Shri Ramakrishna Ashrama, Rajkot

Free Books : Life Of Swami Vivekananda

મદુરાઈ અને રામેશ્વરમ્ઃ ભારતના પ્રાચીન તીર્થો

કન્યાકુમારીથી રામેશ્વરમ્ આવવા સ્વામીજી રવાના થયા. માર્ગમાં એ મદુરાઈ રોકાયા અને ત્યાં રામનાદના રાજા ભાસ્કર સેતુપતિને એ મળ્યા. રાજા ઉપરનો ભલામણ પત્ર સ્વામીજી પાસે હતો. ભારતના રાજાઓમાં એક સંસ્કારી, દૂરદૃષ્ટિવાળા અને પ્રેમભક્તિભર્યા રાજવીની કક્ષામાં જેમને મૂકી શકાય એવા આ રાજવી સ્વામીજીના પ્રશંસક અને ભક્ત બની ગયા. ગરીબ લોકોને શિક્ષણ આપવા વિશેના, ખેતી સુધારણા વિશેના અને ભારતના પ્રશ્નો અને એની નિહિત શક્તિ વિશેના પોતાના અનેક વિચારો સ્વામીજીએ એ રાજાને કહ્યા. શિકાગોની આગામી વિશ્વધર્મ પરિષદમાં જવાનો અને ત્યાં જવાથી ભારતના આઘ્યાત્મિક ચિંતન ભણી જગતનું ઘ્યાન દોરવાનો, પૂર્વના જ્ઞાનનો પ્રકાશ પશ્ચિમમાં લઈ જવા માટે સ્વામીજીએ અવશ્ય અમેરિકા જવું જોઈએ. તેમજ ભારતમાંના પોતાના કાર્યનો પાયો નાખવાનો મજાનો મોકો સ્વામીજીને મળશે, માટે ત્યાં જવાનો રાજાએ સ્વામીજીને ખૂબ આગ્રહ કર્યો. રાજાએ એમને ઉત્તેજન આપ્યું અને સહાયનું વચન આપ્યું. રામેશ્વરમ્ જવા આતુર હોવાથી સ્વામીજીએ વિદાય લેતાં કહ્યું: ‘નજીકના ભવિષ્યમાં જ અમેરિકા જવાના મારા નિર્ણય વિશે હું આપને જાણ કરીશ.’ રામેશ્વરની યાત્રાથી સ્વામીજીની એક મહેચ્છા પૂરી થઈ. સ્વામીજીના ભારત-પરિભ્રમણ યાત્રાનું અથવા બીજા શબ્દોમાં કહીએ તો ભારતની આરપારની પરિવ્રજ્યાનું એ પૂર્ણ વિરામ હતું. પોતે પ્રાચીન મહિમામંડિત ભારતની ઉત્તરે આવેલા નગાધિરાજ હિમાલયનું આરોહણ કર્યું હતું, પશ્ચિમે ભગવાન શ્રીકૃષ્ણની પાદરજથી પાવન થયેલ પવિત્ર દ્વારિકાપુરીમાં પણ સ્વામીજી ગયા હતા અને હવે ચારધામમાંના દક્ષિણની કાશીને નામે સુપ્રસિદ્ઘ એવા રામેશ્વર ધામમાં પણ પહોંચી ગયા હતા. અહીં રામચંદ્રજીએ મંદિર બંધાવીને શિવની પ્રતિષ્ઠા કરી હતી. આ મહાન તીર્થધામનાં દર્શન કરવાની વર્ષોથી સેવેલી પોતાની ઝંખના પરિપૂર્ણ થતાં સ્વામીજી આનંદમગ્ન બન્યા હતા. જો કે એમની બદરીનાથ દર્શનની ઝંખના પૂર્ણ કરવા તેઓ ત્યાં જઈ શક્યા ન હતા અને પુરીની યાત્રાનો પણ પૂર્વે આરંભ કર્યો હોવા છતાં તેઓ ત્યાં પણ ગયા ન હતા. પણ દેહથી એ ભલે ત્યાં ન ગયા હોય, ભારત અને એની પ્રજાના ભૂત અને વર્તમાન સાથે એકરૂપ બનીને અને એની ભાવિ પ્રગતિમાં જાતને સમર્પિત કરીને એમણે આત્માથી ઐક્ય સાઘ્યું હતું.

