Shri Ramakrishna Ashrama, Rajkot

Free Books : Life Of Swami Vivekananda

મહારાષ્ટ્રમાં સ્વામીજી

પછી લીંબડીના ઠાકોર સાહેબ મહાબળેશ્વર છે એ ખબર મળતાં એમને મળવા સ્વામીજી ત્યાં ગયા અને લગભગ ત્રણ માસ ત્યાં રોકાયા. એ ગાળા દરમિયાન ઠાકોર સાહેબ જશવંતસિંહજી સાથે એમણે તત્ત્વજ્ઞાનની અને આત્મજ્ઞાનની ચર્ચા કરી હતી. મહાબળેશ્વરથી સ્વામીજી પુણે ગયા. ત્યાંથી ૧૮૯૨ના જૂનના પાછલા ભાગમાં સ્વામીજી મઘ્યપ્રાંતમાં ખંડવા ગયા. શિકાગોની વિશ્વધર્મ પરિષદમાં જવાનો પોતાનો ઇરાદો એમણે ખંડવામાં પહેલીવાર પ્રગટ કર્યો. પોતાના યજમાન હરિનાથ ચેટરજીને તેમણે કહ્યું: ‘મારા પ્રવાસ ખર્ચની વ્યવસ્થા કોઈ કરે તો બધું ઠીક થઈ રહે અને હું ત્યાં જઉં.’ સ્વામીજી લગભગ ત્રણ અઠવાડિયાં ખંડવા રોકાયા હતા. એ દરમિયાન એમણે ઈંદોરની ટૂંકી મુલાકાત લીધી હતી. ત્યાંનાં પ્રખ્યાત રાણી અને ભારતનાં મહાન કુશળશાસક રાણી અહલ્યાબાઈની છત્રીની મુલાકાત તેમણે લીધી હતી. એમ કહેવાય છે: ‘એમનાં ધર્માદાનાં કાર્યો હિમાલયથી કન્યાકુમારી સુધી અને સોમનાથથી જગન્નાથ સુધી ફેલાયેલાં હતાં.’

સ્વામીજીને ખંડવામાં વધારે રોકાવા હરિદાસ બાબુએ આગ્રહ કર્યો પણ સ્વામીજી માન્યા નહિ. હરિદાસ બાબુએ મુંબઈમાં પોતાના ભાઈ ઉપર ભલામણ પત્ર સ્વામીજીને આપ્યો અને કહ્યું: ‘મારો ભાઈ પ્રખ્યાત બેરિસ્ટર રામદાસનો આપને પરિચય કરાવશે.’ (પછીથી એના પિતા છબીલદાસે સ્વામીજી સાથે યોકોહામાથી શિકાગો સુધી પ્રવાસ કર્યો હતો.) ‘કદાચ એ આપને સહાયરૂપ બને, ખરેખર સ્વામીજી, આપની સમક્ષ ઉજ્જ્વળ ભવિષ્ય છે !’ સ્વામીજીએ જવાબ આપ્યો: ‘તે ભલે, હું એ કંઈ જાણતો નથી પણ, મારા ભાવિ વિશે મારા ગુરુ ઘણી વાતો કરતા.’ અનેક મિત્રોને અને પ્રશંસકોને ખંડવામાં જ રાખીને ૧૮૯૨ના જુલાઈના છેલ્લા અઠવાડિયામાં સ્વામીજી મુંબઈ ગયા અને રામદાસ છબીલદાસના અતિથિ બન્યા. રામદાસ શ્યામજીકૃષ્ણ વર્માના સાળા થતા હતા. ત્યાં મોટા ભાગનો સમય સ્વામીજી વેદાઘ્યયનમાં ગાળતા હતા.

