Shri Ramakrishna Ashrama, Rajkot

Free Books : Life Of Shri Ma Saradadevi

પતિની પસંદગી

અવતારચરિત્રોમાં કેટલીક અસામાન્ય ઘટનાઓ હોય છે. એમનો બુદ્ધિ કે તર્કનો સંતોષ થાય એવો ખુલાસો નથી આપી શકાતો. એનું એક કારણ એ છે કે એ ઘટનાઓને આપણે આપણા રીતરિવાજો અને પરિસ્થિતિના માપદંડથી માપીએ છીએ. અને બીજું એ કે અવતારી વ્યક્તિનાં કાર્યો તેમની પાછળની દિવ્ય શક્તિથી પ્રેરાઈને થતાં હોય છે. શ્રીશારદાદેવીની વરપસંદગી તથા લગ્ન પણ એ અસામાન્ય કોટિમાં આવે છે, પરંતુ અમારો મત કોઈના પર લાદવાનો આગ્રહ ન રાખતાં અમે માત્ર એ ઘટનાનું ટૂંકું બયાન આપીશું.

જયરામવાટીથી નજીકમાં શિહોડ નામનું એક ગામ છે. શારદાદેવીનું મોસાળ ત્યાં હતું. ગામના પાદરમાં શાંતિનાથ શિવનું એક પ્રાચીન મંદિર છે. તેની સામેના ચોગાનમાં હરિકથાઓ, રામલીલા કે રાસલીલાને મળતાં આવતાં સંગીતમય અવતારચરિત્રો કે ધાર્મિક નાટકો ખુલ્લામાં ભજવાતાં.

બીજી બાજુએ શ્રીશારદાદેવીના ભાવિ સસરાનું ગામ કામારપુકુર પણ ત્યાંથી નજીક. તેમના ભાવિ પતિ શ્રીરામકૃષ્ણના ભાણેજ હૃદયરામનું ઘર પણ શિહોડમાં. એટલે શ્રીરામકૃષ્ણ નાની ઉંમરથી જ ત્યાં આવા પ્રસંગોએ આવતા જતા.

આવા એક ધાર્મિક નાટક પ્રસંગે આવી એક કૌતુકભરી ઘટના બનેલી છે: સીતા સ્વયંવરના અભિનયનું સંગીત ચાલી રહ્યું હતું. સૌ કોઈ જોવામાં, સાંભળવામાં મશગૂલ હતાં. એક બાજુએ કેટલાક છોકરાઓ હારબંધ બેઠા હતા. તેમાં સમાન ઉંમરના પોતાના ભાણેજ હૃદયરામની બાજુમાં શ્રીરામકૃષ્ણ પણ બેઠા હતા. પાછળ પુરુષવર્ગ હતો. સામી બાજુએ સ્ત્રી સમુદાય બેઠો હતો. તેમાં કોઈ એક સ્ત્રીના ખોળામાં બેઠી બેઠી બે વર્ષની બાલિકા શારદા યાત્રાભિનય જોતી હતી. ગીત પૂરું થયું એટલે એ સ્ત્રીએ નાની શારદાને વહાલથી પૂછ્યું : ‘દીકરી શારદા ! તું મોટી થઈશ, ત્યારે તારે કોની સાથે વિવાહ કરવો છે ?’ તરત બન્ને હાથ લાંબા કરીને શારદાએ સામેની બાજુએ બેઠેલા શ્રીરામકૃષ્ણને બતાવ્યા અને બધી સ્ત્રીઓ હસી પડી. આ વાંચીને કદાચ આપણને પણ હસવું આવશે પણ પુરાણો અને ભક્તિશાસ્ત્રો કહે છે કે અવતારી વ્યક્તિઓના જીવનમાં સાવ અલ્પ વયમાં જ પોતાના ભાવિ કાર્યનો તથા કાર્યમાં સહાયક વ્યક્તિઓનો આભાસ કયારેક કયારેક જોવામાં આવે છે. ભક્તિગ્રંથો કહે છે કે શ્રીરાધા જન્મ્યાં ત્યારે તેમનાં નેત્રો બંધ હતાં. પછી જ્યારે યશોદાજી શ્રીકૃષ્ણને તેડી રાધાજીને જોવા અને ‘ઝભલું આપવા’ ગયાં ત્યારે રાધાજીએ શ્રીકૃષ્ણને જોવા માટે આંખો ઉઘાડી. ભાવ કે આ આંખોથી પ્રથમ શ્રીકૃષ્ણને જ જોયા, એ અંદરની પ્રેરણાનું કાર્ય ! ‘અકસ્માત’ એ કાંઈ ખુલાસો નથી. તેમ અહીં પણ જે ઉંમરે લોકદૃષ્ટિએ બાળક વિવાહ શબ્દનો અર્થ પણ ન સમજે તે વખતે પોતાના ભાવિ પતિને નાની શારદાએ હાથ લાંબો કરીને બતાવ્યા. એને અંદરથી થયેલી દિવ્ય પ્રેરણાનું કાર્ય ગણવું યોગ્ય લાગે છે.

તે જ પ્રમાણે અવતારી પતિ શ્રીરામકૃષ્ણે પણ પોતાની ભાવિ પત્નીનો પત્તો પોતાનાં મા તથા ભાઈને દિવ્ય પ્રેરણાથી જે પ્રકારે આપ્યો તે નિર્દેશને જાણવા-સમજવા શારદાદેવીનાં ભાવિ સાસરિયાંનો ટૂંકમાં પરિચય આપીશું.

You cannot believe in God until you believe in yourself.- Swami Vivekananda

A few heart-whole, sincere, and energetic men and women can do more in a year than a mob in a century.- Swami Vivekananda

Arise ! Awake ! And Stop Not Till the Goal is Reached.- Swami Vivekananda

All power is within you, you can do anything & everything !- Swami Vivekananda

To be good & to do good, that is the whole of religion.- Swami Vivekananda

Purity, Patience & Perseverance are the three essentials to success, and above all Love !- Swami Vivekananda

Take the whole responsibility on your own shoulders, and know that you are the creator of your own destiny !- Swami Vivekananda

We are what our thoughts have made us, so take care about what you think.- Swami Vivekananda