Shri Ramakrishna Ashrama, Rajkot

Free Books : Teachings Of Shri Ma Saradadevi

મન

* મન ઉપર બધાનો આધાર છે. મનની પવિત્રતા સિવાય કંઈ વળે નહીં. એમ કહેવાય છે કે સાધકના ઉપર ગુરુની, ભગવાનની અને ભક્તની કૃપા થઈ હોય, પરંતુ ‘એક’ની કૃપાની ખામી હોય તો સત્યાનાશ વળી જાય. એ ‘એક’ એટલે મન. સાધકના મનની તેના ઉપર કૃપા થવી જોઈએ.

* ઈશ્વરસાક્ષાત્કારથી સાધકને બીજું શું મળે છે? શું તેને બે શીંગડાં ઊગે છે? ના, તેનું મન પવિત્ર થાય છે, અને પવિત્ર મન દ્વારા સાધકને જ્ઞાન અને પ્રબુદ્ધતા મળે છે.

* જેનું મન પવિત્ર છે તેને બધું પવિત્ર દેખાય છે.

* જ્યારે પવિત્ર મનથી જપ થાય છે, ત્યારે જાણે તેને આપોઆપ અંતરમાંથી એ પવિત્ર નામ સડસડાટ ઉપર આવતું હોય એમ લાગે છે. નામ જપ કરવા માટે તેને પ્રયત્ન કરવો પડતો નથી. આળસ છોડીને નિયમિત સમયે જપ અને ધ્યાન કરવાં જોઈએ.

* મન એ જ બધું છે. મનમાં જ પવિત્રતા અને અપવિત્રતાનો અનુભવ થાય છે. સર્વ પ્રથમ પોતાનું મન કલુષિત થાય, તે પછી જ માણસ બીજાના દોષ જોઈ શકે છે.

* સ્વભાવે જ મન ચંચળ છે. એટલા માટે સૌ પહેલાં તો મનને સ્થિર કરવા માટે પ્રાણનું થોડું નિયમન કરીને ધ્યાન કરવું જોઈએ. તેથી મન સ્થિર કરવામાં મદદ મળે છે. પરંતુ પ્રાણાયામનો વધારે પડતો ઉપયોગ કરવો નહીં. તેમ કરવાથી મગજ તપી જાય છે. તમે ઈશ્વર સાક્ષાત્કારની કે ધ્યાનની વાતો કરો, પણ યાદ રાખજો કે મન જ બધું છે. મન સ્થિર થાય એટલે બધું આવી મળે છે.

* સતત ધ્યાન ધરવાથી મન એટલું બધું સ્થિર થઈ જશે કે ધ્યાન છોડવું તમને ગમશે જ નહીં. જ્યારે મન ધ્યાન ધરવા જેવી સ્થિતિમાં ન હોય ત્યારે બળજબરીથી તેની પાસે તેમ કરાવવું નહીં. એવી સ્થિતિમાં પ્રણામ કરીને આસન પરથી ઊઠી જવું. સહજ ભાવે થતું ધ્યાન એ જ ખરેખરું ધ્યાન છે.

* પ્ર : મા, વારંવાર મારું મન ચંચળ થઈ જાય છે. તે ભોગવિલાસ તરફ દોડે છે અને તેથી હું બહુ ગભરાઉં છું.

ઉ : એવો ઉદ્વેગ ન કરવો. હું કહું છું કે આ કલિયુગમાં માનસિક પાપ એ પાપ નથી. આ બાબતની બધી ચિંતા મનમાંથી કાઢી નાખો. બીવાની કંઈ જરૂર નથી.

 * બેટા! આ મન ગાંડા હાથી જેવું છે. વાયુ કરતાં પણ તેની ગતિ વધારે છે. એટલા માટે સદાયે વિવેક બુદ્ધિનો ઉપયોગ કરવો. ઈશ્વરસાક્ષાત્કાર માટે ખૂબ મહેનત કરવી. એ સમયે મારું મન કેવું આશ્ર્ચર્યકારક હતું! રાતના દક્ષિણેશ્વરમાં કોઈક બંસી વગાડતું. એ સ્વર સાંભળી મારું મન ઈશ્વર સાક્ષાત્કાર માટે એકદમ આતુર થઈ જતું. મને લાગતું કે એ નાદ સીધે સીધો ઈશ્વર પાસેથી આવે છે અને હું તરત જ સમાધિ-દશામાં આવી જતી.

* ખૂબ તપને પરિણામે મન પવિત્ર થઈ જાય છે. ઈશ્વર તો પવિત્રતા સ્વરૂપ જ છે એટલે તપ વિના તે મળે નહીં.

