Shri Ramakrishna Ashrama, Rajkot

Free Books : Life Of Swami Vivekananda

ગુજરાતમાં સ્વામી વિવેકાનંદ

અજમેરથી સ્વામીજી ઐતિહાસિક નગરી અમદાવાદમાં ગયા. અહીં સ્વામીજીએ થોડાક દિવસ ભિક્ષાવૃત્તિથી કાઢ્યા. પછી એક સબ-જજ શ્રીયુત્ લાલશંકર ઉમિયાશંકરે એમનો આદરસત્કાર કર્યો. કર્ણાવતી નામે પહેલાં ઓળખાતું એ શહેર ગુજરાતના સુલતાનોની રાજધાની હતું અને ભારતનાં સુંદર શહેરોમાંનું એક છે. ત્યાંનાં જૈન દહેરાંથી અને મસ્જિદો અને કબરોમાં પ્રગટતી મુસ્લિમ સંસ્કૃતિની ભવ્યતાથી સ્વામીજી ખૂબ પ્રભાવિત થયા હતા. ત્યાં એમણે જૈન ધર્મના પોતાના જ્ઞાનમાં અભિવૃદ્ધિ કરી. અમદાવાદથી વઢવાણ થઈને સ્વામીજી લીંબડી ગયા. મુસાફરીના પરિશ્રમથી થાકી ગયા હતા. શહેર બહારની એક સાધુની જગ્યામાં એમણે ઉતારો રાખ્યો. થોડા દિવસો પછી એમને ખબર પડી કે એ તો વામમાર્ગીઓનો અડ્ડો છે. એ સાધુઓએ સ્વામીજીની ઓરડીને બહારથી એક દિવસ સાંકળ ચડાવી દીધી. સ્વામીજી માટે અહીંથી નાસી જવું અશક્ય બન્યું.

 આ અધમ, તાંત્રિક સાધુઓની પકડમાંથી લીંબડીના ઠાકોર જશવંતસિંહજીએ સ્વામીજીને બચાવ્યા. લીંબડીના ઠાકોર સાહેબના નિમંત્રણથી સ્વામીજી રાજમહેલના અતિથિ બન્યા. લીંબડીમાં એમણે પંડિતો સાથે સંસ્કૃતમાં અનેકવાર સંભાષણો કર્યાં. પુરીના ગોવર્ધન મઠના પરમ પૂજ્ય શંકરાચાર્ય આના સાક્ષી હતા. આ યુવાન સંન્યાસીના જ્ઞાનથી અને એની બુદ્ધિની વિશાળતાથી તથા સહાનુભૂતિ ભાવથી શંકરાચાર્ય પ્રભાવિત થયા હતા.

