Shri Ramakrishna Ashrama, Rajkot

Free Books : Teachings Of Shri Ma Saradadevi

શ્રીરામકૃષ્ણ

* ખરેખર શ્રીરામકૃષ્ણ સાક્ષાત્ ઈશ્વર હતા. બીજાઓના શોકતાપ દૂર કરવા તેમણે આ માનવદેહ ધારણ કર્યો હતો. રાજા પોતાના શહેરમાં ફરે તેમ છૂપે વેશે તેઓ ફરતા હતા. તેઓને ઓળખી કાઢ્યા કે તરત તેઓ અદૃશ્ય થઈ ગયા.

* તમે ફક્ત ઠાકુરનો આશ્રય લેશો તો તમને બધું જ આવી મળશે. ત્યાગ એ જ તેમનું ભૂષણ હતું. આપણે તો તેમનું નામ લઈએ છીએ એટલે ખાઈએ- પીઈએ છીએ અને મોજ કરીએ છીએ, કારણ કે તેમણે સંપૂર્ણ ત્યાગ કર્યો હતો.

* ઠાકુરને સત્ય ઉપર કેટલો બધો અનુરાગ હતો! તેઓ કહેતા કે, સત્ય જ કલિયુગનું તપ છે. સત્યને વળગી રહેવાથી ઈશ્વરપ્રાપ્તિ થાય છે.

* ઠાકુરના ચાલ્યા ગયા પછી હું પણ જવા માગતી હતી. તેઓ મારી સમક્ષ પ્રગટ થયા અને તેમણે મને કહ્યું: ‘ના, ના, તમારે અહીં જ રહેવાનું છે. હજી ઘણું કરવાનું છે.’

* સંસારમાં ઈશ્વરના માતૃભાવનો પ્રકાશ કરવા શ્રીરામકૃષ્ણ મને પાછળ મૂકતા ગયા છે.

* પ્ર : તમે શ્રીરામકૃષ્ણને તમારા પિતા કહી શકો?

   ઉ : હા ! તેઓ મારાં પિતા, માતા, મારા ભાઈ અને મિત્ર છે. તેઓ મારું સર્વસ્વ છે.

* તેમની છબી સમક્ષ તમે કાયમ પ્રાર્થના કર્યા કરો, તો તેઓ તે છબી મારફત આવિર્ભૂત થાય છે. એ છબી જ્યાં રાખીએ તે જગ્યા મંદિર બની જાય છે.

* ચૂપચાપ ઈશ્વરનું નામ લેવું. શ્રીરામકૃષ્ણના નામનો જાપ કરવો એ જીવનની સમસ્યાઓનો ઉકેલ લાવવાનો સહેલામાં સહેલો અને ઉત્તમોત્તમ રસ્તો છે.

* શ્રીરામકૃષ્ણમાં વિશ્વાસ રાખો, તેઓ તમારાં દુ:ખોમાંથી તમને ઉગારી લેશે અને તમને માનસિક શાંતિ આપશે. ભગવાનના નામનો ઉચ્ચાર કરો અને બીજાનાં દુષ્કર્મોનો ભાર પોતાના ઉપર લેવાથી શ્રીરામકૃષ્ણને કેવાં દુ:ખ ભોગવવાં પડ્યાં હતાં, તેનો વિચાર કરો; તેમ કરવાથી તમારાં શરીર અને મન પવિત્ર થતાં જાય છે એમ તમને જણાશે. ઈશ્વરાવતાર અને તદ્દન પવિત્ર હોવા છતાં બીજાઓને માટે શ્રીરામકૃષ્ણે કેટલું બધું દુ:ખ ભોગવ્યું હતું! અને તેમ છતાં એક ક્ષણ પણ મહાભાવથી કે આદ્યાશક્તિના મંગલમય ચિંતનમાંથી તેઓ વિચલિત થયા ન હતા, તે વાતનું સ્મરણ કરશો, તો તમારો શોક અને તમારાં દુ:ખ વિસાત વગરનાં લાગશે.

* તેઓ તો આનંદની મૂર્તિ સ્વરૂપ હતા. દિવસના ચોવીસે કલાક તેઓ ભજનમાં, હસવામાં, ગમ્મત કરવામાં, ઉપદેશ આપવામાં અને વાતો કહેવામાં ગાળતા. મને યાદ છે ત્યાં સુધી મેં તેમને કદીયે કોઈપણ વાતનો ઉદ્વેગ કરતા જોયા નથી.