પોતાના મુંબઈના નિવાસ દરમિયાન કોઈ સમયે શહેરની ઉત્તરે વીસ માઈલ દૂર આવેલી કન્હેરી ગુફાઓની મુલાકાત સ્વામીજીએ લીધી હતી. એની ત્રણ બાજુએ સાગર છે. બૌદ્ધ યુગમાં બૌદ્ધ સાધુઓ ત્યાંની ૧૦૯ ગુફાઓમાં નિવસતા હતા. બે-એક મહિના મુંબઈ રહ્યા પછી સ્વામીજી પુણે ગયા. મુંબઈ છોડતી વેળા સ્ટેશન પર એમને લોકમાન્ય બાળગંગાધર ટિળકનો પરિચય કરાવવામાં આવ્યો. ટિળક ખ્યાતનામ વિદ્વાન અને દેશભક્ત હતા અને એ સ્વામીજીના સહપ્રવાસી હતા. પુણેમાં મહાન દેશભક્ત લોકમાન્ય બાળગંગાધર ટિળકને ત્યાં સ્વામીજીનો ઉતારો હતો. સ્વામીજીએ એમની સાથે અનેકવિધ સમસ્યઓની રસભરી ચર્ચા કરી હતી. પુણેમાં સ્વામીજીએ ડેક્કન ક્લબમાં પ્રવાહી અંગ્રેજીમાં પ્રવચન આપ્યું હતું. અને ત્યાં હાજર હતા તે સૌ સ્વામીજીની ઉચ્ચ શક્તિથી પ્રભાવિત થયા હતા. સ્વામીજીને ત્યાં સાંભળ્યા પછી શહેરના ઘણા લોકો સ્વામીજીની આસપાસ ટોળે વળવા લાગ્યા. સ્વામીજી એમની સાથે ગીતા અને ઉપનિષદોની વાતો કરતા. પછી સ્વામીજી કોલ્હાપુર ગયા. ત્યાંના રાજા સાહેબ તથા રાણી સાહેબે એમનો ખૂબ આદર સત્કાર કર્યો.  કોલ્હાપુરનાં મહારાણી સ્વામીજીનાં મોટાં ભક્ત બન્યાં અને નવું ભગવું કપડું ગ્રહણ કરવા તેમણે સ્વામીજીને આગ્રહ કર્યો હતો. અહીંના એક અધિકારીએ એમને બેલગામના એક સદ્‍ગૃહસ્થ ઉપર પરિચયપત્ર લખી આપ્યો.

કોલ્હાપુરના થોડા રોકાણ પછી ૧૮૯૨ના ઓક્ટોબરની ૧૫મીની આસપાસ સ્વામીજી દક્ષિણ તરફ બેલગામ ગયા. પરિચયપત્ર સાથે અહીંના જંગલખાતાના અધિકારી બાબુ હરિપદ મિત્રને મળ્યા અને તેમના અતિથિ બન્યા. બેલગામમાં વિદ્વાન અને ધર્મપ્રેમી ગૃહસ્થો પર સ્વામીજીનો ભારે પ્રભાવ પડ્યો હતો. સ્વામીજીની અમુક લાક્ષણિકતાઓથી સદ્‍ગૃહસ્થોનાં ઘરનાં માણસો નવાઈ પામ્યાં. સ્વામીજીએ એ બધાંને સમજણ પાડી કે કામકાંચનનો ત્યાગ એ જ સાચો ત્યાગ છે, અને બીજી અન્ય ક્ષુલ્લક વસ્તુઓના ત્યાગનું કશું મહત્ત્વ નથી. હરિપદ બાબુ સંન્યાસીઓ પ્રત્યે હંમેશાં વક્રદૃષ્ટિથી જ જોતા. પરંતુ સ્વામીજીનો સહેજ પરિચય થતાં જ એમણે જોઈ લીધું કે આ કોઈ લેભાગુ સાધુ નથી, પણ પોતાના કરતાં અનેકગણો જ્ઞાની સાધુપુરુષ છે. હરિપદ અને એમનાં પત્ની સ્વામીજી પાસેથી મંત્રદીક્ષા લઈને ભાગ્યશાળી બન્યાં. પોતાના પશ્ચિમના પ્રવાસની વાત અહીં એક શિષ્યને એમણે ફરી કરી હતી, પણ પોતે પોતાની ભારતપરિક્રમા પૂર્ણ કરી ન લે ત્યાં સુધી કશો ફાળો સ્વીકારવાની એમણે ના પાડી. આ પરિવ્રજ્યા દરમિયાન એમણે અયાચકવ્રત ધારણ કરવાનો દૃઢ નિર્ણય કર્યો હતો.

You cannot believe in God until you believe in yourself.- Swami Vivekananda

A few heart-whole, sincere, and energetic men and women can do more in a year than a mob in a century.- Swami Vivekananda

Arise ! Awake ! And Stop Not Till the Goal is Reached.- Swami Vivekananda

All power is within you, you can do anything & everything !- Swami Vivekananda

To be good & to do good, that is the whole of religion.- Swami Vivekananda

Purity, Patience & Perseverance are the three essentials to success, and above all Love !- Swami Vivekananda

Take the whole responsibility on your own shoulders, and know that you are the creator of your own destiny !- Swami Vivekananda

We are what our thoughts have made us, so take care about what you think.- Swami Vivekananda