પશ્ચિમમાં વેદાંતના પ્રચારનો ખ્યાલ સ્વામીજીને સૌ પ્રથમ લીંબડીના ઠાકોર સાહેબ પાસેથી પ્રાપ્ત થયો હતો. સનાતન ધર્મના મોટા સ્તંભ રૂપ અને તે સાથે પ્રગતિશીલ વિચારોવાળા ઠાકોર સાહેબ પોતે કેટલાંક વર્ષો પહેલાં ઈંગ્લેન્ડ અને અમેરિકા જઈ આવ્યા હતા. પહેલાં લીંબડીમાં અને પછી મહાબળેશ્વરમાં સ્વામીજીના ધાર્મિક વાર્તાલાપો સાંભળીને અને એમની સાથે ચર્ચા કરીને ઠાકોર સાહેબ ખૂબ આનંદિત થયા હતા. મહાબળેશ્વરમાં સ્વામી અભેદાનંદને સ્વામીજીમાં ‘અગ્નિશિખા પરના આત્મા’નાં દર્શન થયાં હતાં. એમને સ્વામીજી ઊર્મિશીલતાથી પીડાતા અને હિંદુઓના આઘ્યાત્મિક પુનરુદ્ધાર માટેના ખ્યાલોથી છલકાતા જણાયા હતા. પોતાના એ ગુરુભાઈને સ્વામીજીએ કહ્યું હતું: ‘ઊર્જાનો એવો પ્રચંડ ઊભરો હું અનુભવું છું કે જાણે હું ફાટી પડીશ.’ લીંબડીથી ભાવનગર અને શિહોર થઈને સ્વામીજી જૂનાગઢ ગયા. ત્યાંના દીવાન શ્રી હરિદાસ વિહારીદાસ દેસાઈના અતિથિ બન્યા અને સ્વામીજી એમના નિકટના પરિચયમાં આવ્યા; દીવાનજીને ત્યાં મોડી રાત સુધી જ્ઞાનચર્ચા ચાલતી અને ઘણા જિજ્ઞાસુઓ એનો લાભ લેતા. દીવાનને તેમણે પશ્ચિમમાંથી બે પ્રેરક પત્રો લખ્યા હતા. ત્યાં ગિરનાર પહાડ પર એમણે કેટલાક દિવસ ઘ્યાનમાં ગાળ્યા. પશ્ચિમની દુનિયાના નીતિશાસ્ત્રના પુનરુદ્ધાર પર ઈશુની અસર વિશે પણ એમણે વાત કરી હતી. યુરોપની મઘ્યયુગીન કલા, સંસ્કૃતિ, એની રાજ્યવ્યવસ્થાઓ, એના સાધુ સંપ્રદાયો, એનું ધાર્મિક જીવન ઇત્યાદિ તમામ બાબતો પર સંન્યાસી ઈશુના બોધના પ્રભાવને એમણે વર્ણવ્યો હતો. એમાંથી સનાતન ધર્મની મહત્તા વર્ણવવા તરફ એ વળ્યા અને પોતાના શ્રોતાઓના એ વિષયના જ્ઞાનમાં વૃદ્ધિ કરી. પછી દેશપ્રીતિથી પ્રેરાઈને પશ્ચિમની ધાર્મિક કલ્પના પર હિંદુધર્મની કેવી અસર છે તે સમજાવ્યું અને મઘ્ય તથા પશ્ચિમ એશિયા આ આંતરજાતીય આપલેનું કેવું તંત્રસ્થાન હતું તે દર્શાવ્યું. એમની પોતાની સંસ્કૃતિનાં મૂલ્યો તેમણે સમજાવ્યાં અને વિશ્વભરમાં આઘ્યાત્મિક વિચારણાના વિકાસમાં હિંદુ અનુભૂતિનું પ્રદાન શું હતું તે દર્શાવ્યું. દક્ષિણેશ્વરના સંતના જીવન અને સંદેશ વિશે પણ તેમણે કહ્યું. આમ દૂરના પ્રદેશોમાં પણ શ્રીરામકૃષ્ણનાં નામ અને કાર્ય ખ્યાતિ પામ્યાં. પ્રાચીન સ્મારકોમાં અને ખંડેરોમાં સ્વામીજીને રસ હોવાથી તેમના અભ્યાસ માટે તેમને જૂનાગઢમાં પૂરતો અવકાશ સાંપડ્યો. ત્યાં ઉપરકોટનો કિલ્લો છે. રાજપૂતકાલીન મહેલ છે, બે પ્રાચીન કૂવાઓ છે અને ખાપરાખોડિયાની ગુફાઓને નામે ઓળખાતી બૌદ્ધકાલીન ગુફાઓ છે. પરંતુ મુખ્ય રસની બાબત અશોકનો શિલાલેખ છે. શહેરની બહાર થોડે અંતરે વિશાળ શિલા પર સમ્રાટ અશોકના અને બીજા બે સમ્રાટોના લેખો કોતરવામાં આવ્યા છે.