* દિવસમાં પંદરથી વીશ હજાર નામ જપ કરવામાં આવે, તો મન સ્થિર થઈ જાય. ખરેખર એમ જ છે... મેં પોતે તેનો અનુભવ કર્યો છે. પહેલાં તો સૌ તેનું આચરણ કરી જુએ; અને પછી જો એમ ન બને તો પછી ફરિયાદ કરે.

* મનનો સંયમ કરીને ઈશ્વરનું નામ એક વખત પણ લેવામાં આવે તે, ઈશ્વરથી દૂર ભટકતા મનથી લેવાયેલા લાખો નામો બરાબર છે. ભલે આખો દિવસ ભગવાનનું નામ લીધા કરો, પણ મન જો બીજે લાગેલું હોય, તો એવાં નામજપથી ઝાઝો ફાયદો થતો નથી. નામજપની સાથે એકાગ્રતા પણ જોઈએ.

* મન એકાગ્ર ન થાય, તો પણ ભગવાનનું પવિત્ર નામ છોડવું નહિ. તમે તમારી ફરજ બજાવો. નામ લેતાં લેતાં જ નિર્વાત જગ્યાની અંદર રહેલી મીણબત્તીની જેમ મન આપોઆપ સ્થિર થઈ જશે. વાયુ જ દીવાની જ્યોતને આમતેમ દોલાયમાન કરે છે. તે જ રીતે આપણી કલ્પનાઓ અને વાસનાઓ જ આપણા મનને ચંચળ કરી મૂકે છે.

* જેવી રીતે વાયુ વાદળાંને હાંકી કાઢે છે, તેવી જ રીતે ભગવાનનું નામ મનને ઢાંકી દઇને વિષયલોલુપતાના મેઘને છિન્નભિન્ન કરી નાખે છે.

* માણસ બીજાનાં દૂષણ જુએ છે ત્યારે પહેલાં તો તેનું મન અપવિત્ર થઈ જાય છે. બીજાનાં દૂષણ જોવાથી તેને શો લાભ? એમ કરીને તો તે પોતાને જ નુકસાન કરે છે. મારી બાલ્યાવસ્થાથી જ હું કોઈના દોષ જોઈ શકતી નહીં. એ (દોષ જોવાની) એક વાત હું જિંદગીમાં કદી શીખી નથી.

* ભગવાન પ્રત્યે અનુરાગ-ખેંચાણ ન હોય તો પણ નામજપથી તમે સફળતા પામશો. તમે પોતાની મેળે પાણીમાં કૂદી પડો કે કોઈ તમને પાણીમાં ધકેલી દે, બન્ને રીતે તમારાં કપડાં ભીનાં થઈ જશે. ખરું ને? તમારું મન હજી પાકું થયું નથી, માટે દરરોજ ધ્યાન ધરો. ધ્યાનના અભ્યાસથી તમારું મન કેન્દ્રિત થશે. સદા સત્- અસતનો વિચાર કરો. જ્યારે જ્યારે કોઈપણ વિષય તરફ આકર્ષણ થાય, ત્યારે તેની ક્ષણભંગુરતાનો વિચાર કરો અને મનને ઈશ્વર ઉપર એકાગ્ર કરવાનો પ્રયત્ન કરો.

* જીવનમાં આઘાતો સહન કર્યા પછી ઘણાં પ્રભુનું નામ લે છે. પરંતુ ભગવાનને શ્રીચરણે જે નાનપણથી જ પોતાનું મન પુષ્પની માફક ધરી શકે તે ખરેખર ભાગ્યશાળી છે.

* મન સ્વાભાવિક રીતે જ અનિષ્ટ તરફ વળે છે; સત્કર્મ કરવા તેની મરજી હોતી નથી. સવારે વહેલાં ઊઠીને ધ્યાન ધરવાની મને ટેવ હતી. પરંતુ એકવાર નાદુરસ્ત તબિયતને લીધે હું એટલી વહેલી ઊઠી શકી નહીં. મનની કુદરતી આળસ જ એવી છે કે ત્યાર પછી યે કેટલાય દિવસો સુધી મને ઊઠવામાં મોડું થઈ જતું. એટલા માટે જો તમારે કંઈ શુભ અને મહાન વસ્તુ મેળવવી હોય તો તત્પરતા રાખવી.

You cannot believe in God until you believe in yourself.- Swami Vivekananda

A few heart-whole, sincere, and energetic men and women can do more in a year than a mob in a century.- Swami Vivekananda

Arise ! Awake ! And Stop Not Till the Goal is Reached.- Swami Vivekananda

All power is within you, you can do anything & everything !- Swami Vivekananda

To be good & to do good, that is the whole of religion.- Swami Vivekananda

Purity, Patience & Perseverance are the three essentials to success, and above all Love !- Swami Vivekananda

Take the whole responsibility on your own shoulders, and know that you are the creator of your own destiny !- Swami Vivekananda

We are what our thoughts have made us, so take care about what you think.- Swami Vivekananda