Shri Ramakrishna Ashrama, Rajkot

Free Books : Life Of Swami Vivekananda

ઐતિહાસિક રાજપૂતાનામાં

પછી રાજપૂતાનાની સુંદર અને ઐતિહાસિક ભૂમિમાં પ્રવેશી સ્વામીજી અલવર ગયા. રાજપૂતાના ! વીરોનાં અને વીરતાનાં કેટલાં સંસ્મરણો એ નામ જગાડે છે ! એ નામ સાંભળતાંવેંત ભારતીય હૈયું ધબકવા લાગે છે. રાજપૂતાનામાં જાણે કે ભારતનો ઇતિહાસ ઘનીભૂત થઈ ગયો છે. અકબરનો પણ સામનો કરનાર કુળ પછી કુળ અહીં વસતાં; અહીંની દરેક નારી રાણી હતી. ને અલવર તો રાજસ્થાનનું મોતી છે; એ ડુંગરાઓથી ઘેરાયેલું છે ને દૂર પશ્ચિમમાં ધારદાર શિખરોની પીઠિકા આવેલી છે. એ દૃશ્ય સુંદર છે. આરસના મહેલો છે, જમીન ફળદ્રુપ છે અને સમગ્ર દૃશ્ય પ્રસન્નકર છે.

અર્વાચીન અસર હેઠળ અલવરના મહારાજાએ મૂર્તિપૂજાની ટીકા કરી. મહારાજાની છબિને સ્વામીજીએ નીચે મુકાવી અને દરબારીઓને તેની ઉપર થૂકવા કહ્યું. એમાં લોહીમાંસ નથી છતાં એ મહારાજાની પ્રતિકૃતિ છે. એ જ રીતે ઈશ્વરનું જ સ્મરણ કરીને લોકો મૂર્તિપૂજા કરે છે. મહારાજાને પોતાની ભૂલ સમજાઈ અને એમણે માફી માગી. પોતાના પરિભ્રમણ દરમિયાન પોતાના વાર્તાલાપોથી, પાશ્ચાત્ય અસર હેઠળ ઊભી થયેલી ભૌતિકવાદી સંસ્કૃતિનું અંધ અનુકરણ કરનારાઓને સ્વામીજી કેમ ઠેકાણે લાવતા તેનું આ માત્ર એક ઉદાહરણ છે.

બીજે અનેક સ્થળોએ તેમ જ અલવરમાં પણ સંસ્કૃત અને પાશ્ચાત્ય વિજ્ઞાન શીખવાનો અને ભારતનાં કૃષિ, આરોગ્ય અને ગ્રામ અર્થતંત્ર સુધારવાના માર્ગો શોધવાનો તેમજ આમજનતા અને ભણેલાઓ વચ્ચે સારા સંબંધો સ્થાપવાનો અનુરોધ સ્વામીજીએ યુવાનોને કર્યો: ‘સંસ્કૃત શીખો પણ તે સાથે પશ્ચિમનું વિજ્ઞાન પણ શીખો. મારા બાળકો, ચોક્સાઈ શીખો. અભ્યાસ કરો અને પરિશ્રમ કરો, જેથી આપણા ઇતિહાસને શાસ્ત્રીય આધાર તમે આપી શકો તેવો સમય આવે. આજે ભારતીય ઇતિહાસ અસ્તવ્યસ્ત છે, એમાં કાલગણનાની ચોક્સાઈ નથી. અંગ્રેજ લેખકોએ લખેલ આપણા લાશના ઇતિહાસો આપણાં મનને નિર્બળ કરનારા જ છે, કારણ; એ સર્વ આપણા પતનની જ કથા કહે છે. આપણા રીતરિવાજોને નહિ જાણતા તેમજ આપણાં ધર્મ અને દર્શનોથી અજાણ પરદેશીઓ ભારતનો તટસ્થ અને નિષ્ઠાપૂર્ણ ઇતિહાસ શી રીતે લખી શકે ? અનેક ખોટા ખ્યાલો અને ખોટાં અનુમાનો એમાં સ્વાભાવિકપણે પ્રવેશી ગયેલ છે... ઐતિહાસિક સંશોધનનો સ્વતંત્ર કેડો પાડવાનો સમય આપણે માટે આવી લાગ્યો છે; વેદો, પુરાણો અને ભારતના પ્રાચીન ગ્રંથોનું અઘ્યયન કરીને તેમાંથી ચોક્કસાઈભર્યો, સહાનુભૂતિપૂર્ણ અને પ્રેરક ઇતિહાસ લખવાનું કાર્ય આપણું છે. માટે આપણા ભુલાયેલા અને દટાયેલા ખજાનાને ખોળવાના કાર્યમાં તમે લાગી જાઓ અને તેમનો વિસ્મૃતિમાંથી ઉદ્ધાર કરો. કોઈનું બાળક ખોવાઈ ગયું હોય તો એ મળે ત્યાં સુધી એ વ્યક્તિને નિરાંત નથી થતી તેમ ભારતના ભવ્ય ભૂતકાળને લોકોની ચેતનામાં પુન: પ્રસ્થાપિત ન થાય ત્યાં સુધી તમે મંડ્યા રહો. સાચું રાષ્ટ્રિય શિક્ષણ એ છે અને એની વૃદ્ધિ સાથે રાષ્ટ્રિય ચેતના જાગશે.’સ્વામીજીની અંદર રહેલો દેશભક્ત આમ ઘણી વખત આગળ તરી આવતો. વર્ષો પછી ભગિની નિવેદિતાએ એમના એ જીવંત ભારત-પ્રેમને ભવ્ય અંજલિ આપતાં લખ્યું છે: ‘હું એમને લગભગ દરરોજ મળતી. એ વર્ષો દરમિયાન ભારતનો વિચાર એમના શ્વાસોચ્છ્વાસ સમો થઈ પડ્યો હતો.’