જૂનાગઢથી સ્વામીજી ભૂજ ગયા. ત્યાંના દીવાનસાહેબે પોતાને ઘેર સ્વામીજીને ઉતારો આપ્યો અને એની સાથે સ્વામીજીએ ખૂબ ચર્ચા કરી. જૂનાગઢના દીવાનની સાથે જે ચર્ચા કરી હતી એ વિષયોની ધર્મચર્ચા, દેશના ઔદ્યોગિક, કૃષિવિષયક અને આર્થિક પ્રશ્નોની ચર્ચા થઈ હતી. આમ પ્રજામાં કેળવણીના પ્રચાર-પ્રસારના વિષય પર તેમણે વિશેષ ભાર મૂક્યો હતો. દીવાને સ્વામીજીને કચ્છના મહારાવનો પરિચય કરાવ્યો. મહારાવ ખેંગારજી સાથેની સ્વામીજીની લાંબી ચર્ચાથી મહારાવ પ્રભાવિત થયા હતા. કચ્છનાં સુખ્યાત ધર્મસ્થાનો જેવાં કે નારાયણ સરોવર, જાડેજાનાં કુળદેવી આશાપુરાનાં  દર્શને ગયા હતા.ત્યાં આવેલાં યાત્રાધામોની મુલાકાત સ્વામીજીએ લીધી હતી અને યાત્રાળુઓ તથા બીજા સંન્યાસીઓને હળીમળી જ્ઞાનમાં વૃદ્ધિ કરી હતી. ભૂજથી એ પાછા જૂનાગઢ આવ્યા. ત્યાં તેમણે થોડો આરામ કર્યો અને ત્યાંથી વેરાવળ અને પાટણ ગયા. સોમનાથની ખ્યાતિ અતિપ્રાચીન છે. સ્વામીજી એનો ઇતિહાસ જાણતા હતા. સોમનાથ-મહાદેવનું એ સોમનાથ પાટણ પ્રભાસ તરીકે પણ ઓળખાય છે. આ મંદિરના નિભાવખર્ચ માટે દશ હજાર ગામોની જાગીર એ સમયના રાજ્યકર્તાએ ભેટ આપેલી. મંદિરની પૂજા માટે એક હજાર પૂજારીઓ હતા અને અનેક સંગીતકારો ભજનકીર્તન ચલાવતા.

સોમનાથના પુરાણા મંદિરના ભગ્નાવશેષો જોઈને, સ્વામીજી ભારતના ભવ્ય ભૂતકાળમાં લીન થઈ ગયા.  આ મંદિરની મુલાકાતનાં પ્રેરક સ્મરણો અને દક્ષિણ ભારતનાં એવાં બીજાં પ્રાચીન મંદિરોની મુલાકાતોની અસર પશ્ચિમમાંથી પરત આવ્યા પછીના મદ્રાસના ‘ભારતના ભાવિ’ પરના એમના પ્રવચનમાં વ્યક્ત થતી જોવા મળે છે. સ્વામીજીએ કહ્યું હતું: ‘તમારા પૂર્વજોએ બહાદુરીપૂર્વક મોત સહિત બધુંય સહન કર્યું હતું અને પોતાનો ધર્મ રક્ષ્યો હતો. પરદેશી આક્રમણકારોએ એક પછી એક મંદિરો ભાંગ્યાં હતાં, પણ જેવું એ આક્રમણનું મોજું ઊતરી ગયું કે મંદિરનો ઘુમ્મટ ફરી ઊભો થઈ ગયો હતો. દક્ષિણ ભારતનાં આ કેટલાંક પ્રાચીન મંદિરો અને ગુજરાતનાં સોમનાથ જેવાં મંદિરો આપણને ઘણું જ્ઞાન આપશે. અને એ જ્ઞાન ગ્રંથોના ઢગલા કરતાં દેશના ઇતિહાસનું વધારે સાચું દર્શન કરાવશે. આ મંદિરોએ સેંકડો હુમલાઓ સહન કર્યા છે અને સેંકડોવાર પુનર્જન્મ પામ્યાં છે. સતત નાશ પામ્યાં છે અને ખંડેરોમાંથી સતત પુનર્જીવિત થતાં રહ્યાં છે. એ આપણું રાષ્ટ્રિય માનસ છે, એ રાષ્ટ્રિય જીવનપ્રવાહ છે. એને અનુસરો અને કીર્તિ પામો કે એને તજી દો અને નાશ પામો.’

