ણય કર્યો. મુંબઈમાં તેમને પોતાના બે ગુરુભાઈઓ - સ્વામી બ્રહ્માનંદ તથા તુરીયાનંદને મળવાનું થયું. સ્વામી તુરીયાનંદને તેમણે કહ્યું:  ‘હરિભાઈ, હું અમેરિકા જઈ રહ્યો છું. ત્યાં તમને જે કાંઈ ઘટનાઓ બનતી સાંભળવા મળે (અર્થાત્ ધર્મસભામાં જે કાંઈ તૈયારીઓ માટે બને), એ બધું મારા માટે જ ગોઠવાય છે (એમ કહીને સ્વામીજીએ પોતાની છાતી ઠોકી.)

સ્વામીજીને લાગતું હતું કે દિવ્ય હાથ તેમને પગલે પગલે માર્ગ દર્શાવી રહ્યો છે અને તેમનું રક્ષણ કરી રહ્યો છે. પોતાના પરિભ્રમણ દરમ્યાન સ્વામીજીને બીજા ઘણા અનુભવો થયા. એનાથી ભગવાન પરની તેમની શ્રદ્ધાને અડગ બનાવી. તેમણે વ્રત લીધું હતું કે હું પૈસાને સ્પર્શ નહીં કરું. કેટલીક વાર તેઓ એક વધારાનું વ્રત લેતા કે હું મારા ખોરાક માટે કોઈની પાસે માગણી નહીં કરું, પરંતુ સંજોગોવશાત્ જે કાંઈ આવી મળશે, તેનો હું સ્વીકાર કરી લઈશ. આ વ્રતની પાછળ તેમનો આશય હતો, ભગવાન પર આધાર રાખનારા લોકોનીએ કેવી કાળજી રાખે છે, તે વાતનો અનુભવ કરવાનો. આ વ્રતને લીધે તેમને કેટલીકવાર દિવસો સુધી સતત ભૂખ્યા રહેવું પડતું હતું. કદાચ ભગવાનની યોજના એવી હશે કે સમાજનો સૌથી ગરીબ વર્ગ ભૂખમરાને લીધે કેટલું સહન કરતો હશે, તેનો સ્વામીજીને જાત અનુભવ થઈ શકે. પશ્ચિમમાં તેઓ ઘણીવાર મુશ્કેલીભર્યા સંજોગોમાં મુકાઈ જતા, પરંતુ તેઓ હંમેશાં શાન્ત અને સ્વસ્થ રહેતા, કેમકે તેમને ખાતરી હતી કે ભગવાન તેમનું ચોક્કસ રક્ષણ કરશે.

You cannot believe in God until you believe in yourself.- Swami Vivekananda

A few heart-whole, sincere, and energetic men and women can do more in a year than a mob in a century.- Swami Vivekananda

Arise ! Awake ! And Stop Not Till the Goal is Reached.- Swami Vivekananda

All power is within you, you can do anything & everything !- Swami Vivekananda

To be good & to do good, that is the whole of religion.- Swami Vivekananda

Purity, Patience & Perseverance are the three essentials to success, and above all Love !- Swami Vivekananda

Take the whole responsibility on your own shoulders, and know that you are the creator of your own destiny !- Swami Vivekananda

We are what our thoughts have made us, so take care about what you think.- Swami Vivekananda