તેઓ યુવાનોને પ્રેરિત કરતા: ‘સત્યની પ્રાપ્તિ માટે તો પુરુષાર્થ કરવો જોઈએ. જેનામાં પુરુષાર્થ ન હોય તેના ઉપર પ્રભુની દયા શી રીતે ઊતરી શકે? જે માણસમાં વીરતા નથી તે તમોગુણથી ભરેલો છે. વીરશ્રેષ્ઠ અર્જુન પોતાનું શૂરાતન ખોવાની તૈયારીમાં હતો, એ વખતે શ્રીકૃષ્ણે એને સ્વધર્મ આચરવાનો આદેશ આપ્યો. બળવાન બનો ! મર્દ બનો ! દુષ્ટ મનુષ્યમાં પણ જો મર્દાનગી અને બળ હોય તો મને એના પ્રત્યે માન થાય છે. એનામાં બળ હશે તો કોઈક દિવસ પણ એ દુષ્ટતા છોડી દેશે અને સ્વાર્થ માટે કર્મ કરતો અટકીને આખરે સત્યને પંથે વળશે.’

આગળ વધવાની ઇચ્છાથી સ્વામીજી પછી જયપુર ગયા અને ત્યાં થોડા દિવસ રોકાઈને હિન્દુ અને મોગલ રાજકર્તાઓની યાદોથી સભર એવા અજમેર ગયા. ત્યાં એમણે અકબરનો મહેલ અને હિન્દુમુસ્લિમ બેઉને મન પવિત્ર એવી ઓલિયા મોઈનુદ્દીન ચિશ્તીની દરદગાહ તેમણે જોઈ. ભારતમાંના માત્ર એક એવા બ્રહ્માના મંદિરનાં પણ દર્શન કર્યાં.

૧૮૯૧ના એપ્રિલની ૧૪મીએ સ્વામીજી અજમેરથી આબુ ગયા. એ રાજસ્થાનનું અને પશ્ચિમ ભારતનું હવા ખાવાનું સ્થાન છે અને ત્યાં અદ્‍ભુત મંદિરો આવેલાં છે. પોતાની નજાકત અને કોતરણીને માટે દેશભરમાં એ અનન્ય છે. એ જૈનમંદિરો દેલવાડાનાં દહેરાં તરીકે પ્રસિદ્ધ છે. એમને બંધાતાં ૧૪ વર્ષ લાગ્યાં હતાં તેમ કહેવાય છે.

આબુમાં સ્વામીજી એક ગુફામાં રહીને તપ કરતા. એક દિવસ રાજ્યના એક મુસલમાન વકીલે એમને આમંત્રણ આપ્યું અને સ્વામીજી તેના ઘરે રહેવા ગયા. વકીલે એક દિવસ ખેતડીના મહારાજાના અંગતમંત્રી મુનશી જગમોહનલાલને પોતાને બંગલે આવવાનું આમંત્રણ આપ્યું.