* પ્ર : તમે ઠાકુરને ધરાવો છો તે ખોરાક તેઓ ખરેખર ગ્રહણ કરે છે ?

  ઉ : હા, તેઓ ગ્રહણ કરે છે. તેમની આંખોમાંથી એક જ્યોતિ બહાર નીકળે છે અને તે બધા ખાદ્ય પદાર્થોનો સ્પર્શ કરે છે. ભક્તોના સંતોષને ખાતર જ તેઓ ધરાવેલા થાળમાંથી ખાય છે. પવિત્ર પ્રસાદ અંત:કરણને નિર્મળ કરે છે. પહેલાં ઈશ્વરને અર્પણ કર્યા વિના જો કોઈ ખોરાક ખાય તો મન અપવિત્ર બને છે.

* ઠાકુરને પ્રસાદ ધરવામાં કોઈ વિધિ અનુસરવાની જરૂર નથી. પોતાના ગુરુ તરફથી મળેલો મંત્ર જ બધી વાત માટે પૂરતો છે.

* ઠાકુર પોતાના ભક્તોને શ્રાદ્ધનું અન્ન નહીં ખાવાનો ઉપદેશ આપતા; કારણ, એવો ખોરાક ભક્તને બાધાકારક છે. એ એક અપવાદ સિવાય તમે બીજો કોઈપણ ખોરાક પરમાત્માને ધરાવ્યા પછી લઈ શકો.

* ઠાકુર તમારું રક્ષણ કરશે. તેના ઉપર આધાર રાખીને તમારે જીવન ગાળવું; તેમની ઇચ્છા હોય તો તમારું ભલું કરે અથવા તેમને ગમે તો તમને ડુબાડે. પરંતુ તમારે જે ધર્મસંગત હોય તે જ કરવું અને તે પણ તેમણે તમને આપેલી શક્તિ અનુસાર.

* સર્વધર્મ સમન્વયનો ઉપદેશ કરવાના ખાસ ઉદ્દેશથી તેમણે જુદા જુદા ધર્મોની સાધના કરી હતી, એમ મને કદી લાગ્યું નથી. અહર્નિશ તેઓ ભગવદ્-ભાવમાં મગ્ન રહેતા. વૈષ્ણવો, ખ્રિસ્તીઓ, મુસલમાનો અને બીજાઓના માર્ગ અનુસાર સાધનાઓ કરીને તેઓ આદ્યાશક્તિની લીલાનો આસ્વાદ લેતા. પરંતુ બેટા! મને તો એમ લાગે છે કે, ત્યાગ એ ઠાકુરના જીવનની વિશેષતા છે. કોઈએ કદી આવો ત્યાગ જોયો છે? ત્યાગ એ તેમનું આભૂષણ હતું.

* શ્રીરામકૃષ્ણ પૂર્ણાત્મા હતા. તેમના જેવાની સમક્ષ પોતાનાં પાપ પ્રકાશવાથી મનુષ્ય ખરેખર પાપમુક્ત થાય છે.

* ઠાકુર કાંઈપણ ભાંગવા - તોડવા આવ્યા ન હતા, તેઓ તો માત્ર પરિપૂર્ણ કરવા આવ્યા હતા.

* શ્રીરામકૃષ્ણ મને કહેતા: ‘હંમેશાં કાર્ય કરતાં રહેવું જોઈએ. ક્યારેય પણ કામ વિના રહેવું નહીં. તેનું કારણ એ કે જ્યારે માણસ નવરો બેસે છે ત્યારે હજારો જાતના ખરાબ વિચારો મનમાં ઊગી નીકળે છે.’

* પ્ર : ઠાકુરે કહ્યું છે કે, જેઓ તેમને પોતાના આધ્યાત્મિક આદર્શરૂપે સ્વીકારશે તેમને ફરી જન્મ લેવો પડશે નહીં. પણ સ્વામી વિવેકાનંદે એમ કહ્યું છે કે સંન્યાસ ધારણ કર્યા વિના મુક્તિ નથી. તો પછી ગૃહસ્થીઓ માટે મુક્તિનો માર્ગ કયો?

ઉ : હા, ઠાકુરે કહ્યું છે તે ખરું છે અને જે નરેન્દ્રે (સ્વામીજીએ) કહ્યું છે તે પણ એટલું જ સાચું છે. ગૃહસ્થીઓને બાહ્ય ત્યાગની જરૂર નથી. તેમનામાં આપોઆપ સ્વાભાવિક રીતે આંતરિક ત્યાગ આવી જશે. પરંતુ કેટલાકને બાહ્ય ત્યાગની પણ જરૂર છે. તમારે શા માટે બીક રાખવી? ઠાકુરને તમારી જાતનું સમર્પણ કરી દો અને કાયમ યાદ રાખો કે તેઓશ્રી તમારી પાછળ ઊભા છે.