પોતાની ભારત પરિક્રમા દરમિયાન ભારતીય આદર્શોમાં વિશ્વની એકતાની સ્વામીજી સતત ખોજ કરતા. ભારતીયોમાં રીતરિવાજોની અને રૂઢિઓની પૂરી વિવિધતા હોવા છતાં, એમની ભીતર આઘ્યાત્મિક દર્શનની એકતા અનુસ્યૂત છે એ પણ સ્વામીજી આખરે જોઈ શક્યા હતા. મુસ્લિમ અને હિંદુ વચ્ચે દેખાતા બાહ્ય ભેદો દેખાવમાં વધારે લાગતા હતા પણ હકીકતમાં એ બાહ્ય ભેદો સાચા કે વાસ્તવિક નથી. એનું કારણ એ છે કે હિંદુઓના જેટલા જ મુસલમાનો પણ ઉદાર, ઉદાત્ત, માનવતાભર્યા અને ભારતીય ભાવે રંગાયેલા હતા. મુસલમાનોમાં જેઓ સંસ્કારપૂત હતા તેઓ હિંદુ સંસ્કૃતિનો આદર કરતા. સૂફીવાદ અને અદ્વૈત વેદાંત વચ્ચે નિકટનો સંબંધ છે તે તેઓ જાણતા હતા. સ્વામીજીને મન મુસ્લિમો અને હિંદુઓ પ્રથમ ભારતવાસીઓ હતા; એટલે પોતપોતાના ધર્માનુસાર એમની વચ્ચેના ભેદ દેશબાંધવો તરીકેની એમની સાચી ઓળખ પાસે ગૌણ હતા.

બધા પ્રકારના ધર્મોની આંતરિક પૂર્ણતાને પોતે જોઈ શકે અને એમની અકાંક્ષાઓ પ્રતિ સહાનુભૂતિ દાખવી શકે એટલી હદે સ્વામીજીની ક્ષિતિજ વિસ્તરી હતી. શિક્ષિત વર્ગો તરફથી ગરીબો પ્રત્યે સહાનુભૂતિની ભાવના કેળવાય તો, જુદા જુદા પંથના અને જુદી જુદી જ્ઞાતિઓનાં લોકો બંધુત્વની ભાવના કેળવીને વ્યવસ્થિત નાગરિક જીવનનાં કાર્યો માટે સંગઠિત થઈ શકે એ તેમને સ્પષ્ટ દેખાયું. ધર્મનો આદર્શ અને તેનો વ્યવહાર રાજ્યથી અલિપ્ત રહી શકે અને રાજ્યને અસર કરે નહિ તે પ્રકારની વ્યક્તિગત બાબત જ હોય એમ તેમને લાગ્યું હતું. વિશેષમાં પાશ્ચાત્ય ધર્મરંગે રંગાયેલાં એ સમયનાં કેટલાંક ધાર્મિક આંદોલનો કદાચ અજાણપણે પણ અર્વાચીન સંક્રાંતિકાળને સ્થિર થવામાં યોગદાન આપી રહ્યાં હતાં. જરૂરી અને બિનજરૂરી વચ્ચે વધારે વિવેક વાપરવાથી સાંપ્રદાયિક કડવાશ દૂર થઈ જશે અને પ્રાચીન ભારતીય સંસ્કૃતિના તત્ત્વનું અને મહત્ત્વનું આજની આવશ્યકતાઓના ઉપલક્ષ્યમાં નવેસરથી મૂલ્યાંકન કરવાના સમાન કાર્યમાં સૌ એક થઈ જશે, એવી તેમની આશા હતી. ભારતીય જગતના આવા સમન્વિત અભિગમ સાથે અને એના આદર્શોની યોગ્યતામાં શ્રદ્ધા સાથે સ્વામીજી મદ્રાસ આવ્યા. એમનું પરિભ્રમણ લગભગ પૂરું થવા આવ્યું હતું. 

You cannot believe in God until you believe in yourself.- Swami Vivekananda

A few heart-whole, sincere, and energetic men and women can do more in a year than a mob in a century.- Swami Vivekananda

Arise ! Awake ! And Stop Not Till the Goal is Reached.- Swami Vivekananda

All power is within you, you can do anything & everything !- Swami Vivekananda

To be good & to do good, that is the whole of religion.- Swami Vivekananda

Purity, Patience & Perseverance are the three essentials to success, and above all Love !- Swami Vivekananda

Take the whole responsibility on your own shoulders, and know that you are the creator of your own destiny !- Swami Vivekananda

We are what our thoughts have made us, so take care about what you think.- Swami Vivekananda