પછી સ્વામીજીનો ખેતડીના મહારાજા સાથે ભેટો થયો. રાજા અજિતસિંહે સંન્યાસીના જ્ઞાનબોલ દિવસો સુધી સાંભળ્યા. મહારાજા સ્વામીજીના એવા તો ભક્ત બની ગયા કે એક દિવસ એમણે સ્વામીજીને કહ્યું: ‘સ્વામીજી, મારી સાથે ખેતડી પધારો. ત્યાં આપને મારી સાથે જ રાખીશ અને હૃદયપૂર્વક આપની સેવા કરીશ.’ સ્વામીજીએ હા પાડી. થોડો સમય જયપુર રોકાયા પછી એ બંને ખેતડી ગયા. થોડા દિવસ પછી ખેતડીમાં સ્વામીજીએ અજિતસિંહને મંત્રદીક્ષા આપી. રાજા તો કેવા અદ્‍ભુત શિષ્ય બની રહ્યા ! રાજાની નિષ્ઠા અને ગહનતા પિછાણીને સ્વામીજી પણ એમને ખૂબ સ્નેહ કરવા લાગ્યા અને દેશની પ્રગતિ માટે એમની પાસેથી ખૂબ અપેક્ષા સેવવા લાગ્યા. પછીથી પોતે અમેરિકા હતા ત્યારે પોતાની પ્રગતિથી સ્વામીજી રાજાજીને માહિતગાર રાખતા અને રાજાજીને પોતાની પત્રપ્રસાદી પામવાના અધિકારી બનાવ્યા હતા.

પોતાની પરિવ્રજ્યાના આ કાળ દરમિયાન દેશના પાંચમા ભાગ પર રાજ્ય કરતા દેશી રાજાઓ સાથે સ્વામીજીએ મૈત્રી કેળવી હતી. કરોડો લોકો પર તેમની અસર હતી. એમના દ્વારા પોતે સામાજિક સુધારણા કરી શકશે, શિક્ષણ પદ્ધતિમાં સુધારો લાવી શકશે અને લોકોના ભૌતિક તથા આઘ્યાત્મિક ઉદ્ધાર માટે અન્ય સુધારાનાં કાર્યો કરાવીને, ભારતીય નવજાગૃતિનું પોતાનું સ્વપ્ન એ સાકાર કરી શકશે એમ સ્વામીજી માનતા હતા.

આ પરિવ્રાજક જીવને સ્વામીજીનું મન વિશાળ બનાવ્યું એટલું જ નહિ પણ તેઓને હલકામાં હલકા ગણાતા માનવી પાસેથી પણ કંઈક નવું શીખતા કર્યા. એમની દૃષ્ટિ નવા વિચારોથી વિશાળ થઈ, એમનું ચિત્ત અહંકાર અને પૂર્વગ્રહોથી મુક્ત થયું. એમને બ્રહ્મજ્ઞનું સમદર્શિત્વ પ્રાપ્ત થયું. ખેતડીમાં ‘પ્રભુ મોરે અવગુણ ચિત ન ધરો’ એ પદ એક ગાનારીને કંઠે સાંભળી સ્વામીજીને એક મોટો બોધપાઠ મળ્યો. પવિત્ર-અપવિત્ર બધા જીવોનું તત્ત્વ બ્રહ્મ છે અને સર્વ જીવો પ્રત્યે સંન્યાસીએ બ્રહ્મના અભિગમથી જોવું જોઈએ એ બાબતનું એમને પુન: સ્મરણ થયું.

હિંદુઓ, મુસલમાનો, ખ્રિસ્તીઓ, મંદિરો, મસ્જિદો, ગિરિજાઘરોમાંનો ભેદ સ્વામીજીના આ સમદર્શિત્વે દૂર કર્યો. સમાદરપૂર્વક એ બધે જતા અને પોતાના મુસ્લિમ યજમાનોનું આતિથ્ય જરા પણ સંકોચ વગર માણતા. પોતે અલ્લાહાબાદમાં જોયેલા એક ફકીરની આઘ્યાત્મિક મહત્તાને ઓળખીને તેની પ્રશંસા કર્યા વગર એ રહી શક્યા ન હતા - ‘એના મુખની દરેક રેખા અને એનો દરેક વળાંક એ પરમહંસ છે તેમ દર્શાવતો હતો.’ એક હિંદુ સંન્યાસી ઈસ્લામના ધર્મગ્રંથોનો આવો જાણકાર હોઈ શકે એ જાણી બેંગલોરના એક મુસ્લિમ રાજ્ય સલાહકાર આશ્ચર્યચકિત થયા હતા.