* આપણા ઠાકુરનું વાંચવા - લખવાનું જ્ઞાન બહુ જ થોડું હતું. ઈશ્વર પ્રત્યે ભક્તિ હોવી એ જ ખરેખરી વાત છે. ગરીબ અને તવંગર, ભણેલાં અને અભણ - બધાંને મુક્તિનું દાન આપવા ઠાકુરે પૃથ્વી પર જન્મ ગ્રહણ કર્યો હતો. મલયાનિલ વાઈ રહ્યો છે; જે પોતાના સઢ પહોળા કરી ઠાકુરનો આશરો લેશે તે જરૂર કૃતકૃત્ય થઈ જશે.

* પોતાને શું શું કરવાનું છે, તે ઠાકુરે પહેલેથી જ નક્કી કરી નાખ્યું છે. જે કોઈ તેમનાં શ્રીચરણનો અનન્ય ભાવે આશ્રય સ્વીકારશે તેને માટે બધું અનુકૂળ કરી દેવાની સંભાળ ઠાકુર રાખશે. બધું સહન કરવું જોઈએ.

* ઠાકુર કહેતા કે માણસને ક્યાંય કોઈ પણ સગુંવહાલું ન હોય તેમ છતાં મહામાયા તેને બિલાડી પાળવા લલચાવે અને આ રીતે તેને સંસારી બનાવી દે. આવી એ મહામાયાની લીલા છે!

* પ્ર : મને કેમ ઠાકુરનાં દર્શન થતાં નથી?

ઉ : નિરાશ થયા વિના પ્રાર્થના કર્યા કરો. યોગ્ય સમયે બધું થશે. ઋષિમુનિઓએ ઈશ્વર સાક્ષાત્કાર માટે કેટકેટલા યુગો સુધી તપ કર્યાં હતાં? અને તેમ છતાં તમે શું એમ ધારો છો કે તમને આંખના પલકારામાં પ્રભુનાં દર્શન થઈ જશે? આ જન્મમાં નહીં, તો હવે પછીના જન્મમાં તમને તેમનાં દર્શન થશે. એમ પણ નહીં, તો તે પછીના જન્મમાં થશે. ઈશ્વર સાક્ષાત્કાર શું એટલો બધો સરળ છે? પરંતુ આ વખતે ઠાકુરે સરળ રસ્તો બતાવ્યો છે. તેથી બધાં ઈશ્વરસાક્ષાત્કાર કરી શકશે.

* બેટા! ચિંતા કર નહીં. આપણા ઠાકુર જ મહેશ્વર છે અને સાથે સાથે મહેશ્વરી પણ છે. એ બધાં દેવદેવીઓની મૂર્તિરૂપ છે. તેઓ જ બધા મંત્રોનું મૂર્ત સ્વરૂપ છે. તેમના દ્વારા બધાં દેવદેવીઓની પૂજા થઈ શકે તેમ છે. તમે તેમને મહેશ્વર અને મહેશ્વરી રૂપે સંબોધી શકો.

* પુસ્તકોના અભ્યાસમાત્રથી શું કોઈમાં શ્રદ્ધા જાગે છે? વધારે પડતાં વાચનથી ગડબડ થાય છે. ઠાકુર કહેતા કે કેવળ ઈશ્વર જ સત્ય છે અને જગત મિથ્યા છે, એટલું આપણે શાસ્ત્રોમાંથી શીખવું જોઈએ.

You cannot believe in God until you believe in yourself.- Swami Vivekananda

A few heart-whole, sincere, and energetic men and women can do more in a year than a mob in a century.- Swami Vivekananda

Arise ! Awake ! And Stop Not Till the Goal is Reached.- Swami Vivekananda

All power is within you, you can do anything & everything !- Swami Vivekananda

To be good & to do good, that is the whole of religion.- Swami Vivekananda

Purity, Patience & Perseverance are the three essentials to success, and above all Love !- Swami Vivekananda

Take the whole responsibility on your own shoulders, and know that you are the creator of your own destiny !- Swami Vivekananda

We are what our thoughts have made us, so take care about what you think.- Swami Vivekananda