થોડા સમય પછી સ્વામીજી ફરી જૂનાગઢ આવ્યા. આ સ્થળેથી કાઠિયાવાડમાં અને કચ્છમાં સ્વામીજીએ આંટા ફેરા કર્યા જણાય છે. ત્રીજીવાર જૂનાગઢ છોડીને એ પોરબંદર ગયા; ભાગવતના વાચકો એના પ્રાચીન નામ સુદામાપુરીથી એ શહેરને ઓળખે છે. અહીં એમણે સુદામાજીના પ્રાચીન મંદિરની મુલાકાત લીધી. અહીંના રાજ્યના વહીવટદાર શંકર પાંડુરંગ પંડિત સાથે સ્વામીજીની સારી મૈત્રી જામી. શંકર પાંડુરંગ વેદના અઠંગ અભ્યાસી હતા. એમની સાથે વૈદિક ધર્મ અને દર્શનની ચર્ચા અને તેનું અઘ્યયન કરવામાં સ્વામીજીએ કેટલાક મહિનાઓ ગાળ્યા. જે ભોજેશ્વર બંગલામાં સ્વામીજી રહેતા હતા તે આજે પોરબંદરના ‘રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ’ તરીકે ઓળખાય છે. શંકર પાંડુરંગ પંડિતને અથર્વવેદના સંપાદનમાં પણ સ્વામીજીએ સહાય કરી હતી. પાણિનિના સંસ્કૃત વ્યાકરણ પરની પ્રખ્યાત ટીકા, પતંજલિના મહાભાષ્યનો સ્વામીજીએ અહીં પૂરો અભ્યાસ કર્યો અને ફ્રેંચ ભાષાનો અભ્યાસ કરી તેની ઉપર સારું પ્રભુત્વ પ્રાપ્ત કર્યું. આ બધા કાળ દરમિયાન સ્વામીજી ખૂબ બેચેન રહેતા. જગતમાં ક્રાંતિ કરવાનું સામર્થ્ય પોતાનામાં છે એ ગુરુબોલ તેમને સાચા જણાતા હતા. ભારતના આઘ્યાત્મિક નવસંસ્કરણનો ખ્યાલ એમના મનમાં અગ્રક્રમે હતો. સભ્ય જગતને ભારતની શક્તિનો સાચો ખ્યાલ આપવા અને સનાતન ધર્મનો બોધ આપવા સ્વામીજીને પશ્ચિમમાં જવા માટે તેમણે કહ્યું: ‘સ્વામીજી, મને લાગે છે કે આ દેશમાં તમારી કીમત થશે નહિ. તમારે પશ્ચિમના દેશોમાં જવું જોઈએ.’ વેદોનું અઘ્યયન જેમ વધારે ને વધારે કરતા ગયા તેમ એમને લાગ્યું કે ભારત જ બધા ધર્મોની માતા છે, અઘ્યાત્મનો આદિ સ્રોત છે અને સંસ્કૃતિનું પારણું છે.

પછી પોરબંદર છોડી સ્વામીજી પરિવ્રાજક રૂપે દ્વારકા ગયા. શ્રીકૃષ્ણની અનેક સ્મૃતિઓ અને કથાઓનું એ પવિત્ર સ્થાન છે. રાજાઓ બનાવનાર શ્રીકૃષ્ણની મહાનગરી હતી. ત્યાં આજે સાગર ઘૂઘવે છે. સમુદ્ર ઉપર દૃષ્ટિપાત કરતાં, પ્રાચીન ભારતની મહત્તાનાં ખંડેરો જ રહ્યાં છે એ જોઈ સ્વામીજીના ચિત્તમાં વ્યથાના તરંગો ઊભરી આવ્યા. પોતે કાંઠે બેઠા અને ભારતના ભાવિના ચિંતનમાં ડૂબકી મારવા લાગ્યા. પછીથી શંકરાચાર્યના શારદામઠના એક ઓરડામાં ભારતના ઉજ્જ્વલ ભાવિના પ્રતીક સમી મહાજ્યોતનું એમને દર્શન થયું.

દ્વારકાથી સ્વામીજી પ્રથમ બેટ દ્વારકા ગયા અને ત્યાંથી કચ્છના મહારાવના નિમંત્રણે સ્વામીજી કચ્છ-માંડવી ગયા. માંડવીથી એમણે નારાયણ સરોવર, આશાપુરા, એમ વિવિધ યાત્રાધામોની મુલાકાત લીધી અને ફરી માંડવી ગયા તો ત્યાં ઘણા વખતથી એમનું પગેરું દબાવતા ગુરુભાઈ સ્વામી અખંડાનંદ તેમને મળ્યા. આ સંન્યાસી બંધુ હવે પોતાનો કેડો નહિ મૂકે તેવો ડર સ્વામીજીને લાગ્યો. અખંડાનંદને એમણે કહ્યું: ‘જો ગંગાધર, મારે એક કાર્ય પાર પાડવાનું છે અને તું જો સાથે હશે તો તે પાર નહિ પડી શકે.’ પરંતુ સ્વામીજીને એકલા રહેવાફરવા દેવાનું વચન અખંડાનંદે આપ્યું એટલે એમની સાથે ભૂજમાં, માંડવીમાં અને પોરબંદરમાં ફરી શંકર પાંડુરંગ પંડિતને ત્યાં થોડા દહાડા સ્વામીજી રહ્યા. સ્વામીજી પોરબંદર હતા ત્યારે એમને પશ્ચિમના દેશોમાં જવાની સલાહ શંકર પંડિતે પણ આપી હતી, કારણ કે હિંદુધર્મ પરનો આપનો વેધક પ્રકાશ ત્યાંના લોકો બરાબર ઝીલી શકશે.’ શિકાગોમાં મળનારી વિશ્વધર્મ પરિષદ વિશે સ્વામીજીએ પોરબંદરમાં કે જૂનાગઢમાં સાંભળ્યું હતું.