હલકા ગણાતા લોકોના ચારિત્ર્યના વિકસિત ગુણોથી સ્વામીજી ઓછા પ્રભાવિત થયા ન હતા. રાજપૂતાનામાં એક સ્થળે ત્રણ દિવસ અને રાતો સ્વામીજી ધર્મજિજ્ઞાસુઓને બોધ આપવામાં વ્યસ્ત હતા. એમના ભોજન કે આરામ વિશે કોઈને વિચાર આવ્યો ન હતો. એ બધાં ગયાં તે પછી હલકી ગણાતી કોમના એક માણસે અચકાતાં અચકાતાં સ્વામીજીને કશું વણરાંઘ્યું ખાવાનું ધર્યું. (પોતે અસ્પૃશ્ય હોઈને સ્વામીજીને રાંઘ્યું ધાન ધરતાં અચકાતો હતો.) પરંતુ સ્વામીજીએ એને રસોઈ કરી પોતાને જમાડવા કહ્યું અને પછી પોતે પ્રેમથી એ રાંઘ્યું અન્ન આરોગ્યું. આભારનાં આંસું સારતાં સ્વામીજીએ સ્વગત કહ્યું: ‘આવા હજારો ભલા લોકો ઝૂંપડીઓમાં વસે છે અને આપણે એમને અસ્પૃશ્યો કહી તિરસ્કારીએ છીએ !’

જેમ સ્વામીજી વધારે ભમતા રહ્યા તેમ એમને ખાતરી થતી ગઈ કે ભારતીય રાષ્ટ્રજીવનની કરોડરજ્જુ ધર્મ છે. પરંતુ તેની પ્રવર્તમાન અવનતિ ધર્મને કારણે નહિ પણ ધર્મની વિકૃતિને કારણે અથવા ખરેખર તો ધર્મના ભવ્ય સિદ્ધાંતોના અજ્ઞાનને લીધે અને તેમના અમલના અભાવને કારણે છે.

અઢી મહિના કરતાં થોડો વધારે સમય ખેતડીમાં રોકાયા પછી સ્વામીજીને લાગ્યું કે પોતે પાછા વિશાળ જગતમાં અનાસક્ત થઈને જવું જોઈએ. ઓક્ટોબરના અંત આસપાસ એમણે ખેતડી છોડ્યું અને અજમેર ગયા. ત્યાં તેઓ આશરે ત્રણ સપ્તાહ રોકાયા. ત્યાં ત્રણચાર દિવસ તેઓ હરવિલાસ સારડાને ત્યાં પ્રથમ રહ્યા અને પછી સારડાના મિત્ર પ્રખ્યાત રાષ્ટ્રિય નેતા શ્યામજી કૃષ્ણ વર્માને ત્યાં  રહ્યા. આશરે બે સપ્તાહ આમ અજમેરમાં ગાળ્યા પછી એ કાળે બોમ્બે પ્રેસિડેન્સીને નામે (મુંબઈ ઈલાકાને નામે) ઓળખાતા (આજના ગુજરાત અને મહારાષ્ટ્ર) ભણી એ વળ્યા.

You cannot believe in God until you believe in yourself.- Swami Vivekananda

A few heart-whole, sincere, and energetic men and women can do more in a year than a mob in a century.- Swami Vivekananda

Arise ! Awake ! And Stop Not Till the Goal is Reached.- Swami Vivekananda

All power is within you, you can do anything & everything !- Swami Vivekananda

To be good & to do good, that is the whole of religion.- Swami Vivekananda

Purity, Patience & Perseverance are the three essentials to success, and above all Love !- Swami Vivekananda

Take the whole responsibility on your own shoulders, and know that you are the creator of your own destiny !- Swami Vivekananda

We are what our thoughts have made us, so take care about what you think.- Swami Vivekananda