Shri Ramakrishna Ashrama, Rajkot

Free Books : Teachings Of Shri Ma Saradadevi

સાવધાન !

* હું તમને એક વાત કહું છું : જો તમારે માનસિક શાન્તિ જોઈતી હોય, તો બીજા કોઈના દોષ જોવા નહીં. તેથી ઊલટું તમારા જ દોષ જોતાં શીખો. આખી દુનિયાને તમારી કરતાં શીખો. અહીં કોઈ અજાણ્યું નથી, બેટા! આખી દુનિયા તારી પોતાની જ છે. બીજાની ભૂલ જુએ તે પહેલાં માણસનું પોતાનું મન જ કલુષિત થાય છે.

* સાધુએ સદા સાવધાન રહેવું, તેનો રસ્તો બહુ લપસણો છે અને લપસણે રસ્તે ખૂબ સંભાળીને ડગલાં ભરવાં પડે છે. સંન્યાસી થવું એ શું રમત વાત છે?

* જો કોઈ ભોગ્ય પદાર્થોની વચ્ચે રહે તો સ્વાભાવિક રીતે જ તેમનાથી ખેંચાઈ જાય છે. લાકડાની સ્ત્રીની આકૃતિ પર પણ નજર કરવી નહીં કે તેની નજીક જવું નહીં.

* શિષ્ય : ‘માતાજી! મારા મનમાં ખરાબ વિચાર આવતા નથી.’

* ચમકીને માતાજીએ તેને એકદમ બોલતો અટકાવ્યો અને કહ્યું : ‘એમ બોલ નહીં, એવું બોલવું જોઈએ નહીં.’

* શબ્દો દ્વારા પણ બીજાઓને દુભવવાં નહીં. કારણ વિના અપ્રિય સત્ય બોલીને પણ બીજાઓનું મનદુ:ખ કરવું નહીં. કઠોર શબ્દોનો ઉપયોગ કરવાથી પોતાનો સ્વભાવ પણ કઠોર થઈ જાય છે. વાણી ઉપર સંયમ ન હોય તો લાગણીની શક્તિ પણ ચાલી જાય છે. શ્રીરામકૃષ્ણ કહેતા: ‘લંગડાને પૂછવું નહીં કે તું કેવી રીતે લંગડો થયો છે.’

* એક જગ્યાએથી બીજી જગ્યાએ જાઓ, ત્યારે આસપાસની બધી ચીજોનું અવલોકન કરો અને જ્યાં રહેતા હો, ત્યાં શું શું ચાલે છે તેનું પણ ધ્યાન રાખો, પરંતુ મોઢું બંધ રાખો.

* સાવધાન, માની સેવા કરું છું એવું બહાનું કાઢીને દુનિયાદારીમાં ખૂંચતાં ન જાઓ.

* મૃત્યુ કયારે આવી પહોંચશે, તે નક્કી નહીં હોવાથી શુભ મુહૂર્તની રાહ જોયા વિના જ્યારે જ્યારે તક મળે ત્યારે શુભ વિચારોને અમલમાં મૂકી દેવા. મૃત્યુ સમય-કસમયની ગણતરી કરતું નથી.

* લૂખો વાદવિવાદ, તત્ત્વજ્ઞાનનો ખીચડો છોડી દો. તર્ક દ્વારા તે વળી પરમાત્માને કોણ જાણી શકયું છે?

* માણસની બુદ્ધિશક્તિ કેટલી થોડી છે! જોઈએ છે કંઈ ને માગી બેસે છે કંઈ બીજું જ ! ઘડવા જાય છે શિવની મૂર્તિ અને ઘણીવાર તૈયાર કરી બેસે છે ત્યારે વાંદરાનો આકાર ! એટલા માટે પ્રભુચરણે બધી ઇચ્છાઓ ધરી દેવી એ જ ઉત્તમ છે. આપણે માટે જે ઉત્તમ હશે એ જ તેઓ કરશે. પરંતુ વિવેક, વૈરાગ્ય અને ભક્તિ માટે પ્રાર્થના કરવી. એ બધાની ગણતરી ઇચ્છામાં થાય નહીં.