પોરબંદરથી સ્વામીજી ફરી જૂનાગઢ ગયા. ત્યાંથી સ્વામીજી પાલીતાણા ગયા. ત્યાં શેત્રુંજય ડુંગર ઉપર જૈનોનાં પ્રસિદ્ધ દેરાં આવેલાં છે. એમાંનાં કેટલાંક તો અગિયારમી સદીનાં છે. પહાડ પર ચડી ઉપરથી દેખાતું ભવ્ય દૃશ્ય સ્વામીજીએ જોયું. ગાવાની અને વાજિંત્રો બજાવવાની પોતાની પ્રવીણતાને લીધે સ્વામીજીએ લોકોનું ઘ્યાન આકર્ષ્યું. કાઠિયાવાડનો એમનો આ છેલ્લો મુકામ હતો. પાલીતાણાથી સ્વામીજી નડિયાદ ગયા. સ્વામીજીના નિકટના મિત્ર અને જૂનાગઢના દીવાન હરિદાસ દેસાઈએ સ્વામીજી દક્ષિણ ભારતની પરિવ્રાજક યાત્રામાં જાય તે પહેલાં નડિયાદના પોતાના પૈતૃક નિવાસસ્થાને થોડા દિવસ રોકાય તેવી એમને વિનંતી કરી હતી. એટલે સ્વામીજી ત્યાં ઉતર્યા હતા. અહીં સંગીતની જાણે કે મહેફીલ જામતી. અહીં સ્વામીજીએ વગાડેલ તાનપૂરો બેલુર મઠના સંગ્રહસ્થાનને શોભાવે છે. નડિયાદમાં સ્વામીજી અહીંના સુપ્રસિદ્ઘ સાહિત્યકાર અને ચિંતક મણિભાઈ નભુભાઈ દ્વિવેદીને મળ્યા હતા. મણિભાઈ નભુભાઈ પ્રખર અદ્વૈત વેદાંતી હતા. એમણે હિંદુત્વ વિશેનો લેખ શિકાગો વિશ્વધર્મ પરિષદમાં મોકલ્યો હતો.

નડિયાદ થઈને સ્વામીજી વડોદરા ગયા. વડોદરામાં તેઓ કુશળ વહીવટદાર, ધર્મભાવનાવાળા, પવિત્ર અને ઉમદા ચારિત્ર્યના દીવાન બહાદુર મણિભાઈ જશભાઈના અતિથિ બન્યા. દીવાનજી સાથે રાજ્યની કેળવણી વિશે ચર્ચા કરી હતી. તેમણે વડોદરાનું સુસમૃદ્ઘ પુસ્તકાલય પણ જોયું હતું. લક્ષ્મીવિલાસ મહેલમાં આવેલાં રાજા રવિ વર્માનાં ચિત્રો પણ જોયાં હતાં. જે દિલારામ બંગલામાં સ્વામીજી ઊતર્યા હતા તે સ્થળ આજે ‘રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ’ના નામે રામકૃષ્ણ મિશનનું કેન્દ્ર બન્યું છે. 

You cannot believe in God until you believe in yourself.- Swami Vivekananda

A few heart-whole, sincere, and energetic men and women can do more in a year than a mob in a century.- Swami Vivekananda

Arise ! Awake ! And Stop Not Till the Goal is Reached.- Swami Vivekananda

All power is within you, you can do anything & everything !- Swami Vivekananda

To be good & to do good, that is the whole of religion.- Swami Vivekananda

Purity, Patience & Perseverance are the three essentials to success, and above all Love !- Swami Vivekananda

Take the whole responsibility on your own shoulders, and know that you are the creator of your own destiny !- Swami Vivekananda

We are what our thoughts have made us, so take care about what you think.- Swami Vivekananda