* આ ત્રણ વાતથી ચેતતા રહેવું. એક તો નદી કાંઠે આવેલું ઘર; ગમે તે વખતે નદીનું પૂર ઘર તોડી નાખે અને તેને પ્રવાહમાં તાણી જાય. બીજો સર્પ; એને જુઓ કે તરત ચેતી જવું, કારણ, કયારે આવીને ડસે તે કહેવાય નહીં. ત્રીજો સાધુ; તમને ખબર નથી કે તેનો એક શબ્દ અથવા એક વિચાર ગૃહસ્થીને નુકસાન કરી બેસે છે. જ્યારે જ્યારે સાધુને જુઓ ત્યારે ત્યારે તેના પ્રત્યે માનભર્યું વર્તન રાખો. અપમાનકારક ટીકા કરીને કે મેણાંટોણાં મારીને તમારે તેનો અનાદર કરવો નહીં.

* કોઈ મહાત્માની સેવા કરતાંયે દોષ થઈ જાય છે. તે આ રીતે થઈ જાય : આવી સેવાનો અધિકાર મળતાં તેનો અહંકાર વધી જાય છે. પછી તે ઢીંગલીની માફક જેની સેવા કરે છે, તેને પણ દબાવવાની ઇચ્છા કરે છે. ખાવાપીવામાં, બેસવા-ઊઠવામાં, એમ બધી રીતે તે એમની ઉપર અમલ ચલાવવા માગે છે. તે સેવાની ભાવના ખોઈ બેસે છે. ઘણા મહાત્માઓ પોતાની સાથે સમૃદ્ધિ-ધનવૈભવ- રાખે છે. તેથી તેમની સેવા કરવા આવવા ઘણા લલચાય છે. આવા સેવકોને પોતાના અધિકારનો મદ ચડી જાય છે. અને એ રીતે તેઓ પોતાના નાશનો રસ્તો તૈયાર કરે છે. મને કહો તો ખરા કે સાચા સેવાભાવથી કેટલા સેવા કરી શકે છે?

* પૈસો હંમેશાં મનને બગાડે છે. તમે એમ માનો કે અમે તો પૈસાથી પર છીએ અને અમને કદી પણ દ્રવ્યનો લોભ લાગશે નહીં. વળી તમે એમ પણ ધારો કે ગમે તે ક્ષણે ગમે તેને છોડી શકો! નહીં, બેટા! આવો વિચાર મનમાં રાખતા નહીં. એક નાના સરખા કાણામાંથી એ તમારા મનમાં પેસી જશે અને પછી તમને ખબરેય ન પડે એ રીતે ધીમે ધીમે તમને ગૂંગળાવી નાખશે.

* શ્રીરામકૃષ્ણ કદી દ્રવ્યનો સ્પર્શ સહન કરી શકતા નહીં. તેમના ઉપદેશ હંમેશાં યાદ રાખો. સંસારમાં જે કંઈ આફત જુઓ છો તેના મૂળમાં પૈસો જ છે. પૈસો માણસના મનને બીજાં પ્રલોભનોમાં પણ ફસાવી મારે. સાવધાન!

You cannot believe in God until you believe in yourself.- Swami Vivekananda

A few heart-whole, sincere, and energetic men and women can do more in a year than a mob in a century.- Swami Vivekananda

Arise ! Awake ! And Stop Not Till the Goal is Reached.- Swami Vivekananda

All power is within you, you can do anything & everything !- Swami Vivekananda

To be good & to do good, that is the whole of religion.- Swami Vivekananda

Purity, Patience & Perseverance are the three essentials to success, and above all Love !- Swami Vivekananda

Take the whole responsibility on your own shoulders, and know that you are the creator of your own destiny !- Swami Vivekananda

We are what our thoughts have made us, so take care about what you think.- Swami Vivekananda